યુપીમાં પત્ની-પુત્ર અને બે પૂજારીઓની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો, 8 કલાક ચાલ્યું બંધક સંકટ
ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક યુવકે તેની પત્ની, બે પુજારીઓ અને પુત્રની ગોળી મારીને હત્યા કરી અને ત્યારબાદ પોતાના જ બાળકોને ઘરમાં બંધક બનાવી રાખ્યા. 8 કલાકની ભારે જદ્દોજહેમત બાદ પોલીસે આ બંધક સંકટ ખતમ કરવામાં સફળતા મેળવી અને આરોપી અરવિંદ સિંહ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો.
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક યુવકે પહેલા તો તેની પત્ની અને બે પુજારીઓ તથા એક 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી અને ત્યારબાદ આરોપી અરવિંદ સિંહ તેના ત્રણ બાળકોને લઈને પોતાના જ ઘરમાં પુરાઈ ગયો. બહાર પોલીસ અને અંદર આ આરોપી તેના ત્રણ બાળકો સાથે....લગભગ 8 કલાકની ભારે મથામણ બાદ આ બંધક સંકટનો અંત આવ્યો. આરોપીએ અંદરથી ફાયરિંગ કરતા ઓપરેશન ખતરનાક વળાંક પર પહોંચી ગયું અને ત્યારબાદ સ્ટન ગ્રેનેડ અને ટિયર ગેસ વચ્ચે પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરી તથા જવાબી ફાયરિંગમાં આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
શું હતો મામલો
પોલીસના જણાવ્યાં મુજબ બે પુજારીઓ ઘરે પૂજા કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન વિવાદ થયો અને આરોપી અરવિંદ સિંહે કથિત રીતે પત્ની અને પૂજા માટે આવેલા બે પૂજારીઓને મારી નાખ્યા ત્યારબાદ આરોપી તેના બાળકોને લઈને ઘરમાં જતો રહ્યો અને કેદ થઈ ગયો. પોલીસે ભારે મથામણ કરીને બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ છતાં આરોપી માન્યો નહીં અને અચાનક ઘરમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો તો આરોપીએ પોતાના એક બાળકને પણ ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસની ટીમ સ્ટેન ગ્રેનેડ અને ટિયર ગેસનો ઉપયોગ કરીને ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગઈ.
પોલીસને જોતા જ આરોપીએ પોતાની લાઈસન્સી રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. લગભગ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને આરોપી અરવિંદ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યારબાદ તેનું પણ મોત નિપજ્યું. આઠ કલાક સુધી આ બંધક સંકટ ચાલ્યું. જો કે પોલીસે વાતચીત દ્વારા સ્થિતિ સંભાળવાની કોશિશ પણ કરી હતી. પણ સફળતા ન મળી શકી.
એડીજી નવીન અરોરાએ જણાવ્યું કે પોલીસની સૂજબૂજ અને સારી ટ્રેનિંગના કારણે આ ખૌફનાક ઓપરેશનમાં ત્રણ માસૂમ બાળકોના જીવ બચ્યા. ઘાયલ પુત્રને તરત સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયો. બાકી બંને બાળકો લાંબા સમય સુધી બંધક રહેવાના કારણે ડિહાઈડ્રેશન, ભૂખ તરસ અને ભારે ટ્રોમા ભોગવી રહ્યા હતા. આરોપીની સાથે 6 વર્ષ અને આઠ મહિનાની બે પુત્રીઓ તથા એક ચાર વર્ષનો બાળક હતો. બાળકોને સુરક્ષિત કાઢવા માટે કમાન્ડો સ્તરની કાર્યવાહી થઈ.
ભૂતપ્રેતનો મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ શંભુપુર ગામના રહીશ અરવિંદ સિંહ પર ભૂતપ્રેતનો ઓછાયો હોવાનો પરિવારને શક હતો. તે દારૂનો પણ વ્યસની હતો. અરવિંદ પરથી ભૂતપ્રેતનો સાયો હટાવવા માટે ઘરમાં ચાર દિવસથી અનુષ્ઠાન ચાલુ હતું. બુધવારે પૂર્ણાહૂતિ હતી. મંગળવારે સાંજે અરવિંદની પત્ની 32 વર્ષની બબિતા પૂજામાં બેઠી હતી. અહરૌલા વિસ્તાના પઠખૌલી ગામના 55 વર્ષના મહેન્દ્ર પાઠક અને છિતાના ગોઝા ગામના રહીશ 50 વર્ષના અખિલેશ મિશ્રા સહિત ચાર પુજારીઓ અનુષ્ઠાન કરાવતા હતા.
એવું કહેવાઈ રહ્યું છે કે સાંજે લગભગ સાડા છ વાગે અરવિંદ નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો અને અનુષ્ઠાનનો વિરોધ કરવા લાગ્યો હતો. આ દરમિયાન અરવિંદે પૂજારીઓ પાસે આધાર કાર્ડ માંગ્યા. જેને લઈને પૂજારીઓ સાથે વિવાદ થયો. બબિતાએ જ્યારે અરવિંદને શાંત કરવાની કોશિશ કરી તો તે ગુસ્સે ભરાયો અને રિવોલ્વર લઈને આવી ગયો.
બે પૂજારીઓએ ભાગીને જીવ બચાવ્યો
આરોપીએ પહેલા પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પૂજારીઓ પર ફાયરિંગ કર્યું. ત્રણનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે અન્ય બે પૂજારીઓ અને પરિજનો બહાર ભાગી ગયા. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરમાંથી બહાર આવી ગયા. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આ બધા વચ્ચે કોઈએ પોલીસને જાણ કરી દીધી. પોતાના ત્રણ બાળકોને ઢાલ બનાવીને યુવક રૂમમાં ઘૂસી ગયો હતો.
એટીએસ કમાન્ડો પહોંચ્યા
ઘટનાની જાણકારી આપતા ડીઆઈજી સુનિલકુમાર સિંહ અને એસએસપીડો. અનિલ કુમાર ત્રણ પોલીસ મથકની ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. રાતે લગભગ સાડા 11 વાગે એડીજી વારાણસી ઝોન નવીન અરોરા પણ ત્યાં પહોંચી ગયા હતા. આરોપીને રૂમમાંથી બહાર કાઢવા માટે લખનઉથી રાતે લગભગ સાડા બાર વાગે એટીએસના કેટલાક કમાન્ડો પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ તેમણે મોરચો સંભાળી લીધો હતો. આરોપી ઠાર કરાયો. એવું કહેવાય છે કે તે પહેલા તેણે પુત્રને ગોળી મારી હતી.
એડીજીના જણાવ્યાં મુજબ આરોપી અરવિંદ માનસિક રીતે બીમાર હતો. તેની સારવાર પણ ચાલુ હતી. પરિજનોને આશંકા હતી કે તેના પર ભૂતપ્રેતનો સાયો હતો. જેને લઈને ઘરમાં ચાર દિવસથી પૂજા પાઠ ચાલતા હતા. આ મુદ્દે વિવાદ થયો અને તેણે પત્ની, પૂજારીઓની હત્યા કરી નાખો. એક માસૂમે પણ જીવ ગુમાવ્યો.