21 લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી કાશી, 2100 મેડ ઇન ઇન્ડિયા ડ્રોન્સ દ્વારા આકાશમાં 'શિવ તાંડવ'
Dev Diwali 2026: આ વર્ષે કાશીમાં દેવ દિવાળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મેડ ઇન ઇન્ડિયાના 2100 ડ્રોન્સ દ્વારા આકાશમાં 15 અલગ-અલગ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી. આ આકૃતિઓમાં ભગવાન શિવ, મહેશ્વર સૂત્ર, શિવ તાંડવ અને ગંગા અવતરણના દ્રશ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર, દેવી વિશાલાક્ષી અને બાબા કાલ ભૈરવને દર્શાવતી આકૃતિઓ પણ આકાશમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
Dev Diwali 2026: મંગળવારે વારાણસીમાં દેવ દિવાળીના અવસરે શ્રદ્ધા, પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. ગંગાના ઘાટથી લઈને શહેરના મુખ્ય ધાર્મિક સ્થળો સુધી કાશી 21 લાખ માટીના દીવડાઓથી ઝળહળી ઉઠી. પ્રથમ વખત 'મેડ ઇન ઇન્ડિયા' 2100 ડ્રોન્સના સમૂહે ગંગા નદી પર આકાશમાં ઉડાન ભરી હતી.
ડ્રોન્સ દ્વારા આકાશમાં શિવ તાંડવ
આ ડ્રોન્સ દ્વારા આકાશમાં શિવ તાંડવ, ગંગા અવતરણ અને કાશીના પ્રમુખ ધાર્મિક સ્થળોને દર્શાવતી સુંદર આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી. આ પ્રસંગે પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે 84 ઘાટોને આવરી લેતી GPS આધારિત ઓડિયો ટૂરનો શુભારંભ કરાવ્યો. હવે પ્રવાસીઓ 15 અલગ-અલગ ભાષાઓમાં આ ઘાટોનો ઇતિહાસ, ધાર્મિક પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણી શકશે.
21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા
ગંગાના બંને કિનારા પર પ્રગટાવવામાં આવેલી દીવાઓની હારમાળાઓ અને પાણીમાં પડતું તેમનું ઝળહળતું પ્રતિબિંબ આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ હતું. વારાણસીમાં કુલ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આમાં ઘાટ, નદીના રેતાળ કિનારા, મંદિરોના કુંડ અને કાર્યક્રમ માટે નક્કી કરાયેલા અન્ય સ્થળો પર મૂકવામાં આવેલા 11 લાખ દીવાઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક રહેવાસીઓ, સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓએ આ દીવા પ્રગટાવવામાં સહભાગી થઈને યોગદાન આપ્યું હતું. સમગ્ર શહેરમાં મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને મહત્વપૂર્ણ ઈમારતોને રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી. ઘાટ પર બનાવેલી રંગોળીઓ અને વિવિધ સજાવટોએ આ ઉત્સવની ભવ્યતામાં વધુ વધારો કર્યો હતો.
દશાસ્વમેધ ઘાટ પર મહાઆરતી
દશાસ્વમેધ ઘાટ પર ગંગા સેવા નિધિ દ્વારા આયોજિત મહાઆરતીમાં 21 પૂજારીઓ અને 42 દેવ કન્યાઓ દ્વારા આરતી કરવામાં આવી. આ દરમિયાન, ઘાટ પરનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. દીવાઓનો પ્રકાશ, મંત્રોચ્ચાર, શંખનાદ અને ડમરુના ગુંજારવથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ચેત સિંહ કિલ્લા પર પ્રોજેક્શન અને લેસર શો
ચેત સિંહ કિલ્લા પર કાશી કથા હેઠળ એક પ્રસ્તુતિ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના ધાર્મિક અને પૌરાણિક વારસાને દર્શાવવામાં આવ્યો હતો. 3D પ્રોજેક્શન મેપિંગ, એનામોર્ફિક LED ઈમેજરી, સંગીત અને નેરેશનના માધ્યમથી, કિલ્લાની ઐતિહાસિક દીવાલો પર ભગવાન ગણેશની કથા, ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ, તથા ભગવાન વિષ્ણુ અને ચક્ર પુષ્કરિણી કુંડ સાથે જોડાયેલા પ્રસંગો જીવંત થઈ ઉઠ્યા હતા. આ પ્રસ્તુતિમાં માતા ગંગાની મહિમા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 17 મિનિટના આ પ્રોજેક્શન શો બાદ આઠ મિનિટનો લેસર શો યોજાયો હતો.