Gujarat News Live: નવમાં નોરતે વરસાદનું વિધ્ન, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, રાજકોટમાં લૂંટ કેસના આરોપીએ કર્યું ફાયરિંગ
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 17 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
17 Oct 2026, 9:07 AM
Gujarat News Live: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા
આવનારા દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે ભવ્ય અને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવેનો સૌથી મોટો, ૧૦ હજાર ચોરસ મીટરનો વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હોલ્ડિંગ એરિયામાં એકસાથે ૧૫,૦૦૦ જેટલા યાત્રીઓ આરામથી રોકાઈ શકશે.
17 Oct 2026, 9:06 AM
Gujarat News Live: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ મોટાભાગના નવા પ્રતિબંધો અને ટેરિફ માફ કર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા વિરુદ્ધના લિન્ડસે ગ્રેહામ એક્ટ હેઠળના મોટાભાગના નવા પ્રતિબંધો અને ટેરિફ માફ કર્યા. ભારત સહિત અન્ય કેટલાક દેશોને રશિયન ઓઈલ-ગેસ ખરીદવા પર ટેરિફમાંથી વિશેષ છૂટ આપવામાં આવી. જો કે આ છૂટછાટો કાયમી નથી, રાષ્ટ્રપતિ અથવા સેક્રેટરી ઓફ સ્ટેટ આગળની કાર્યવાહી યોગ્ય ન ગણે ત્યાં સુધી જ અમલમાં રહેશે.
17 Oct 2026, 9:06 AM
Gujarat News Live: ભરૂચ GIDC બ્લાસ્ટ કેસમાં 5ના મોત, ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ
ભરૂચના વાગરાની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ. ગોઝારી દુર્ઘટનામાં કામદારોનાં મૃત્યુઆંક વધીને 5 થયો. બ્લાસ્ટની ઘટનામાં અન્ય 2 કામદારો સારવાર હેઠળ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ. ભયાનક બ્લાસ્ટના કારણે મશીનરીના પાર્ટ્સ વેરવિખેર થયાં. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તપાસ શરૂ કરી.
17 Oct 2026, 9:06 AM
Gujarat News Live: સુરેન્દ્રનગરના સુદામડામાં નામચીન શખ્સ પર પોલીસે કર્યું ફાયરિંગ, પોલીસ પકડથી ભાગવાનો પ્રયાસ કરતાં કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામ ખાતે પોલીસ અને એક નામચીન શખ્સ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને લાંબા સમયથી ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને કાબૂમાં લેવા અને ભાગતો રોકવા માટે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં આરોપી ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
17 Oct 2026, 9:05 AM
Gujarat News Live: રાજકોટમાં થયેલ લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, આરોપીને પગમાં ગોળી મારતા ખસેડાયો સિવિલ હોસ્પિટલમાં
રાજકોટમાં સન્સનીખેજ લૂંટ વિથ મર્ડર કેસના આરોપીને સાથે રાખીને પોલીસ જ્યારે ઘટનાસ્થળે પંચનામું કરી રહી હતી, ત્યારે જ આરોપીએ અચાનક પોલીસ ટુકડી પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અણધારી ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે તુરંત સ્વબચાવમાં વળતો પ્રહાર કરીને આરોપીના પગના ભાગે ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. ફાયરિંગમાં ઘવાયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.
17 Oct 2026, 9:05 AM
Gujarat News Live: અમદાવાદ એરપોર્ટ પરથી ફરીથી ઝડપાયું સોનું, ટ્રોલી બેગમાં છુપાવાલે 24 કેરેટના સોનાના તાર ઝડપાયા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર ગેરકાયદેસર સોનાની તસ્કરીનો પર્દાફાશ થયો છે. અબુધાબીથી આવેલા એક મુસાફર શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં મુસાફરની ટ્રોલી બેગમાં ખૂબ જ ચાલાકીથી છુપાવવામાં આવેલા 24 કેરેટ સોનાના તાર મળી આવ્યા હતા. અધિકારીઓએ મુસાફર પાસેથી ₹42.49 લાખની કિંમતનું કુલ 282.910 ગ્રામ સોનું જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
17 Oct 2026, 9:05 AM
Gujarat News Live: રાજ્યના કેટલાક ભાગોમાં આવતી કાલે વરસાદ વરસવાની હવામાનની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અણધાર્યા હવામાન પલટાના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સેવાઈ રહી છે. વરસાદની આ આગાહીને પગલે આ વિસ્તારોના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા સાથે તૈયારીઓ પણ જોવા મળી રહી છે.
17 Oct 2026, 9:04 AM
Gujarat News Live: આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું, આજના દિવસે કાલરાત્રિ માતાની કરવામાં આવે છે પૂજા-અર્ચના
આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું છે. આજના પવિત્ર દિવસે નવદુર્ગાના સાતમા સ્વરૂપ એવા મા કાલરાત્રિની વિશેષ પૂજા-અર્ચના અને ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે. મા કાલરાત્રિ ભક્તોના તમામ દૂષણો અને નકારાત્મકતાનો નાશ કરનારા દેવી તરીકે પૂજાય છે. ગઇકાલે છઠ્ઠા નોરતે રાજ્યભરમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને મા અંબાના ગરબાની રમઝટ બોલાવી હતી, ત્યારે આજે સાતમા નોરતે પણ ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો ઉત્સાહ અને ઉમંગ બેવડાયેલો જોવા મળી રહ્યો છે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.