5 ધારાસભ્યોના દબાણ છતાં CMએ નહોતી કરી બદલી, કોણ છે આ કલેક્ટર જે થઈ રહ્યાં છે સોશિયલ મીડિયામાં વાયરલ
Who is Anil Dhameliya: વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલા એક સોગંધનામામાં એક ન્યાયિક અધિકારી સામે કરેલી ટિપ્પણીઓ પર વિવાદ થયો છે. કોર્ટે એમની બિનશરતી માફીને ફગાવી દીધી છે અને આ કેસની સુનાવણી 27 નવેમ્બર પર રાખી છે. જોકે, હાઈકોર્ટના જજ દ્વારા ફટકાર લગાવતા વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયો વાયરલ થયા છે કે કરાઈ રહ્યાં છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે આ ધારાસભ્ય સામે આ પહેલાં 5 ધારાસભ્યો દ્વારા સીએમને પણ રજૂઆત કરાઈ હતી. કલેક્ટર અનિલ ધામેલિયાની ગણતરી ગુજરાતના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓમાં થાય છે.
Vadodara Collector : ગુજરાતના યુવા આઈએએસ અનિલ ધામેલિયાને સરકારે વિરોધ વચ્ચે ફેબ્રુઆરી 2025માં કલેક્ટર બનાવ્યા હતા. સરકારે એમને છોટાઉદેપુરથી હટાવીને વડોદરા શહેરનો ચાર્જ સોપ્યો હતો. જમીનના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટની લાઈવ સ્ટ્રીમિંગના વીડિયો હાલમાં જબરદસ્ત વાયરલ થતાં વડોદરાના આ કલેક્ટર ચર્ચામાં છે. સૌના મોંઢે એ જ ચર્ચા છે કે કોણ છે આ કલેક્ટર જેને ગુજરાત હાઈકોર્ટે ઝાટક્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ અનિલ ધામેલિયા સામેના વીડિયોમાં પણ હવે બે પક્ષો પડી ગયા છે. ઘણા કલેક્ટરની ટીકા કરી રહ્યાં છે તો ઘણા વખાણ પણ કરી રહ્યાં છે. ધામેલિયાની ગણતરી એક ઉમદા અધિકારી તરીકે થાય છે. હવે ધામેલિયા શા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ પણ એક ચર્ચાનો વિષય છે. એવા આરોપો પણ છે કે ધામેલિયાના વિરોધી જૂથો આ વીડિયોને વાયરલ કરાવી રહ્યાં છે.
આ પહેલાં પણ ધામેલિયા સામે 5 ધારાસભ્યોએ મોરચો માંડ્યો હતો. એમને સીએમ સુધી જબરદસ્ત લાગવગ લગાવી હતી પણ ગુજરાત સરકારે ધામેલિયાની ટ્રાન્સફર કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. ધામેલિયાની છવી એક મહેનતી ઓફિસર તરીકેની છે.
- 2015ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અનિલ ધામેલિયા
- યુપીએસસી પરીક્ષામાં ધામેલિયાએ ઓલ ઇન્ડિયામાં 23મો રેન્ક હાંસલ કર્યો હતો.
- ગુજરાત હાઈકોર્ટના એક ફૂટેજને કારણે ધામેલિા ચર્ચામાં આવ્યા છે.
- હાઈકોર્ટના લાઈવ સ્ટ્રીમિંગને પરમિશન વિના વાયરલ કરવામાં ગુનો હોવા છતાં લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વાયરલ
GRTનો આદેશ ઓનલાઇન અપલોડ ન કરાયો
સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા કલેક્ટરે એક કેસમાં મંજૂરી આપી ન હતી. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ (GRT)ના એક આદેશને લઈને મૂંઝવણ ઊભી થઈ, કારણ કે તે આદેશ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યો ન હતો. ઓનલાઇન સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે વડોદરાના કલેક્ટરની કામગીરી અંગે કડક વલણ અપનાવ્યું હતું; આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનિલ ધમેલિયાને નજીકથી જાણનારા લોકોનું કહેવું છે કે તેઓ ભૂમાફિયાઓને દૂર રાખે છે અને ખાતરી કરે છે કે તમામ કાર્યવાહી નિયમોનું ચુસ્તપણે પાલન થાય, જેથી એમના વિરોધીઓ પણ એટલા જ છે. હાઈકોર્ટની સુનાવણીના વીડિયો વાયરલ થતાં સરકાર પણ તપાસ કરી રહી છે કોણ લોકો છે જેમને કલેક્ટરને બદનામ કરવામાં રસ છે.
સરકાર જાણે છે કે કયા અધિકારી કામના છે અને કયા નથી
અનિલ ધામેલિયા બીજા આઈએએસ અધિકારીઓની જેમ સોશિયલ મીડિયામાં સક્રિય નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમની પર ભરોસો છે. એટલે જ વડોદરા જેવા જિલ્લાનો ચાર્જ એમને સોંપાયો છે. સીએમે ભાજપના 5 ધારાસભ્યોના દબાણ છતાં એમની ટ્રાન્સફર કરી ન હતી. એ દેખાડે છે કે સરકાર જાણે છે કે કયા અધિકારી કામના છે અને કયા નથી. ભૂપેન્દ્ર પટેલ ગંગાજળ પીવડાવવામાં નંબર વન છે. ગઈકાલે રાતે પણ 2 અધિકારીઓને નિવૃત્તિ પહેલાં રિટાયર્ડ કરી દીધા છે. ૨૦૧૫ બેચના IAS અધિકારી અનિલ ધમેલિયા ગુજરાત કેડરના અધિકારી છે. તેઓ હાલમાં વડોદરા જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વડોદરા પહેલાં છોટા ઉદેપુર જિલ્લાના હતા કલેક્ટર
આ અગાઉ તેઓ છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર હતા. તેમણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી હોમિયોપેથીનો અભ્યાસ કર્યો છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી પબ્લિક મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. તેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સમગ્ર દેશમાં ૨૩મો ક્રમ મેળવ્યો હતો અને તેઓ અત્યંત તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ છોટા ઉદેપુરના જિલ્લા કલેક્ટર હતા. આ ઉપરાંત, તેમણે અમદાવાદ અને અરવલ્લી-મોડાસામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે તથા રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સેવાઓ આપી છે. આ અધિકારી ગુજરાતમાં હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આગામી સુનાવણીમાં કયા પ્રકારનું વલણ દાખવે છે.