SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પરિસીમન બિલ પર સાથ આપવા બદલ રિટર્ન ગિફ્ટ! શરદ પવારની પાર્ટી NDAમાં જોડાશે, સુપ્રિયા સુલે બનશે કેબિનેટ મંત્રી?

Delimitation Bill: પરિસીમન બિલને ટેકા બાદ શરદ પવાર એનસીપી જૂથ એનડીએમાં જોડાય એવી અટકળો તેજ થઈ ગઈ છે. જો એનડીએમાં સામેલ થાય તો સુપ્રિયા સુલે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બને એવી ચર્ચા થઈ રહી છે.

Written By Viral Raval
Published: Nov 28, 2026, 11:01 IST | Updated: Nov 28, 2026, 11:07 IST
Join

30મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના ખાસ સત્રમાં પરિસીમન બિલ રજૂ થવાનું છે અને આ વખતે સરકાર તેને પાસ કરાવવામાં કોઈ કસર બાકી રાખવા માંગતી નથી. મહારાષ્ટ્રમાં પણ આ બિલને લઈને ભારે રાજકીય ગરમાવો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ શરદ પવાર આ બિલ પર કોંગ્રેસને બાજુ પર હડસેલીને સરકારને સાથ આપવા જઈ રહ્યા છે. તેમના આ નિર્ણયના પગલે પ્રદેશમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિપક્ષ આ પગલાંને ગદ્દારી ગણાવી રહ્યું છે ત્યાં ભાજપ હવે તેમને રિટર્ન ગિફ્ટ આપવા ઉપર વિચાર કરી રહ્યું છે.

પરિસીમન બાદ બદલાઈ જશે સીટોનું ગણિત, કયા રાજ્યને કેટલી સીટો મળશે, કયા રાજ્યની સીટો નહીં વધે?

એનસીપીની માંગણી

સૂત્રોના જણાવ્યાં મુજબ શરદ પવારની પાર્ટી હવે એનડીએમાં જોડાશે અને સુપ્રિયા સુલેને મોદી કેબિનેટમાં જગ્યા મળશે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સરકારમાં પણ એનસીપી-એસપીને ભાગીદારી અપાશે. સૂત્રો મુજબ એનસીપી-એસપીએ મહારાષ્ટ્ર સરકારમાં જયંત પાટિલને નાણા મંત્રી બનાવવાની માંગણી કરી છે.

સૂત્રો મુજબ ભાજપે એનસીપી-એસપીની આ માંગણી સ્વીકારી પણ લીધી છે. અત્રે જણાવવાનું કે જયંત પાટિલ પહેલા પણ નાણા મંત્રાલયનો ભાર સંભાળી ચૂક્યા છે. જ્યારે અજિત પવારના નિધન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વિભાગ પોતાની પાસે રાખેલો છે. હવે આ મંત્રાલય એનસીપી-એસપીના ફાળે જઈ શકે છે. જો કે તમને જણાવી દઈએ કે ભાજપ કે એનસીપી-એસપી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષો શરદ પવારથી નારાજ, દગાનો આરોપ

શરદ પવારે પોતાન વલણમાં પરિવર્તન કરતા પરિસીમન બિલને સમર્થન આપવાની જાહેરાત કરી. ડિલિમિટેશન પર શરદ પવારના બદલાયેલા વલણથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે બંને નારાજ હોવાની  સાથે સાથે સ્તબ્ધ પણ છે. બંને પક્ષોએ એનસીપી-એસપી પર મહાવિકાસ આઘાડીને દગો કરવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે તો એવો પણ દાવો કર્યો કે શરદ પવારને રાજ્યસભા મોકલવા માટે પાર્ટીએ પોતાના ભાગની એક સીટ પણ જતી કરી હતી. હવે આ ઘટનાક્રમમાં એક નવી કહાની પણ સામે આવી રહી છે. શરદ પવારે કોંગ્રેસ હાઈકમાન પાસે પોતાના મનની વાત કરી છે.

શરદ પવારનો પણ મળ્યો સાથ! સીમાંકન બિલના સમર્થનમાં મોદી સરકારે મેળવી લીધો બહુમતીનો આંકડો? જાણો

શરદ પવારે કેમ લીધો યુટર્ન?

મીડિયા રિપોર્ટ મુજબ શરદ પવારે કોંગ્રેસ હાઈકમાનને સંદેશો મોકલીને પરિસીમન બિલને સમર્થન આપવાનું કારણ સ્પષ્ટ કર્યું. એક મીડિયા રિપોર્ટ મુજબ શરદ પવારે કોંગ્રેસ હાઈકમાનને જણાવ્યું કે પાર્ટીને બચાવી રાખવા માટે પરિસીમન બિલનું સમર્થન કરવું મજબૂરી છે. રિપોર્ટ મુજબ શરદ પવારે કહ્યું કે તેમની પાર્ટીના કેટલાક વિધાયકો અને સાંસદ સત્તાપક્ષના સંપર્કમાં છે. આ પ્રસ્તાવિત બિલના સમર્થનમાં ભાજપની પડખે છે. પાર્ટીને બચાવવા માટે તેમણે આ બિલનું સમર્થન કર્યું છે.

અત્રે જણાવવાનું કે શરદ પવારના એલાન પહેલા જ તેમના પુત્રી અને એનસીપી એસપી સાંસદ સુપ્રિયા સુલેએ મીડિયા સામે બિલને સમર્થન કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પહેલા બિલ તો આવવા દો. બિલની જોગવાઈઓ સામે આવે ત્યારે ઘણું બધુ  કહી શકાય છે. બની શકે કે તે સારું હોય. તેમણે વધુમાં કહ્યું કે, પહેલા પણ અનેકવાર રાષ્ટ્રહિતમાં વિપક્ષે સરકારનો સાથ આપતા અનેક બિલ પાસ કરાવ્યા છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES