)
રાજકોટ ખાતેથી હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની શિવ-પાર્વતી અંગેની X (ટ્વિટર) પોસ્ટ સામે નારાજગી વ્યક્ત કરતો એક ખુલ્લો પત્ર લખી નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિવ-પાર્વતીના દિવ્ય સ્વરૂપને સામાન્ય દાંપત્ય જીવન સાથે સરખાવી શકાય નહીં. સ્વામી પરમાત્માનંદે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે તેમણે ગુરુ પાસે જઈને હિન્દુ ધર્મના શાસ્ત્રો સમજવા જોઈએ. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં મત મેળવવાના હેતુથી સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
જૂનાગઢના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મનીષ ઝાલાવાડિયાના પૂર્વયોજિત કાવતરાનો પર્દાફાશ કરતા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મનીષ ઝાલાવાડિયા કેમેરાવાળી બોલપેન લઈને ફરતો હતો અને ગરબીમાં બેફામ ગાળો બોલ્યો હતો. ગરબી ફાળાના મુદ્દે કમિટી પાસે ચોખવટ કરતાં ધારાસભ્યએ 2024ની ચૂંટણીમાં કોઈ વાહન ન લીધું હોવાની સ્પષ્ટતા કરી હતી, તેમજ ડ્રાઈવર પરેશ સાથેનો વિવાદ તેમની જાણ બહાર હોવાનું જણાવ્યું હતું. અંતમાં તેમણે હિજરતની તમામ વાતોને તદ્દન પોકળ ગણાવી ફગાવી દીધી હતી.
જૂનાગઢના પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે સિસ્ટમને સડેલી અને ભ્રષ્ટ ગણાવતા કહ્યું કે અન્ય જિલ્લામાં પરીક્ષા લેવાનો નિર્ણય જ દર્શાવે છે કે સિસ્ટમ પોતે પોતાના માણસોને ખોટા અને ભ્રષ્ટ માને છે. 2025ની પોલીસ ભરતીમાં 12 લાખથી વધુ અરજીઓ અને 12,000 ઉમેદવારોની પસંદગીનો ઉલ્લેખ કરતાં તેમણે પસંદગી પામેલાઓને અભિનંદન આપ્યા, પરંતુ બાકીના ઉમેદવારોને થયેલા ખર્ચ, ઉજાગરા અને હેરાનગતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, બરોડા અને પંચમહાલ સહિતના ઉમેદવારોને અન્ય જિલ્લામાં મોકલવાને બદલે સિસ્ટમના 200 માણસોને ફેરવી નાખ્યા હોત તો વધુ સરળ રસ્તો રહેત, કારણ કે સિસ્ટમના ખોટા માણસોના કારણે જ ઉમેદવારોને હાલાકી ભોગવવી પડી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં પોલીસ રિમાન્ડ પર રહેલા ત્રણ પૈકી એક આરોપીએ પોલીસ કબજામાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું. દુબઈની જેલમાં બંધ કથિત ગેંગસ્ટર હેરીના ઈશારે ખંડણી માટે જ્વેલર્સ માલિકના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા આ આરોપીને પોલીસ ફાયરિંગમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે શરદી અને ખાંસીના કેસમાં વધારો નોંધાયો છે, જેમાં ખાંસી, ગળામાં દુખાવો અને તાવ જેવા લક્ષણોને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ગણી શકાય છે. હાલની સીઝનમાં કેટલાક દર્દીઓમાં લાંબા સમય સુધી ખાંસી ચાલતી હોવાની તેમજ ગળાના દુખાવાની સમસ્યા બે અઠવાડિયા સુધી રહેતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તબીબોના મતે ગળાના દુખાવા સાથે તાવ આવે તો જાતે એન્ટીબાયોટિક્સ લેવાને બદલે તબીબને બતાવવું હિતાવહ છે, જોકે તાવ ઉતરી જાય અને માત્ર ઉધરસ રહે તો તેમાં વધુ ચિંતા કરવા જેવું નથી.
