રાજકોટમાં લૂંટારુઓ બેફામ! તન્વી ગોલ્ડના કર્મચારીને ગોળી મારી 1.60 કરોડથી વધુના સોના-ચાંદીની લૂંટ કરી ફરાર
Rajkot Robbery : રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડમાં લૂંટની ગંભીર ઘટના બની છે. ચાર જેટલા શખસોએ કર્મચારી પર ફાયરિંગ કર્યું હતું. છાતીના ભાગે ગોળી વાગતાં તેમનું મોત નીપજ્યું હતું. આરોપીઓ આશરે 900 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી સહિત રૂ. 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
Rajkot Robbery : રાજકોટમાં લૂંટ અને ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડમાં કામ કરતા કર્મચારી પર ફાયરિંગ કરીને ચાર જેટલા શખ્સો સોનું અને ચાંદી સહિત રૂ. 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફાયરિંગનો ભોગ બનેલા કર્મચારી લાલજીભાઈ લવજીભાઈ સરધારાનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ છે અને લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
તન્વી ગોલ્ડના કર્મચારીનું મોત
પ્રાથમિક માહિતી મુજબ, લાલજી સરધારા રિફાઇનરીના કામ સાથે સંકળાયેલા હતા અને ફેક્ટરીમાંથી માલ લેવા ગયા હતા. આ દરમિયાન ચાર જેટલા શખ્સોએ તેમને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. એક ગોળી લાલજી સરધારાની છાતીના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
1.60 કરોડથી વધુના મુદ્દામાલ લૂંટ
બીજી તરફ, હુમલાખોરો સોનું અને ચાંદી સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, આશરે 900 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ કરવામાં આવી છે. લૂંટાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1.60 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લૂંટારુઓ કઈ દિશામાં ફરાર થયા, તેઓની ઓળખ અને ફાયરિંગ પાછળનું કારણ જાણવા સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે આજી GIDC વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.