કોકપિટમાં ચાકુ, સામે હતો ગુજરાતી કેપ્ટન... 180+ મુસાફરોના જીવ બચાવવા આ રીતે લડ્યો જાંબાઝ હિન્દુસ્તાની પાયલટ
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં કેપ્ટન અને કો-પાઇલટ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. આરોપ છે કે કો-પાયલટે કેપ્ટન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મૂળ ગુજરાતી કેપ્ટન સ્મિતને ઈજાઓ થઈ હતી. જે બાદ વિમાને સાઉદી અરેબિયાના તબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ચાકુથી હુમલાની ઘટના અંગેના તાજેતરના અહેવાલોમાં એક ભારતીય કનેક્શન સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, હુમલો કરનાર કો-પાયલટનો સામનો કરનાર પાયલટ મૂળ ગુજરાતનો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેપ્ટન સ્મિત મચ્છર છે, જેણે 2022માં ફ્લાયદુબઈમાં નોકરી શરૂ કરી હતી. આ દાવો ઇઝરાયેલી મીડિયા સંસ્થાઓ 'YNet News' અને 'Channel 12' દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ, હુમલો કરનાર કો-પાયલટ ઓમાનનો નાગરિક હોવાનું જણાવાયું છે.
કોણ છે સ્મિત મચ્છર ?
સ્મિત મચ્છર મૂળ ગુજરાતનો છે અને અગાઉ સ્પાઈસજેટમાં પાયલટ તરીકે ફરજ બજાવતો હતો. તે જૂન 2022માં ફ્લાયદુબઈમાં જોડાયો હતો અને તેની નિમણૂક 'ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન' તરીકે કરવામાં આવી હતી. તેની વ્યાવસાયિક પ્રોફાઇલ મુજબ, તેની પાસે કોમર્શિયલ વિમાન ઉડાવવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે.
તેની પાસે બોઇંગ 737 વિમાનનો લગભગ 9,750 કલાકનો અનુભવ છે. તેણે સ્પાઈસજેટમાં 11 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું, જ્યાં તે સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે ફરજ બજાવતો હતો. અહેવાલ મુજબ, તેની પાસે 6,400 કલાકથી વધુનો ફ્લાઇટ અનુભવ છે.
ઓમાની પાયલટ અંગે તપાસ ચાલુ
ઓમાનના કો-પાયલટને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે. ઇઝરાયેલી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું ઓમાની પાયલટ પાસે બેવડી નાગરિકતા હતી, જેના કારણે તે ઇઝરાયેલ જતી ફ્લાઇટમાં જઈ શક્યો. તે એક વર્ષથી પણ ઓછા સમયથી એરલાઇનમાં નોકરી કરતો હતો.
શું છે આખી ઘટના?
બુધવારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કોકપિટની અંદર કેપ્ટન અને કો-પાયલટ વચ્ચે હિંસક ઝઘડો થતાં અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે કો-પાયલટે કેપ્ટન પર છરી વડે હુમલો કર્યો, જેનાથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટના બાદ વિમાનનો રસ્તો બદલીને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવ્યું હતું, જ્યાં તેણે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં લગભગ 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાયદુબઈએ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે અને કંપની તપાસમાં સત્તાવાળાઓને સહકાર આપી રહી છે.