First Aid Box: ફર્સ્ટ એડ બોક્સ ઇમરજન્સી સમયે જીવનરક્ષક સાબિત થશે, ફર્સ્ટ એડ કીટમાં આ વસ્તુઓ રાખવાનું ભૂલતા નહીં
First Aid Box: દરેક ઘરમાં એક ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ. ફર્સ્ટ એડ બોક્સ એટલે એક નાનકડી બેગ કે પેટી જેમાં મેડિકલ ઈમરજન્સી પ્રાથમિક સારવારમાં કામ લાગે તેવી વસ્તુઓ રાખવામાં આવી હોય. ઈમરજન્સીની સ્થિતિમાં આ એક બોક્સ જીવનરક્ષક સાબિત થઈ શકે છે. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ ચાલો તમને જણાવીએ.
First Aid Box: દરેક ઘરમાં એક ફર્સ્ટ એડ બોક્સ હોવું જરૂરી છે. ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર. ઘરમાં કોઈપણ વ્યક્તિ સાથે મેડિકલ ઇમરજન્સી સર્જાઈ ત્યારે તેને પ્રાથમિક સારવાર માટે જે વસ્તુઓ જરૂરી હોય છે તે આ બોક્સમાં રાખવાની હોય છે. ઘણા લોકો ફર્સ્ટ એડ બોક્સ રાખવાનું મહત્વ જાણતા નથી અને તેમના ઘરમાં આવી કોઈ વ્યવસ્થા હોતી પણ નથી. ઘરમાં એક ફર્સ્ટ બોક્સ રાખવામાં આવ્યું હોય તો તે જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
જો તમે પણ અત્યાર સુધી ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ રાખતા ન હતા અથવા તો તમને ખબર નથી કે ફર્સ્ટ એડ બોક્સમાં કઈ કઈ વસ્તુ રાખવાની હોય તો આ જાણકારી મેળવ્યા પછી એક ફર્સ્ટ એડ બોક્સ ઘર માટે તૈયાર કરી લેજો. ફર્સ્ટ એડ બોક્સમાં જે વસ્તુઓ રાખવી જોઈએ તેના વિશે જાણીને પણ તમે સમજી શકશો કે સમય બગાડ્યા વિના ઘર માટે એક બોક્સ રેડી કરી લેવું જોઈએ. આ એક નાનકડું બોક્સ પરિવારના લોકોનો જીવ બચાવી શકે છે.
ફર્સ્ટ એડ બોક્સ કઈ કઈ વસ્તુઓ રાખવી ?
ફર્સ્ટ એડ બોક્સની દવાઓ
ઘર માટેના ફર્સ્ટ એડ બોક્સમાં કેટલીક જરૂરી દવાઓ રાખવી જોઈએ. આ દવાઓમાં ગેસ-એસીડીટીની દવા, માથાના દુખાવાની દવા, નોર્મલ પેનકિલર, પિરિયડના દુખાવા માટેની દવા, તાવ માટેની દવા ડોક્ટરની સલાહ લઈને રાખવી. જો ઘરમાં કોઈ હાર્ટ પેશન્ટ હોય તો ડોક્ટરની સલાહ લઈને તેના માટેની દવાઓ પણ ફર્સ્ટ એડ બોક્સમાં રાખવી. ફર્સ્ટ એડ બોક્સમાં જે પણ દવાઓ રાખી હોય તેને એક્સપાયરી ડેટ સમયે સમયે ચેક કરી લેવી.
બેન્ડેજનો સામાન
દવાઓ સિવાય ફર્સ્ટ એડ બોક્સમાં બેન્ડેજનો સામાન પણ હોવો જોઈએ. ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ ઘણી વખત નાની-મોટી ઇજાઓ થઈ જતી હોય છે. ઘરમાં કે રસોડામાં કામ કરતી વખતે પણ દુર્ઘટના થઈ જતી હોય છે. આવા સમયે બેન્ડજનો સામાન ઉપયોગી થાય છે. બેન્ડેજના સામાનમાં ઇજા પર બાંધી શકાય તેવી પટ્ટી, રૂ, એન્ટિ બેક્ટેરિયલ ક્રીમ, એન્ટિસેપ્ટિક ક્રીમ, બેન્ડેજ, ગરમ પાટો રાખી શકો છો.
ફર્સ્ટ એડ બોક્સમાં રાખવાની અન્ય વસ્તુઓ
ઘર માટે જે ફર્સ્ટ એડ બોક્સ બનાવો તેમાં આંખ અને કાન માટેના ટીપા, આઈસ સ્પેક, હોટ વોટર બેગ, દુખાવામાં કામ લાગે તેવા સ્પ્રે કે જેલ, થર્મોમીટર, ઓક્સી મીટર, બીપીનું મશીન અને બ્લડ સુગર ચેક કરવાનું મશીન પણ રાખી શકાય છે.
ઉપર જણાવેલી વસ્તુઓ સાથે ઘર માટે ફર્સ્ટ એડ બોક્સ બનાવો તેમાં એક જરૂરી વસ્તુ પણ રાખવી. એક કાગળ પર ઈમરજન્સીમાં કામ લાગે તેવા નંબર લખીને બોક્સમાં રાખી દેવું. કાગળ પર તમે તમારા ફેમિલી ડોક્ટરના નંબર, હોસ્પિટલના નંબર, પોતાના નંબર અને ઇમર્જન્સીમાં બોલાવી શકાય તેવા કોઈ વ્યક્તિના નંબર લખી રાખવા. મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં આવા નંબરો નજર સામે હોય તો કામ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)