Open Fetal Surgery: આવી સર્જરી વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, માતાના ગર્ભમાં જ 25 સપ્તાહના બાળકનું ઓપરેશન
Open Fetal Surgery In AIIMS Delhi: એઈમ્સ દિલ્હીના ડોક્ટરોની ટીમ એ એક દુર્લભ સર્જરી કરી ઈતિહાસ સર્જી દીધો છે. દિલ્હી એઈમ્સમાં માતાના ગર્ભમાં બાળકની કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે આ ઓપરેશન સફળ પણ રહ્યું છે.
Open Fetal Surgery In AIIMS Delhi: દુનિયાભરમાંથી લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર અને ઓપરેશન કરાવવા માટે ભારતમાં એમ જ નથી આવતા. ભારતીય ડોક્ટર્સે પોતાની મહેનત અને અસાધારણ પ્રતિભાથી દુનિયાભરમાં મેડિકલ ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે. જેમાં વધુ એક કીર્તિમાન એઈમ્સ દિલ્હીના ડોક્ટર્સ એ સ્થાપિત કર્યું છે. એઈમ્સ દિલ્હીમાં ડોક્ટરોની ટીમે 25 સપ્તાહની પ્રેગનેન્સીમાં એક અજન્મેલા બાળકના સ્પાઈનલ કોડની ગંભીર ઈજાને ઠીક કરવા માટે ગર્ભમાં જ તેની સર્જરી કરી. 6 કલાકની આ સર્જરી સફળ રહી છે.
આ જટિલ સર્જરી અંગેની જાણકારી એઈમ્સ દિલ્હી દ્વારા આપવામાં આવી હતી. જાણકારી અનુસાર 12 નવેમ્બર ના રોજ દિલ્હી એઈમ્સમાં આ જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી છ કલાક ચાલી હતી જેમાં 25 સપ્તાહની પ્રેગનેન્સી દરમિયાન માતાનાં ગર્ભમાં જ બાળકના કરોડરજ્જુની જટિલ સમસ્યા માટે ઓપરેશન કરવામાં આવ્યું. આ જટિલ ઓપરેશન કરવા માટે ડોક્ટરોની ટીમે 5 સપ્તાહ સુધી તૈયારી કરી હતી અને ત્યાર પછી ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન સફળ રહ્યું છે. સર્જરી બાદ માતા અને ગર્ભમાં રહેલું બાળક બંને સ્વસ્થ છે.
માતાના ગર્ભમાં બાળકની જટિલ સર્જરી
ડોક્ટર્સે આ સર્જરી માયેલોમેનિંગોસીલ નામની જન્મજાત ગંભીર બીમારીને ઠીક કરવા માટે કરી હતી. જે સ્પાઈના બિફિડાનું સૌથી ખરાબ રુપ કહેવાય છે. આ સમસ્યામાં બાળકની કરોડરજ્જુમાં કાણા હોવાથી નસો બહાર આવી જાય છે. જેના કારણે જન્મ પછી બાળકના મગજમાં પાણી ભરાઈ જવું, લકવો થવા જેવી ગંભીર સમસ્યા થવાનું જોખમ રહે છે. આ ઓપરેશન બાળકના જન્મ પછી પણ થઈ શકે છે પરંતુ બાળકના જન્મ પહેલા ગર્ભમાં જ ઈલાજ કરવામાં આવે તો કરોડરજ્જુને નુકસાનથી બચાવી શકાય છે.
ગર્ભમાં સર્જરીથી ફાયદો
એઈમ્સ દિલ્હીના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ પ્રકારની સર્જરીમાં ઈન્ફેકશન થવું, પ્રીમેચ્યોર ડિલીવરી જેવા જોખમ રહે છે તેથી સર્જરી પહેલા સાવધાની રાખવી પડે છે. જેની તૈયારી આ કેસમાં 5 સપ્તાહ સુધી કરવામાં આવી હતી. જેથી ઘણા જોખમને ટાળી શકાયા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ સર્જરી કેન્દ્ર સરકારની જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ફ્રીમાં કરવામાં આવી છે. સર્જરી પછી માતા અને બાળકની હાલત સ્થિર છે.
ગર્ભમાં બાળકની સર્જરી કેવી રીતે કરવામાં આવે ?
ઓપન ફીટલ સર્જરી એવી સર્જરી છે જેમાં ગર્ભમાં ઉછરતા બાળકનું પેટમાંથી બહાર કાઢ્યા વિના ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન માતાના ગર્ભને ખોલીને અંદર જ કરવામાં આવે છે. આ એક જટીલ સર્જરી હોય છે જેમાં એક કરતાં વધારે એક્સપર્ટની મદદ લેવામાં આવે છે. એઈમ્સ દિલ્હીમાં થયેલી સર્જરીમાં 30 થી વધુ ડોક્ટર્સ અને નર્સની ટીમ સામેલ હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી મળેલી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)