Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
25 Oct 2026, 5:46 PM
Gujarat News Live: અમદાવાદને મળી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની
અમદાવાદ શહેરને વર્ષ 2029ની વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (IWF)ની યજમાની મળી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના માધ્યમથી દુનિયાભરના સર્વશ્રેષ્ઠ વેઈટલિફ્ટર્સ ગુજરાતની ધરતી પર મેદાનમાં ઉતરશે. કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 બાદ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે.
ભારત અને વિશેષરૂપે ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે આ એક અત્યંત મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટૂર્નામેન્ટના આયોજનથી રાજ્યમાં પ્રવાસન અને અત્યાધુનિક રમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે.
25 Oct 2026, 5:41 PM
Gujarat News Live: વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. GSFC પાસે ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતાં એક્ટિવા સવારનું માથું ડમ્પરના પૈડા નીચે આવતા સ્થળ પર જ મોત થયું. અકસ્માત કરી ડમ્પર ચાલક ફરાર થયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અકસ્માતે મોતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
25 Oct 2026, 5:37 PM
Gujarat News Live: દેશની જનતા રાહુલ એન્ડ કંપનીને ક્યારે માફ નહીં કરે: જગદીશ વિશ્વકર્મા
જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દેશના યુવાનોને ભડકાવવા અને ઘૂસણખોરોને બચાવવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે એક તરફ લોકશાહી છે, તો બીજી તરફ કોંગ્રેસની અરાજકતા છે. ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવા બદલ પણ તેમણે કોંગ્રેસને નિશાન બનાવી હતી. વિશ્વકર્માએ દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસ 31 વર્ષથી સત્તાથી દૂર છે અને દેશની જનતા કોંગ્રેસની નીતિઓને સારી રીતે ઓળખે છે. તેમણે કોંગ્રેસ પર વિદેશી તાકાતોના હાથા બની દેશને તોડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે દેશની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.
સુરતમાં એમ્બ્રોઇડરી કારીગર અને મજૂરોનું મહાસંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યા હતા. સાપ્તાહિક રજા અને 8 કલાકની ડ્યૂટી સહિતની વિવિધ માંગણીઓને લઈને સંમેલન યોજાયું. યુનિયન દ્વારા સુરતના શ્રમજીવી સેવાલય ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું. શ્રમિકોના હક અને પડતર માંગણીઓના મુદ્દે સંમેલનમાં ચર્ચા કરવામાં આવી.
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની ઘૂસણખોરો એક બોટ સાથે ઝડપાયા છે. કચ્છ સરહદે BSFએ સરક્રીક વિસ્તારમાંથી ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર 4 પાકિસ્તાની માછીમારોની અટકાયત કરી છે. એક પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. પાકિસ્તાની માછીમારો કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપાયેલા તમામ પાકિસ્તાની નાગરિકોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.