SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સત્તાના સિંહાસન પર બે દાયકા : ભારતમાં નેતાઓ બદલાયા, પણ રશિયામાં માત્ર 'પુતિન યુગ'! જાણો કેમ છે દબદબો

Two Decades in Power : દુનિયા બદલાય છે.સરકારો બદલાય છે અને રાજકારણના સમીકરણો પણ દરેક ચૂંટણી સાથે નવો વળાંક લે છે. ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આપણે છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક પ્રધાનમંત્રી અને નેતૃત્વ બદલાતા જોયા છે પરંતુ યુરેશિયાના વિશાળ દેશ રશિયામાં તસ્વીર કંઈક અલગ છે. અહીં બે દાયકાથી વધુ સમય વીતી ગયો છે. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ આવ્યા-ગયા પરંતુ સત્તાના સિંહાસન પર માત્ર એક જ નામ છે વ્લાદિમીર પુતિન.....

Written By Karan Rajput
Published: Sep 23, 2026, 06:27 PM IST | Updated: Sep 23, 2026, 06:37 PM IST
Join

'Putin Era' in Russia : ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં લોકશાહીનું ચક્ર અનેક વખત ફર્યું. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના ચહેરા બદલાયા, નીતિઓ બદલાઈ, સરકારો આવી અને ગઈ, પરંતુ દુનિયાના નકશા પર એક એવો દેશ પણ છે, જ્યાં સત્તાના સિંહાસન પર બિરાજમાન ચહેરો છેલ્લા બે દાયકાથી બદલાયો જ નથી.

જી હા, અમે વાત કરી રહ્યા છીએ રશિયા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની. ભારતમાં અટલ બિહારી વાજપેયીથી લઈને ડૉ. મનમોહન સિંહ અને હવે નરેન્દ્ર મોદી સુધી અનેક મોટા નેતાઓ આવ્યા, પરંતુ રશિયામાં પુતિન યુગ અવિરત ચાલુ છે...એકવાર ફરી રશિયાની સંસદીય ચૂંટણીમાં પુતિન સમર્થક પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.


આ એકતરફી જીતે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે રશિયાના રાજકારણમાં હાલ પુતિનનો વિકલ્પ કોઈ દેખાતો નથી. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે શરૂ થયેલા યુદ્ધ અને પશ્ચિમી દેશોના ભારે પ્રતિબંધો વચ્ચે રશિયામાં તાજેતરમાં સંસદીય ચૂંટણી યોજાઈ હતી. પ્રારંભિક પરિણામો સ્પષ્ટ સાક્ષી આપી રહ્યા છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સમર્થક યુનાઈટેડ રશિયા પાર્ટીએ લગભગ 57.5 ટકા મત મેળવીને અજેય સરસાઈ મેળવી છે. રશિયાની સંસદના નીચલા ગૃહ એટલે કે સ્ટેટ ડ્યૂમામાં કુલ 450 બેઠકો છે, જેમાં અડધી બેઠકો પાર્ટીના મતના આધારે અને અડધી બેઠકો સીધી પ્રાદેશિક ચૂંટણી દ્વારા નક્કી થાય છે.

ખાસ વાત એ છે કે વ્લાદિમીર પુતિન પોતે ટેકનિકલી આ પાર્ટીના ઔપચારિક સભ્ય નથી, પરંતુ તેમ છતાં તેઓ તેના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા અને પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. આ ચૂંટણીને પુતિને યુક્રેનના મોરચે લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન તરીકે રજૂ કરી હતી અને જનતાએ એકવાર ફરી તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પરંતુ પુતિન માટે આ સફર ફૂલોની સેજ રહી નથી. ચૂંટણીના અંતિમ દિવસોમાં જ મોસ્કો અને આસપાસના વિસ્તારોને ધ્રુજાવી નાખનારા ડ્રોન હુમલા થયા. યુક્રેનિયન ડ્રોનોએ મોસ્કો તરફ કૂચ કરી, એક મોટી ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી અને રાજધાનીની 21 માળની એક ઈમારત સાથે ડ્રોન અથડાતા ભયાનક આગ ફાટી નીકળી, ત્યાર બાદ સેંકડો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

