નવરાત્રીમાં મિત્રતા, પછી બ્લેકમેઇલિંગ... રાજકોટમાં નરાધમે સગીરા પર 22 વખત આચર્યું દુષ્કર્મ
Rajkot News : રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી એક વર્ષમાં 22 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરાનું શોષણ કરતો હોવાનો આક્ષેપ છે.
Rajkot News : રાજકોટમાંથી સગીરા પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી એક વર્ષમાં 22 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગીરાને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેનું શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’
નવરાત્રી દરમિયાન થયો હતો પરિચય
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત નવરાત્રી દરમિયાન સગીરાનો આરોપી યુવક દિપ મિયાત્રા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે, ફરિયાદ મુજબ આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી યુવકે સગીરાને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ રીતે ધમકી આપીને સગીરાનું શોષણ કરવામાં આવતું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
એક વર્ષમાં 22 વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
પરિવારના આક્ષેપ મુજબ, આરોપી છેલ્લા એક વર્ષ દરમિયાન સગીરાને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ તેના પર 22 વખત દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો જાહેર કરી દેવાની ધમકીને કારણે સગીરા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોવાનો પણ આક્ષેપ છે. યુવકના કથિત ત્રાસથી કંટાળીને પરિવારે સગીરાનું ભણતર પણ છોડાવી દીધું હતું.
પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી
આખરે સગીરા સાથે બનેલી ઘટનાને લઈને પરિવારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો અને રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દિપ મિયાત્રા વિરુદ્ધ પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.