પાલનપુર અને દાંતીવાડા પંથકના શ્રદ્ધાળુઓ રામદેવરા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના દેચું હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર અને આઠ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 11 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ખાનગી હોસ્પિટલ બહાર પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાસે રોડ પર ભરાયેલા પાણીના કારણે એક અજીબોગરીબ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી એક બાઇકચાલકે અચાનક બ્રેક મારતા તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રોડ પર પટકાતા બાઇક સવારનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે સયાજીગંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના ગ્રીનસીટી રોડ પર કંસારા હોલ નજીક આવેલા વિશાલ સિઝન સ્ટોર્સમાં અકસ્માતે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગ, પોલીસ અને વીજ શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી 2 ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં દુકાનના માલસામાનને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી; હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની અલગ-અલગ ચાર ઘટનાઓ સામે આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે, જ્યાં ઝવેરી બજાર વિસ્તારમાં એક રખડતા આખલાએ બાઈકચાલક યુવક પર અચાનક હુમલો કરી તેને અડફેટે લીધો હતો. આખલાની ટક્કરથી યુવક બાઈક સહિત દુકાન પાસે પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. શહેરમાં રખડતા આખલાઓના વધતા જતા આતંકને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું છે. નવા શ્રમિક કાનૂનની વર્ષગાંઠ નિમિત્તે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રોજગાર મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં શ્રમ અને રોજગાર સંબંધિત સમસ્યાઓ, લેબર કોડ તેમજ મંત્રાલયની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, યુવાનોને રોજગાર સંબંધિત માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા NCS પોર્ટલની પણ આ તકે નોંધ લેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે મોડી રાતથી જ ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી સહિતના વાહનો લઈને ઉમટી પડતાં યાર્ડ બહાર અંદાજે ત્રણ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી. યાર્ડના શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને આખી રાત રોડ પર ઉભા રહેવાની નોબત આવી હતી. આ મામલે APMCના ઈન્ચાર્જ સેક્રેટરી ગૌતમભાઈ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી છે કે, બે દિવસ અગાઉ 20 વીઘાનું ગ્રાઉન્ડ મગફળીથી ભરેલું હોવાથી રાત્રિના સમયે માલ ઉતારવાની જગ્યા ઉપલબ્ધ નહોતી. ક્ષમતા કરતાં વધુ આવક થવાથી બહાર લાઇનો લાગી હતી, પરંતુ આજે સવારે 10 વાગ્યાથી મગફળી ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ યાર્ડની બહાર કોઈ ખેડૂત લાઇનમાં ઊભો નથી.
સુરતના વિજયનગર વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. આશાપુરી ખાડી પાસે કચરામાં આગ લાગી હોવાની જાણ થતાં ડોર-ટુ-ડોર સફાઈ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિજયનગર ડોર-ટુ-ડોર વિભાગના સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલની નજર ખાડીમાં પડેલા નવજાત શિશુના મૃતદેહ પર પડી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતાં કર્મચારીઓએ ખાડીમાં નીચે ઉતરી તપાસ કરી હતી. ખાડીમાંથી મળી આવેલા નવજાત શિશુનો મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હતો અને ચહેરો સડી ગયેલો હોવાનું સુપરવાઈઝરે જણાવ્યું હતું. નવજાત શિશુનો મૃતદેહ હોસ્પિટલમાંથી ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલે વ્યક્ત કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા નવજાત શિશુના મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. આશાપુરી ખાડીમાં નવજાત શિશુનો મૃતદેહ કોણ અને કેવી રીતે ફેંકી ગયું તે અંગે તપાસનો વિષય બન્યો છે.
પોસ્ટમાં જણાવાયું છે કે મોડી રાત્રે ૨ વાગ્યે પણ અમદાવાદમાં લોકો ભોજન, મિત્રો અને ઉત્સવના માહોલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ એક એવું શહેર છે જ્યાં લોકો કોઈપણ સમયે પોતાને સુરક્ષિત અનુભવે છે. તેમણે આ વાતાવરણ અને માહોલને ગુજરાતની વિશેષ ભાવના ગણાવી છે. આ દ્વારા શેર કરાયેલા દૃશ્યોના પ્રતિસાદ રૂપે સામે આવી છે, જેમાં રાત્રે ૨ વાગ્યાની સ્થિતિ દર્શાવાઈ છે. શેર કરાયેલા દૃશ્યોમાં રાત્રિના સમયે લોકો બેઠા હોવાનો માહોલ જોવા મળે છે. અમદાવાદના નાઈટ લાઈફ અને સુરક્ષા અંગેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહી છે.
સુરત શહેરના પાંડેસરા, સચિન અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઘર પાસે રમતા નાના બાળકો તેમજ રસ્તા અને બાઇક પર પસાર થતા રાહદારીઓ શ્વાનના હુમલાનો શિકાર બની રહ્યા છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. સ્થાનિક રહીશોએ સુરત મહાનગરપાલિકા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ખસીકરણ અને રસીકરણની કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે, શ્વાન પકડવાની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને રસીકરણ બાદ પણ શ્વાનને ફરીથી એ જ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે. કેટલાક શ્વાન હડકાયા થયા હોવાની દહેશત વચ્ચે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ શ્વાનોને પકડી અન્ય સ્થળે ખસેડવા માંગ કરી છે.
રાજકોટમાં યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં કાર્યકરો અને નેતાઓની પાંખી હાજરીને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. રાજકોટ જિલ્લાની 4 વિધાનસભા બેઠકો મળીને બેઠકમાં માત્ર 40 થી 50 જેટલા જ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ પક્ષની નિષ્ક્રિયતાને લઈને વિવાદો ઊભા થયા હતા, ત્યારે આટલી ઓછી હાજરીએ સંગઠનની કામગીરી સામે સવાલો ખડા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા, જે બાદ સંગઠનને મજબૂત બનાવવાના દાવાઓ વચ્ચે આવી સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
ભરૂચની GNFC ટાઉનશીપ વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 આસપાસ દીપડાની અવરજવર જોવા મળી હતી. વન્ય પ્રાણીની હાજરીની જાણ થતા જ GNFC ની સિક્યુરિટી ટીમ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગઈ છે અને દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા રહીશોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ. રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ,આગેવાનો સંગઠનના હોદ્દેદારો બેઠક. સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાનું અને પ્રદેશ આગેવાન રમેશભાઈ શિલુનું નિવેદન. વિધાનસભાની ચૂંટણીને લઈને ટ્રેનિંગ અને માર્ગદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક મુદ્દાઓને કેમ લોકો વચ્ચે જઈ ઊજાગર કરવા તેને લઈ માર્ગદર્શન આપવામાં આવશે. બુથ લેવલે થી લઈ પ્રદેશ લેવલ સુધી સંગઠનને કેમ મજબૂત કરવું તે અંગે વિચારણા કરવામાં આવશે. કોંગ્રેસ ક્યારેય સત્તા માટે નથી લડતી. કોંગ્રેસ શાસન લઈ આવવા નહીં સુશાસન લઈ આવવા મેહનત કરશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં એક પણ કોંગ્રેસની બેઠક આવી ન હતી. 2017 ની ચૂંટણી બાદ કોંગ્રેસ રાજકોટ શહેર કે જિલ્લામાં ખાતું ખોલાવી શકી નથી. આવતી વિધાનસભા પેહલા સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં ચૂંટણી માહોલ બંધાયો.
ભરૂચ-દહેજ હાઈવે પર ભેંસલી નજીક એક કન્ટેનરની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે કન્ટેનરની કેબિનને લપેટમાં લઈ લીધી હતી, પરંતુ ચાલકે સમયસૂચકતા વાપરી સમયસર કન્ટેનરમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનામાં કન્ટેનરને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
અંજાર અને સતાપર વચ્ચેના સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર મંડપનો સામાન ભરીને જતા એક છોટાહાથીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રસ્તા પર વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો. ઘટનાની જાણ થતા જ અંજાર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં સામાનને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી.
ગાંધીનગર શહેરી વિસ્તારના સેક્ટર 5માં છેલ્લા 3-4 દિવસથી ઝરખના આંટાફેરા વધતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઝરખે વિસ્તારમાં 3 જેટલી નીલગાયનું મારણ કર્યું છે. આ ઘટના અંગે બે દિવસ પહેલા પણ વન વિભાગની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી, પરંતુ ઝરખનો ત્રાસ યથાવત રહેતા ફરી એકવાર વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન્ય પ્રાણીની અવરજવરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા તેને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..