એક તરફ દેશ યુદ્ધની આગમાં સળગી રહ્યો છે, પશ્ચિમી દેશો રશિયાને આર્થિક અને સૈન્ય રીતે તોડવામાં લાગ્યા છે, તો બીજી તરફ વ્લાદિમીર પુતિન લોખંડની જેમ પોતાની ખુરશી પર અડીખમ છે. યુદ્ધ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે સંકટના આ સમયમાં રશિયન જનતા પુતિનના નેતૃત્વને જ સૌથી મજબૂત ઢાલ માની રહી છે.

 પુતિનનું પોતાનું એક અલગ સ્ટારડમ

વ્લાદિમીર પુતિન 31 ડિસેમ્બર 1999થી રશિયાની સત્તા પર સતત પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તરીકે બેઠા છે. તેમણે જ 90ના દાયકાના આર્થિક સંકટમાંથી રશિયાને બહાર કાઢ્યું હતું. સંકટ અને યુદ્ધના સમયમાં દેશને સ્થિરતા આપી.

માત્ર રાજકીય વ્યૂહરચનાકાર જ નહીં, વ્લાદિમીર પુતિનનું પોતાનું એક અલગ સ્ટારડમ પણ છે, જે દુનિયાના અન્ય કોઈ રાજનેતામાં ભાગ્યે જ જોવા મળે છે...તેઓ માત્ર સૂટ-બૂટવાળા રાજનેતા નથી, પરંતુ મેન ઑફ એક્શન તરીકે પણ પોતાની છબી બનાવી ચૂક્યા છે.


ક્યારેક તેઓ શર્ટ વિના ઘોડાની પીઠ પર સવાર જોવા મળે છે, તો ક્યારેક કડકડતી ઠંડીમાં બરફીલા પાણીમાં તરતા જોવા મળે છે અને પોતાની ફિટનેસનો પરચો આપે છે. જુડોના નિષ્ણાત પુતિન જ્યારે જિમમાં કસરત કરતા જોવા મળે છે, ત્યારે તેઓ વૈશ્વિક મીડિયાની હેડલાઈન્સમાં છવાઈ જાય છે.


તેમનો આ મસ્ક્યુલર અને નિડર અંદાજ રશિયન જનતા વચ્ચે તેમની આયર્ન મેન જેવી છબીને વધુ મજબૂત બનાવે છે...માત્ર દેશમાં જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર પણ પુતિને દરેક પડકારનો સામનો કર્યો છે.

વિશ્વની મહાસત્તાઓ સામે ઘૂંટણ ટેક્યા નથી

અમેરિકા અને પશ્ચિમ યુરોપના અનેક દેશોએ એડીચોટીનું જોર લગાવી દીધું...પુતિનને કાબૂમાં લેવા અને રશિયાને ઝૂકાવવાની દરેક શક્ય કોશિશ કરી. આર્થિક પ્રતિબંધોના ચક્રવ્યૂહ રચાયા, પરંતુ પુતિને ક્યારેય પણ વિશ્વની મહાસત્તાઓ સામે ઘૂંટણ ટેક્યા નથી.


અટલ બિહારીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના સમયગાળામાં દુનિયા બદલાઈ ગઈ. ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બદલાતા રહ્યા, પરંતુ રશિયામાં પુતિનનો પ્રભાવ ઓછો થયો નથી. યુદ્ધના મેદાનમાં ગોળાબારી હોય કે પશ્ચિમનું દબાણ, પુતિન આજે પણ રશિયાના સૌથી શક્તિશાળી નેતા અને સત્તાના કેન્દ્રમાં યથાવત છે...

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES