વડોદરા : રોડની બિસ્માર હાલત સામે અનોખો વિરોધ, પાછીયાપુરામાં સ્થાનિકોએ યોજી રોડની વર્ષી
Vadodara News : વડોદરાના કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડની બિસ્માર હાલત સામે પાછીયાપુરા ગામના લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. એક મહિના અગાઉ રોડનું બેસણું યોજ્યા બાદ પણ સમારકામ ન થતાં ગ્રામજનોએ રોડની વર્ષી યોજી રોષ વ્યક્ત કર્યો હતો.
Vadodara News : વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નારેશ્વર-પાલેજ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડા અને ખરાબ રોડની સમસ્યા સામે પાછીયાપુરા ગામના લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ રોડની વર્ષી યોજીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
એક મહિના અગાઉ યોજાયું હતું રોડનું બેસણું
સ્થાનિકોનું કહેવું છે કે, નારેશ્વર-પાલેજ રોડની સ્થિતિ લાંબા સમયથી ખરાબ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક મહિના અગાઉ પણ ગ્રામજનોએ રોડનું બેસણું યોજીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રને રસ્તાની સમસ્યા તરફ ધ્યાન આપવા અપીલ કરી હતી.
જોકે, અગાઉના વિરોધ બાદ પણ રોડના સમારકામની કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં નારાજગી વધી છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત અને વિરોધ છતાં રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
મહિલાઓ અને યુવકો પણ વિરોધમાં જોડાયા
પાછીયાપુરા ગામે યોજાયેલા વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવકો જોડાયા હતા. લોકોએ રસ્તા પર બેસીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ બિસ્માર રસ્તાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી માંગ
સ્થાનિકોનું કહેવું છે કે ખરાબ રસ્તાના કારણે વાહનચાલકોને સતત મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદ બાદ રોડ પરના ખાડા વધુ જોખમી બનતા હોવાની ફરિયાદો આવી રહી છે.
વિરોધ છતાં રોડ રિપેરિંગની કામગીરી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિકોએ તંત્ર પાસે રોડનું તાત્કાલિક સમારકામ કરાવી માર્ગને વાહનચાલકો માટે સલામત બનાવવાની માંગ કરી છે.