SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

સોમવારે પ્રદેશ ભાજપનું સ્નેહમિલન, CM સહિતના નેતાઓ રહેશે હાજર, જામનગર SOGની મોટી કાર્યવાહી

Gujarat Breaking News Live: 14 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 14, 2026, 03:23 PM IST | Updated: Nov 14, 2026, 10:13 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
 

14 Nov 2026 20:45 IST

Gujarat News Live: સોમવારે પ્રદેશ ભાજપનું સ્નેહમિલન, CM સહિતના નેતાઓ રહેશે હાજર

પ્રદેશ ભાજપ દ્વારા સોમવારે 16 નવેમ્બરે પ્રદેશ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. બપોરે 3થી 6 વાગ્યા સુધી યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરુણ ચૂગ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહેશે. આ દરમિયાન કાર્યકરો સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બરે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

14 Nov 2026 20:44 IST

Gujarat News Live: જામનગરમાં 486 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું

જામનગર SOGએ મોટી કાર્યવાહી કરી છે. કાલાવડના હરિપર મેવાસામાંથી 486 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું છે. દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતું 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો મિલ્ક પાવડર પણ કબજે કરવામાં આવ્યું છે. રહેણાંક મકાનમાં ચાલતું શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ફૂડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થાનો નાશ કર્યો. દૂધના ધંધાર્થી મેરૂ વંશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ પણ કાલાવડ પંથકમાંથી ભેળસેળયુક્ત દુધ ઝડપાયું હતું.

14 Nov 2026 20:39 IST

Gujarat News Live: અમરેલીના ગુંદરણ પાંચ તલાવડા રોડ પર ગમખ્વાર અકસ્માત

અમરેલીના ગુંદરણ પાંચ તલાવડા રોડ પર  પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈકચાલક પ્રિન્સ રૂપેશ ગોહિલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાઈક પર સવાર 20 વર્ષીય અમિત પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને પ્રથમ લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં રિફર કરાયા. 

14 Nov 2026 18:26 IST

Gujarat News Live: લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી એક્શનમાં

લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં જોવા મળ્યા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી. સિનિયર પોલીસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીની બેઠક યોજાઈ. જાહેર સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા નવી વ્યૂહરચનાઓ અંગે ચર્ચા થઇ. રાજ્યમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈ વધુ તેજ બનાવવા ખાસ ભાર મુકાયો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા પોલીસ તંત્રને સક્રિય કામગીરી પર ભાર મુકાયો. રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ કમિશ્નર, આઈબી વડા હાજર રહ્યા હતા.
 

14 Nov 2026 17:42 IST

Gujarat News Live: બળદેવજી ઠાકોર લોકભવનમાં કોને મળ્યા? રાજકીય વર્તુળોમાં ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના લોકભવનમાં રોકાયા હતા તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની એન્ટ્રી ચર્ચાનો વિષય બની છે. કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર આજે મંત્રીમંડળ વિસ્તારમાં પોતાની ગાડી લઈને પહોંચ્યા હતા. તેઓ મંત્રીમંડળમાં કોને મળવા ગયા હતા તેને લઈને રાજકીય અટકળો તેજ બની છે.

સામાન્ય રીતે આક્રમક વલણ માટે જાણીતા બળદેવજી ઠાકોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા બાદ મંત્રીમંડળ વિસ્તારમાંથી બહાર નીકળ્યા હતા. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી લોકભવનમાં રોકાયા હોય ત્યારે પૂર્વ મંજૂરી વિના કોઈને પ્રવેશ મળતો નથી. ત્યારે બળદેવજી ઠાકોરની મુલાકાતે અનેક સવાલો ઊભા કર્યા છે.

14 Nov 2026 17:35 IST

Gujarat News Live: અમદાવાદમાં વેજ બિરિયાનીના નામે નોનવેજની ડિલિવરી!

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂડ ડિલિવરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દમસફર ફૂડ આઉટલેટ દ્વારા ગ્રાહકને વેજ બિરિયાનીના બદલે નોનવેજ બિરિયાની ડિલિવર કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ગ્રાહકને મળેલા ફૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે AMC દ્વારા આઉટલેટને ₹25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
 

14 Nov 2026 17:29 IST

Gujarat News Live: બનાસકાંઠાના રણાવાડા જાગીર ગામે એક જ કુટુંબના સભ્યો વચ્ચે હિંસક મારામારી

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રણાવાડા જાગીર ગામે એક જ કુટુંબના સભ્યો વચ્ચે હિંસક મારામારી થઈ છે. એક જ કુટુંબના લોકોએ એકબીજા ઉપર હિંસક હુમલો કરતા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા છે. મહિલા સાથેના અનૈતિક સબંધને લઈને હુમલો થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 
 

14 Nov 2026 17:26 IST

Gujarat News Live: સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડુંગર તળાવ નજીક રણુજા તરફ જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ઈક્કો કારે ટક્કર મારી હતી. ભાવનગરથી 25થી વધુ પદયાત્રીઓનો સંઘ રણુજા તરફ જઈ રહ્યો હતો. બોરણા ગામે રાત્રિ રોકાણ બાદ સવારે પદયાત્રા શરૂ કરી હતી. ઈક્કો કારની ટક્કરથી ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી સુરેન્દ્રનગર રીફર કરાયા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.

14 Nov 2026 16:34 IST

Gujarat News Live: સુરતમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ

સુરતમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 51.50 લાખનું લોન સેટલમેન્ટ કર્યા બાદ પણ ફ્લેટ વેચી માર્યાનો આક્ષેપ કરાયો છે. અલથાણના વિશાખા ખાખોલીયાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પતિએ વર્ષ 2012માં બેંકમાંથી 1.15 કરોડની લોન લીધી હતી. પરવત પાટીયાના ગુરુકૃપા કોમ્પ્લેક્ષનો ફ્લેટ નંબર 303 ગીરો મૂક્યો હતો. લોન ભરપાઈ ન થતાં બેંકે 2021માં ફ્લેટનો કબજો લીધો હતો. વન ટાઈમ સેટલમેન્ટ હેઠળ 51.50 લાખની રકમ ભરપાઈ કરાઈ હતી. બેંકે નો-ડ્યુ સર્ટિફિકેટ આપી અસલ દસ્તાવેજો પણ પરત કર્યા હતા. મિલકત મુક્ત થયા બાદ પણ મળતિયાને ગેરકાયદે સેલ સર્ટિફિકેટ અપાયાનો આક્ષેપ છે. ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ માલપાની સામે ગુનો નોંધાયો છે. 

14 Nov 2026 16:29 IST

Gujarat News Live: વિસાવદરમાં ટ્રેન અડફેટે સિંહણનું કરૂણ મોત

જૂનાગઢના વિસાવદરમાં ટ્રેન અડફેટે સિંહણનું કરૂણ મોત નીપજ્યું છે. વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે અકસ્માત સર્જાયો છે. જૂનાગઢ-ચલાલા મીટર ગેજ લોકલ ટ્રેનની અડફેટે આવતા સિંહણનું મોત નીપજ્યું છે. બપોરે અંદાજે 12:30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો, અચાનક ટ્રેન સામે આવી જતા 5 થી 9 વર્ષની વયની સિંહણનો જીવ ગયો છે. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી, સિંહણના મૃતદેહને પીએમ (PM) માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ અને ફરજ બજાવવામાં આવે છે તેમ છતાં દુર્ઘટના બની રહી છે.

 

14 Nov 2026 15:46 IST

Gujarat News Live: ભાવનગરમાંથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ

ભાવનગર શહેરના મોખડાજી સર્કલ નજીકથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. SMCએ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખોનો દારૂ ઝડપી લીધો છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. SMCએ બાતમીના આધારે મોખડાજી સર્કલ નજીક રેડ પાડી હતી. બાંભણીયાના કારખાના નજીકથી ઇકો કારમાંથી 9.10 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે. SMCએ દારૂનો જથ્થો અને આરોપીઓને ઘોઘારોડ પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

14 Nov 2026 15:25 IST

Gujarat News Live: દહેગામમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

ગાંધીનગર જિલ્લાના દહેગામના અંગુથલા ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગૌચરના કોતરમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે. રામાજીના મુવાડા વિસ્તારમાંથી બાળકી મળી આવતા ચકચાર મચી છે. સવારે કુદરતી હાજતે ગયેલા વ્યક્તિને બાળકી દેખાઈ હતી, જે બાદ સરપંચની સમયસૂચકતાથી 108ને તાત્કાલિક જાણ કરાઈ અને વધુ સારવાર માટે નવજાત બાળકીને ગાંધીનગર ખસેડાઈ હતી. દહેગામ પોલીસે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને માસૂમ બાળકીને ત્યજી દેનાર માતાની શોધખોળ માટે પોલીસ તપાસ શરૂ કરી છે. 

14 Nov 2026 15:24 IST

Gujarat News Live: ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, તેની આગાહી કરી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાશે. જેના કારણે એકથી બે ડીગ્રી તાપમાન ઘટવાની શકયતા છે એટલે કે ઠંડીમાં વધારો થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરામાં 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન 20 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 20 ડિગ્રી સેલ્સિયસ અને ૧૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES