9/11 જેવો સન્નાટો : 4 કલાકમાં 10,000 ફ્લાઇટ્સ ગાયબ, 15 લાખ મુસાફરો ફસાયા, જાણો અમેરિકામાં એવું તો શું થયું?
Air Traffic Control technical glitch : દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી મહાશક્તિ ગણાતા અમેરિકાના આકાશમાં ફરી એકવાર એવો સન્નાટો છવાઈ ગયો. જેવો 25 વર્ષ પહેલાં 9/11ના આતંકી હુમલા વખતે જોવા મળ્યો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAAની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં અચાનક સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીને કારણે માત્ર 4 કલાકમાં 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી અને અંદાજે 15 લાખ મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા. આ ઘટનાએ અમેરિકાની આધુનિક સુરક્ષા વ્યવસ્થાની ટેક્નિકલ ક્ષમતાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે...જુઓ આ વિશેષ અહેવાલ
Federal Aviation Administration : તારીખ હતી 11 સપ્ટેમ્બર, 2001...માનવ ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંનો એક. આતંકીઓએ એકસાથે ચાર વિમાનોનું અપહરણ કરી લીધું હતું. આ પૈકી બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયાં હતાં, એક વિમાન પેન્ટાગોન સાથે અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં ક્રેશ થયું હતું. આ ભયાનક હુમલા બાદ અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર સમગ્ર દેશનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું.
- અમેરિકાના આકાશમાં અચાનક સન્નાટો
- ટેક્નિકલ ખામીએ હવાઈ વ્યવસ્થા ખોરવી
- 15 લાખ મુસાફરો એરપોર્ટ પર ફસાયા
- દસ હજારથી વધુ ફ્લાઇટ્સ રદ થઈ
- કમ્યુનિકેશન સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાઈ
તમામ વિમાનોને તાત્કાલિક લેન્ડ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ હુમલો માત્ર ઈમારતો પર નહોતો, પરંતુ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાના હૃદય પર હતો. પરંતુ ઇતિહાસે બરાબર 25 વર્ષ બાદ ફરી એક અજીબ વળાંક લીધો. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAAને દેશભરના એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ રોકવાનો આદેશ આપવો પડ્યો. એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATCની કમ્યુનિકેશન સિસ્ટમમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી..પરિસ્થિતિ એટલી ગંભીર બની કે માત્ર ચાર કલાકમાં 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી અને અંદાજે 15 લાખ મુસાફરો દેશના અલગ-અલગ એરપોર્ટ્સ પર ફસાઈ ગયા.
જે જ્યાં હતું ત્યાં જ ફસાઈ ગયું
રાત્રે ભલે ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો, પરંતુ આ ટેક્નિકલ ખામીની અસર શનિવાર સુધી જોવા મળી. 9/11ના હુમલા બાદ આ બીજી વખત હતું, જ્યારે અમેરિકાએ દેશભરમાં આ રીતે ફ્લાઇટ્સ રોકવી પડી હતી. ફ્લાઇટ્સ રોકવાના આદેશ સાથે જ અમેરિકામાં ચારે તરફ અફરાતફરી મચી ગઈ. જે જ્યાં હતું ત્યાં જ ફસાઈ ગયું. શહેરે-શહેરના એરપોર્ટ્સ પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી...નાના બાળકો હોય કે વૃદ્ધો. દરેક જણ કલાકો સુધી લાંબી લાઈનોમાં પરેશાન જોવા મળ્યા. અચાનક હવાઈ સેવા ઠપ થતાં રજાઓ માણવા નીકળેલા લોકોની તમામ યોજનાઓ પર પાણી ફરી વળ્યું. ચારે તરફ અફરાતફરી અને લાચારીનો માહોલ સર્જાયો.
શું કોઈ મોટું ષડયંત્ર રચાયું છે?
આકાશમાં વિમાનોની અવરજવર અટકતાં જ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ. શું આ કોઈ નવો સાઇબર હુમલો છે? શું કોઈ મોટું ષડયંત્ર રચાયું છે? જોકે, હોમલેન્ડ સિક્યુરિટી મંત્રી માર્કવેન મુલિને સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ સાઇબર હુમલાના સંકેત મળ્યા નથી. આ સમગ્ર ઘટના ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીનું પરિણામ હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ FAA એ પણ તપાસ કરી રહ્યું છે કે શું આ ખામીને કોઈ નવી AI સિસ્ટમ સાથે સંબંધ છે?
દરરોજ 27 લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરે તેવી આશા
આ ઘટનાએ અમેરિકાની જૂની ટેક્નોલોજી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ આ સિસ્ટમને સંપૂર્ણપણે આધુનિક બનાવવા માટે 50 અબજ ડોલરની માગ કરી છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસ પાસે 30 અબજ ડોલરની માગ કરી છે. અમેરિકા હવે જૂના વાયરિંગની જગ્યાએ ફાઇબર ઓપ્ટિક કેબલ બિછાવવા અને રેડિયો સિસ્ટમ બદલવાની કામગીરીમાં લાગી ગયું છે. એક તરફ અમેરિકા થેન્ક્સગિવિંગની રજાઓની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન દરરોજ 27 લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરે તેવી આશા છે.
અમેરિકામાં દેશવ્યાપી ફ્લાઇટ્સ રોકવી પડી
બીજી તરફ, આ સિસ્ટમ ફેલિયરે મુસાફરોની મુશ્કેલીઓમાં મોટો વધારો કર્યો છે. 11 સપ્ટેમ્બર, 2001ના આતંકી હુમલા બાદ આ બીજી વખત છે, જ્યારે અમેરિકામાં દેશવ્યાપી ફ્લાઇટ્સ રોકવી પડી છે. આ પહેલાં જાન્યુઆરી 2023માં FAAની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતાં આવી જ સ્થિતિ ઊભી થઈ હતી. અમેરિકાના નિયમો પ્રમાણે ભલે મુસાફરોને સંપૂર્ણ રિફંડ મેળવવાનો અધિકાર હોય, પરંતુ સવાલ એ છે કે શું દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી મહાશક્તિ પાસે પોતાના આકાશને સુરક્ષિત અને અવિરત રાખવા માટે પૂરતી આધુનિક વ્યવસ્થા છે? 25 વર્ષ પહેલાં દુશ્મન બહારથી આવ્યો હતો, પરંતુ આ વખતે ખતરો અમેરિકાની પોતાની જૂની ટેક્નોલોજીમાંથી ઊભો થયો છે.