ગાંધીનગર કોની ગાદી? ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ, ભાજપનો તમામ 44 બેઠકો પર વિજયનો હુંકાર, કોંગ્રેસનો પરિવર્તનનો દાવો
Gandhinagar Mahanagar Palica: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને જીતના દાવો કર્યા છે. એક તરફ ભાજપ ગાંધીનગરમાં થયેલા વિકાસના કામો અને પ્રચંડ જનાદેશના ભરોસે તમામ ૪૪ બેઠકો પર વિજયનો દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રજાકીય પ્રશ્નો અને રોડ-રસ્તા, ગટરની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે શાસક પક્ષને ઘેરી રહી છે. આવો જોઈએ આંગણે આવી પૂગેલી મહાનગરપાલિકા ચૂંટણીનો વિગતવાર અહેવાલ.
Gandhinagar Mahanagar Palica: ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને બંને મુખ્ય રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ભાજપ દ્વારા ગાંધીનગર ઉત્તરના તમામ ૪૪ ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાઓનો દાવો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર એક સમયે ધૂળિયું શહેર હતું તેમાંથી આજે આધુનિક શહેર બન્યું છે. ભાજપના કાર્યકરો સતત લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને તો ઉમેદવારો પણ મળતા નથી અને બહારથી લાવવા પડી રહ્યા છે
ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, "ગાંધીનગર શહેરમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. એક સમયે આ માત્ર ધૂળિયું શહેર હતું, આજે વિઝન સાથે કામ થયું છે. ભાજપને ૧૦૦ ટકા સમર્થન મળવાનું છે. સામે કોંગ્રેસને ઉમેદવાર મળ્યા નથી, બહારથી શોધી લાવવાની ફરજ પડી છે. ઉમેદવાર મળશે તો પણ વિજય તો ભાજપનો જ થશે."
ગાંધીનગર ઉત્તરના ભાજપ ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, "ભાજપે ૪૪ સક્રિય અને વર્ષોથી કામ કરતા કાર્યકરોને ઉમેદવાર બનાવ્યા છે. અલગ-અલગ સમાજને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ટર્મથી ગાંધીનગર મનપામાં ભાજપનું શાસન છે અને આ વખતે પણ અમે તમામ ૪૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવીશું."
બીજી તરફ કોંગ્રેસે ભાજપના તમામ દાવાઓને ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે, લોકો ગુજરાતની હાલની રાજનીતિથી કંટાળ્યા છે. જનાધાર હોવા છતાં ભાજપે ઉમેદવારોને ધમકાવવા અને લોભ-લાલચ આપવી પડે છે. ગાંધીનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને પ્રજા પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહી છે
કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, "અમારા તરફથી તમામ ઉમેદવારો નક્કી છે અને કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. અમારામાં કોઈ વિવાદ નથી. ભાજપથી છેલ્લે સુધી ઉમેદવારો નક્કી નહોતા થતા. ગાંધીનગરમાં રોડ, રસ્તા અને ગટરની કોઈ સુવિધા નથી. પ્રજા પાંચ વર્ષથી ધૂળ ખાય છે. રાજકારણ એ કોઈ ધંધો કે દુકાન નથી. આ વખતે કોંગ્રેસ આગામી કોર્પોરેશન બનાવશે."
ચૂંટણી જંગમાં આ વખતે શિક્ષિત અને યુવા ઉમેદવારો પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભાજપ તરફથી વોર્ડ નંબર ૧૦ માં સિવિલ એન્જિનિયર તન્વી પટેલને તક આપવામાં આવી છે. તો સામે કોંગ્રેસે વોર્ડ નંબર ૭ માંથી યુવા પ્રવક્તા ફેનિલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો પોતાના વિઝન સાથે જનતા સમક્ષ આશીર્વાદ માગી રહ્યા છે
ગાંધીનગરના વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર તન્વી પટેલે જણાવ્યું હતું કે, "મેં સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ગાંધીનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામોમાં મારો વિશેષ યોગદાન આપીશ."
કોંગ્રેસ પ્રવક્તા અને ઉમેદવાર, વોર્ડ - ૭ના ફેનિલ પટેલે જણાવ્યું હતું કે, "પાર્ટીએ મારી નાની ઉંમર પર વિશ્વાસ રાખીને મેન્ડેટ આપ્યો છે. છેલ્લા એક-બે વર્ષથી મેં લોકોના પ્રશ્નો માટે કામ કર્યું છે. જનતા જો મને કોર્પોરેટર તરીકે ચૂંટીને મોકલશે, તો શિક્ષણ, આરોગ્ય, વીજળી અને ગટર બેક મારવાની સમસ્યાઓ પર પ્રાથમિકતાથી કામ કરીશ." ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના શહેર પ્રમુખ આશિષ દવેએ પણ જીતનો દાવો દોહરાવતા જણાવ્યું હતું કે ભાજપ માટે ચૂંટણી એ પ્રજાની વચ્ચે જવાનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે ગાંધીનગરના નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે ભાજપ કટિબદ્ધ છે
ગાંધીનગરના શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ જણાવ્યું હતું કે, "ભાજપના કાર્યકરો હંમેશાં લોકોની વચ્ચે રહે છે. અમારા માટે ચૂંટણી એ ફરીથી પ્રજાની વચ્ચે જવાનો અવસર છે. તાજેતરની ચૂંટણીઓમાં પ્રજાએ અમને પ્રચંડ બહુમત આપ્યો છે. ગાંધીનગરના નાગરિકોની સુખાકારી વધે તેવા કામો ભાજપ સરકારે કર્યા છે અને તમામ ઉમેદવારો કમળના પ્રતીક પર ભવ્ય વિજય મેળવશે."