નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો
નવલા નોરતા શરૂ થઈ ગયા છે અને આજે ચોથું નોરતું છે. ત્યારે મા દુર્ગા, મા અંબાને રોજ નવા નવા ભોગ ધરાવવામાં આવતા હોય છે. દૂધ અને કાજુથી બનેલા આ પેડા તમે પણ બનાવી શકો છો. માવા વગર બનતા આ પેંડા જલદી બની જાય છે અને વ્રતમાં ખાઈ શકાય છે. ખાસ જાણો રેસિપી.
નવરાત્રીમાં માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અને અર્ચના થાય છે. માતાજીને ભાત ભાતના ભોગ પણ ધરાવવામાં આવે છે. જો તમે પણ માતાજીને ખાસ ભોગ ચડાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક એવી સુંદર વાનગી વિશે જણાવીશું જે ઓછી મહેનતે તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ ખુબ સરસ અને સરળ છે. આ વાનગી છે કાજુ મિલ્ક પેંડા. જે ઓછી સામગ્રીમાં તૈયાર થશે અને આના માટે તમારે માવાની પણ જરૂર નહીં પડે.
કાજૂ-દૂધના પેંડા
માવા વગરના આ પેંડા તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે તે ખાસ જાણો.
- અડધો કપ કાજુ
- અડધો કપ ખાંડ
- લીલી એલચી થોડી
- દોઢ કપ મોળો મિલ્ક પાઉડર
- એક કપ દૂધ
- દેસી ઘી એક ચમચો
- સજાવટ માટે પિસ્તાની કતરણ
બનાવવાની રીત
- માતારાનીને સરસ મજાનો ભોગ ધરાવવા માટે કાજુ દૂધ પેંડા તમે ફટાફટ તૈયાર કરી શકો છો. આ માટેની રીત જાણી લો.
- સૌથી પહેલા મિક્સરમાં કાજૂ, ખાંડ અને લીલી એલચીને ભેળવીને એક બારીક પાઉડર બનાવી લો.
- ધ્યાન રાખવું કે તેમાં જરાય ગઠ્ઠા થાય નહીં.
- હવે આ પાઉડરને એક મોટા બાઉલમાં કાઢી લો અને સાથે મિલ્ક પાઉડર પણ મિક્સ કરો.
- જો તમે ખાંડવાળો પાઉડર લો તો ખાંડનું પ્રમાણ તે પ્રમાણે સેટ કરવું.
- ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને દૂધ પણ ભેળવો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. જેથી કરીને તેમાં ગઠ્ઠા ન થઈ જાય.
- હવે એક પેનમાં થોડું દેસી ઘી ગરમ કરો.
- તેમાં કાજુ અને દૂધવાળું મિક્સચર નાખો અને સતત હલાવતા રહો.
- લગભગ 8-10 મિનિટ સુધી પકવો.
- ધીરે ધીરે આ મિશ્રણ ગાઢ થઈ જાય ત્યારે કઢાઈ છોડવા લાગશે.
- આ દરમિયાન થોડું મિશ્રણ હાથમાં લોક અને તેનો બોલ બનાવી જુઓ.
- જો તે હાથમાં ચોંટે નહીં તો હવે પેંડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે.
હવે આ તૈયાર થયેલા મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લો અને એક વાસણમાં અલગ કાઢી લો. ઠંડુ થયા બાદ તેમાંથી પેંડા જેવો શેપ આપો. હવે આ પેંડા પર સજાવટ માટે પિસ્તાની કતરણ ગોઠવો. પેંડા હાથેથી બનાવી શકો અને મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
કેટલા દિવસ સુધી સારા રહે?
આ પેંડા બનાવવા માટે દૂધના પાઉડરનો અને દૂધનો ઉપયોગ થયો છે. આથી તે રૂમ ટેમ્પરેચર પર બહુ લાંબા સમય સુધી રાખી નહીં શકાય. તેને કોઈ સાફ એરટાઈટ કન્ટેનરમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરશો તો થોડા દિવસ ચાલશે. જો પેંડામાંથી વિચિત્ર વાસ, ખટાશ કે બનાવટમાં કોઈ ફેરફાર જોવા મળે તો ખાવાથી બચવું.
આ પેંડા દૂધ અને કાજુમાંથી બનેલા હોવાથી વ્રતમાં પણ ખાઈ શકાય છે. પરંતુ અલગ અલગ ઠેકાણે વ્રત માટે અલગ અલગ નિયમો હોય છે એટલે એ ચકાસીને વ્રતમાં ખાવા જોઈએ.