SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પંજાબમાં ફરી ભેગા થયા અકાલી દળ અને ભાજપ, અમિત શાહનો હુંકાર- 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું

Punjab Polls: આગામી વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે અને આગામી ચૂંટણી માટે અકાલી દળ અને ભાજપ ફરીથી એક સાથે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગઠબંધન અંગે જાહેરાત કરી.

Written By Viral Raval
Published: Nov 24, 2026, 13:11 IST | Updated: Nov 24, 2026, 13:37 IST
Join

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ ભેગા થઈને લડશે. બંને પક્ષો વચ્ચે ફરીથી એકવાર ગઠબંધન થયું છે. શિરોમણી અકાલી દળના નેતાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા જ્યાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહે આ ગઠબંધન અંગે જાહેરાત કરી. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ  બાદલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ આ અવસરે હાજર રહ્યા. અમિત શાહે મોટું નિવેદન આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર નશાની સમસ્યા ખતમ કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ ચૂંટણી બાદ ભાજપ અને અકાલી દળની ગઠબંધન સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે. 

સૌથી જૂના સાથીની એનડીએમાં વાપસી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે જ્યારે આખો દેશ ગુરુપર્વ મનાવી રહ્યો છે ત્યારે એનડીએના તમામ પક્ષો માટે આ ખુબ આનંદનો વિષય છે કે એનડીએના સૌથી જૂના સાથે અકાલી દળની ફરીથી એનડીએમાં વાપસી થઈ છે. અકાલી દળ આજથી એનડીના અધિકૃત સાથી તરીકે કામ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં આજે એક બેઠક થઈ. જેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ નિર્ણય લીધો કે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ મળીને લડશે.

હિન્દુ-શીખ એક્તાનું પ્રતિક

અમિત શાહે વધુમાં કહ્યું કે, કાલે જ્યારે પીએમ મોદી સાથે વાત થઈ કે એનડીએનો વિસ્તાર થઈ રહ્યો છે તો તેમણે ખુબ આનંદ સાથે સુખબીર સિંહ બાદલને ફોન કર્યો અને ભાજપ અધ્યક્ષને પણ ફોન કરીને ભાવના વ્યક્ત કરી કે હવે એનડીએ પૂર્ણ થઈ ગયું છે. બાદલજીની પાર્ટી સાથે જ એનડીએ પૂર્ણ થાય છે. પ્રધાનમંત્રી અને  બાદલજીનો અટલજી, અડવાણીજી અને બાદલજીનો વર્ષો જૂનો ગાઢ સંબંધ રહ્યો છે. ભાજપ અને અકાલી દળનો પણ ખુબ ગાઢ સંબંધ રહ્યો છે. પંજાબ અને સમગ્ર દેશમાં આ ગઠબંધન હિન્દુ-શિખ ભાઈચારાનું પ્રતિક બનશે.

આ સાથે તેમણે કહ્યું કે ભાજપ અને અકાલી દળ પંજાબમાં અનેક પ્રમુખ વિષયો પર ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. પરંતુ પંજાબમાં નશાની સમસ્યાને જડમૂળમાંથી નાબૂદ કરવી એ અમારો મુખ્ય લક્ષ્ય હશે. પંજાબમાં ભ્રષ્ટાચારની નાબૂદી અને રાષ્ટ્રવાદી શક્તિઓને સશક્ત કરવી એ પણ અમારો મુખ્ય લક્ષ્ય હશે. કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં કેજરીવાલ ત્રણ મહિનામાં નશાને સમાપ્ત કરવાના વાયદા સાથે આવ્યા હતા પરંતુ નશો સમાપ્ત થયો નહીં ઉલ્ટો વધ્યો. 2017માં રાહુલ ગાંધીએ તે કાર્યકાળમાં નશાને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેમની પાર્ટીએ નશાને સમાપ્ત કરવા માટે કશું કર્યું નહીં. 

2029 સુધીમાં પંજાબ થશે નશામુક્ત- અમિત શાહ

અમિત શાહે કહ્યું કે 31 ડિસેમ્બર 2029 સુધીમાં અમે પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું. આગામી ત્રણ મહિનામાં પંજાબના ખેડૂતોની સમસ્યા, પંજાબના આર્થિક વિકાસની ચિંતા અને પંજાબના યુવાઓના રોજગારની ચિંતા, તેના વિશે સુખબીર સિંહ બાદલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન વચ્ચે ત્રણ મહિનાની લાંબી ચર્ચા બાદ એક રોડમેપ બન્યો છે. તે રોડમેપ પર અમારા એનડીએની જે સરકાર બનશે તે આગળ વધશે. 

30 વર્ષ જૂનો છે બંને પક્ષો વચ્ચે સંબંધ

પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન આ કોઈ પહેલીવાર થયું નથી. આ અગાઉ 1996માં ગઠબંધન થયું હતું જે સપ્ટેમ્બર 2020માં કૃષિ કાયદાને કારણે થયેલા મતભેદોને લીધે તૂટ્યું હતું. પંજાબમાં 117 વિધાનસભા સીટો છે. બંને પક્ષો વચ્ચે સીટોની ફાળવણીનો જૂનો ફોર્મ્યૂલો શિરોમણી અકાલી દળ 94 અને ભાજપ 23 સીટો પર ચૂંટણી લડે એવો હતો. પરંતુ 2026માં સીટ શેરિંગ અંગે ચર્ચા હજુ ચાલુ છે.

 

Add Zee News as a Preferred Source

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES