SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અમેરિકામાં ફરી હિન્દુ મંદિર નિશાને! રાત્રે 12 વાગ્યા સુધી જ 'લાઉડ' ગરબા, અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની શરમજનક કરતૂત

Gujarat Breaking News Live: 03 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 03, 2026, 03:37 PM IST | Updated: Oct 03, 2026, 05:36 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

03 Oct 2026, 5:36 PM
Gujarat News Live: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો બાળકો સાથે અનોખો અંદાજ

આંગણવાડી બહેનોના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો બાળકો સાથે અનોખો અંદાજ જોવા મળ્યો છે. શંકર ચૌધરી બાળકો સાથે બાળક બનીને ભણતર, મસ્તી અને રમતમાં જોડાયા. બાળકો માટે બનાવેલી વાનગી પણ ચાખી, વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે 30 મિનિટથી વધુ સમય બાળકો સાથે વિતાવ્યો હતો. વાલીઓ અને આંગણવાડી બહેનોને નાના બાળકોના ઉછેર અને સંસ્કાર અંગે ખાસ સલાહ આપી. નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા શંકરભાઈની ખાસ અપીલ. બાળક આવતીકાલનું ભવિષ્ય છે, નાની ઉંમરથી જ સારા સંસ્કાર આપો. બાળક તમારી આસપાસ હોય ત્યારે અપશબ્દો કે ખરાબ વર્તન ન કરો, કારણ કે બાળક દરેક બાબત ઝડપથી ગ્રહણ કરે છે. બહારની વસ્તુઓ અને બિનજરૂરી પડીકાવાળી ખાણી-પીણીથી પણ બાળકોને દૂર રાખવા વાલીઓને અપીલ. બાળકો પ્રત્યેનો પ્રેમ અને લાગણી સાથે શંકરભાઈનો આજનો સંદેશ પણ બન્યો ચર્ચાનો વિષય.

03 Oct 2026, 5:33 PM
Gujarat News Live: રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર RPF જવાનની સતર્કતાથી મુસાફરનો જીવ બચ્યો

રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર RPF જવાનની સતર્કતાથી મુસાફરનો જીવ બચ્યો છે. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ મુસાફર ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. RPF કોન્સ્ટેબલ અમિત દહિયાએ જીવના જોખમે વૃદ્ધને સુરક્ષિત બહાર કાઢ્યા. CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટનાની હચમચાવતી તસવીરો. રાજકોટ-ઓખા પેસેન્જર ટ્રેનમાં આ અકસ્માતનો બનાવ બન્યો છે. પાણી લેવા ઉતરેલા 61 વર્ષીય મુસાફરનો ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ ભારે પડ્યો. RPF જવાનની તત્પરતા અને સાહસથી મોટી દુર્ઘટના ટળી. મુસાફરને કોઈ ઈજા નહીં, સુરક્ષિત રીતે એ જ ટ્રેનમાં બેસાડાયા. RPF જવાનની બહાદુરીને રાજકોટ ડિવિઝનના અધિકારીઓએ બિરદાવી. રેલવેની અપીલ, ચાલુ ટ્રેનમાં ચડવા-ઉતરવાનો પ્રયાસ ન કરો.
 

03 Oct 2026, 5:31 PM
Gujarat News Live: સુરતના પાડેસરામાં દેહવ્યાપારના અડ્ડાથી બે મહિલા મુક્ત

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષિણ નગરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે Anti-Human Trafficking Unit (AHTU)ની ટીમે લાલ આંખ કરીને સફળ રેડ કરી છે. આ કામગીરી દરમિયાન પોલીસે ત્યાંથી ચાલતો દેહવ્યાપારનો અડ્ડો ઝડપી પાડીને ગેરકાયદેસર ચુંગાલમાં ફસાયેલી બે મહિલાઓને મુક્ત કરાવી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર પશ્ચિમ બંગાળનો બાબુ મંડલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર રેકેટ અંગે સંબંધિત એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

03 Oct 2026, 5:28 PM
Gujarat News Live: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવક કઢંગી હાલતમાં ઇજાગ્રસ્ત મળી આવ્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવક કઢંગી હાલતમાં ઇજાગ્રસ્ત મળી આવ્યો. જે યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જે ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

03 Oct 2026, 5:25 PM
Gujarat News Live: અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિર નિશાને: ઓહાયોના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવાની દુખદ ઘટના સામે આવી છે. ઓહાયો રાજ્યમાં આવેલા પ્રમુખ સ્વામિનારાયણ મંદિર પર અજાણ્યા શખ્સો દ્વારા ઈંટો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ મંદિરની મિલકતને નુકસાન પહોંચાડીને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો છે, જેના કારણે સ્થાનિક ભારતીય સમુદાય અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

03 Oct 2026, 3:53 PM
Gujarat News Live: શંકરસિંહ વાઘેલાની ટિપ્પણી બાદ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળિયાનો વળતો પ્રહાર

શંકરસિંહ વાઘેલા દ્વારા પાટીદાર અનામત આંદોલનને લક્ષ્ય બનાવીને આપવામાં આવેલા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાઘેલાની આ ટિપ્પણી પર પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળિયાએ આકરો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં પ્રવેશ કરતી વખતે માત્ર હાઈલાઈટ થવાના હેતુથી બાપુએ આ પ્રકારનું નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું હોઈ શકે છે. પીપળિયાએ સ્પષ્ટતા કરી હતી કે દરેક સમાજને પોતાનો હક માંગવાનો સંપૂર્ણ અધિકાર છે અને પાટીદાર સમાજે ક્યારેય પણ અન્ય કોઈ સમાજનો હક છીનવીને પોતાને આપવાની માંગ કરી નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના પરિણામે જ આજે તમામ સવર્ણ સમાજના લોકોને પણ અનામતનો લાભ પ્રાપ્ત થયો છે.

03 Oct 2026, 3:51 PM
Gujarat News Live: શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે અલ્પેશ કથિરીયાનો આકરો પલટવાર

શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જેના પર પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ તીખી પ્રતિક્રિયા આપતાં ભારે પલટવાર કર્યો છે. અલ્પેશ કથિરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈ એક પક્ષને ખુશ કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી સ્તરના નેતા દ્વારા આવું નિવેદન આપવું બિલકુલ યોગ્ય નથી અને શંકરસિંહ બાપુએ વાહિયાત વાત કરી છે. તેમણે ઉમેર્યું કે પૂર્વ મુખ્યમંત્રી તરીકે આવું બોલતાં શરમ અનુભવવી જોઈએ અને જો ઉંમર થઈ ગઈ હોય તો તેમણે હવે મૌન જાળવવું જોઈએ. આ પ્રકારનું વિવાદિત નિવેદન સમગ્ર ગુજરાત માટે શરમજનક છે અને આપણી ખૂબ મોટી ગંભીર ભૂલ દર્શાવે છે, તેથી શંકરસિંહ વાઘેલાએ આ અંગે જાહેરમાં માફી માગવી જોઈએ.
 

03 Oct 2026, 3:50 PM
Gujarat News Live: શંકરસિંહ વાઘેલાના નિવેદન પર યજ્ઞેશ દવેનો આકરો પ્રહાર

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું તાજેતરનું નિવેદન હાલ રાજકારણમાં ભારે ચર્ચામાં આવ્યું છે. તેમના આ નિવેદન પર બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉઠાવ્યો હતો કે, બાપુએ પોતાના જ સમાજ વિશે કશું જ ન કહેતા માત્ર બ્રહ્મ સમાજ અને પાટીદારોને જ કેમ નિશાન બનાવ્યા છે? વધુમાં તેમણે ચીમકી આપતા જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજને છંછેડવામાં આવશે તો સમાજ તેને ક્યારેય સહન નહીં કરે. રાજકારણમાં સ્વાર્થ માટે જ્ઞાતિ અને સમાજ વચ્ચે વૈમનસ્ય તથા કડવાશ ન ફેલાવવી જોઈએ.

03 Oct 2026, 3:49 PM
Gujarat News Live: અમદાવાદની પ્રગતિ સ્કૂલમાં શિક્ષકની શરમનાક કરતૂત: અશ્લીલ મેસેજ મામલે બબાલ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલમાં કમ્પ્યુટર શિક્ષક દ્વારા નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવીને એક વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ અંગે વિદ્યાર્થિનીએ પોતાના મિત્રને વાત કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન શિક્ષકની આ હરકત ખુલ્લી પડી જતાં માથાકૂટ સર્જાઈ હતી, જેમાં વિદ્યાર્થિનીના મિત્રએ મેસેજ કરનાર કમ્પ્યુટર શિક્ષકને લાફો મારી દીધો હતો. હાલમાં શિક્ષકને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
 

03 Oct 2026, 3:47 PM
Gujarat News Live: વડોદરાઃ કરજણ નજીક નેશનલ હાઈવે પર ચોંકાવનારી ઘટના

કરજણ નજીક નેશનલ હાઈવે પર આવેલા એક CNG પંપ પર ગેસ ભરાવી રહેલી કારમાં અચાનક ભયંકર બ્લાસ્ટ થયો હતો. ગેસ ભરાવતી વખતે થયેલા આ ખતરનાક ધડાકાના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો અને બ્લાસ્ટ થતાં જ કાર પાસે ઊભેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. સદનસીબે, આ ઘટના સમયે કારમાં કોઈ બેઠું ન હોવાથી એક બહુ મોટી જાનહાની ટળી હતી.

03 Oct 2026, 3:45 PM
Gujarat News Live: સુરતના અલથાણમાં બાળકને ઢોર માર માર્યાનો CCTV વીડિયો વાયરલ

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રાજહંસ સિમ્ફોનિયા સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક દ્વારા નાનકડા બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, નાના બાળકો વચ્ચે રમતાં રમતાં ઝઘડો થયો હતો, જેમાં બાળકીને માર વાગ્યો હતો. પોતાની બાળકીને માર વાગ્યો હોવાનો દાવો કરીને ક્રોધે ભરાયેલા યુવકે આ બાળક પર હુમલો કરી તેને નિર્દયતાથી માર માર્યો હતો. જોકે, આ ઘટના બાદ મામલો વણસે તે પહેલાં જ બંને પક્ષના પરિવારો વચ્ચે વાટાઘાટો થઈ હતી અને ઝઘડા અંગે સુખદ સમાધાન સાધી લેવામાં આવ્યું છે.

03 Oct 2026, 3:45 PM
Gujarat News Live: અમદાવાદમાં અસામાજિક તત્વોનો બેફામ, માથાભારે તત્વોએ જાહેરમાં બર્થ ડે ઉજવ્યો

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે અસામાજિક તત્વોનો બેફામ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. માથાભારે તત્વોએ જાહેર રોડ વચ્ચે કારના બોનેટ પર ચાકુ વડે કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, જાહેરમાં આતશબાજી કરીને અને રોડની વચોવચ ફટાકડા ફોડીને સામાન્ય લોકોને ભયના ઓથાર હેઠળ મૂકી દીધા હતા. આ સમગ્ર તમાશાનો વીડિયો 'અસ્કાન સંધી' નામની સોશિયલ મીડિયા આઈડી પરથી વાયરલ થતાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

03 Oct 2026, 3:42 PM
Gujarat News Live: ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ફરી ચર્ચામાં, જૈન સમાજ દ્વારા દાવા બાદ ચર્ચા ગરમાઈ

ભરૂચ સ્થિત ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ફરી એકવાર ભારે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જૈન સમાજના આગેવાનોએ તાજેતરમાં આ સ્થળની મુલાકાત લીધી હતી અને એવો દાવો કર્યો હતો કે આ સ્થળ ખરેખર જૈન ધર્મની આસ્થાનું પ્રતીક એવું 'સમળી વિહાર' છે. તેમના જણાવ્યા મુજબ, અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન આ ઐતિહાસિક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વધુમાં, અહીંથી જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લિનાથજીની પ્રતિમા તેમજ ગણેશજી સહિત અન્ય હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ નવા દાવાઓને પગલે આ ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અને ઈતિહાસને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં આ મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના તાબા હેઠળ છે, અને આ સ્થળના પુરાતત્વીય પુરાવાઓ અંગે હવે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમગ્ર મામલે સાચો ઈતિહાસ સામે લાવવા માટે હવે સ્થાનિક તંત્ર અને પુરાતત્વ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

03 Oct 2026, 3:41 PM
Gujarat News Live: અમદાવાદમાં સ્પીડનો દૈત્ય: અંબર ટાવર પાસે બેફામ ડમ્પરે એક વ્યક્તિનો લીધો ભોગ

અમદાવાદ શહેરમાં બેફામ દોડતા ડમ્પરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં અંબર ટાવર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકીને તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ડમ્પર ચાલકને વહેલી તકે ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની તપાસ તેજ બનાવી છે.
 

03 Oct 2026, 3:39 PM
Gujarat News Live: સુરેન્દ્રનગરમાં જીમ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ: 'ક્લબ 71' ના સંચાલકની ધરપકડ

સુરેન્દ્રનગરમાં જીમ સંચાલક દ્વારા હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવાના કથિત ષડયંત્રનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. 'ક્લબ 71' જીમના સંચાલક અમીન મુલતાની પર યુવતીઓ સાથે મિત્રતા કેળવી, ફોટો-વિડિયો બનાવી બ્લેકમેલ કરવાનો અને અન્ય યુવતીઓને ટાર્ગેટ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બે જીમને સીલ કરી દીધા છે. તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ, પેનડ્રાઈવ અને સીસીટીવી જેવા મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. પોલીસે નગરપાલિકા અને PGVCL ની ટીમને સાથે રાખી જીમનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. આ સમગ્ર નેટવર્ક અંગે જીમમાં કામ કરતી યુવતીઓ સહિત 4 લોકોની પૂછપરછ હાથ ધરીને પોલીસે આગળની વધુ તપાસ ચાલુ રાખી છે.
 

03 Oct 2026, 3:39 PM
Gujarat News Live: નવરાત્રિમાં લાઉડ સ્પીકર અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે નવરાત્રિના ઉત્સવને ધ્યાનમાં રાખીને ગરબા રસિકો માટે એક ખુશીના સમાચાર આપ્યા છે. સામાન્ય દિવસોમાં રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન વિશેષ છૂટછાટ આપીને રાત્રે 12 વાગ્યા સુધી સ્પીકર ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ અંગે તમામ જિલ્લા કલેક્ટરોને પોતપોતાના જિલ્લા કક્ષાએથી નોટિફિકેશન જાહેર કરવાના આદેશ આપી દેવાયા છે. રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર બંધ થયા પછી પણ ગરબાપ્રેમીઓ ઢોલ અને શરણાઈના સાંધા-પરંપરાગત સૂર પર મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે.
 

Add Zee News as a Preferred Source

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES