2024ના પૂર બાદ વડોદરાને કાયમી રાહત ક્યારે? અઢી વર્ષે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટના અનેક કામો અધૂરા, ₹1215 કરોડનો રિવરફ્રન્ટ હજુ કાગળ પર
વડોદરામાં જ્યારે ભારે વરસાદ આવે છે તો શહેર માટે દર વખતે મુશ્કેલીનું કારણ વિશ્વામિત્રી નદી બને છે. 2024મા આવેલા વિનાશક પૂરમાં તો મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકેઅઢી વર્ષ બાદ પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અધૂરાં છે. ત્યારે વિશ્વામિત્રીમાં કામને લઈને તંત્રના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે.
વડોદરાવાસીઓ માટે દર ચોમાસે ચિંતાનું કારણ બનતી વિશ્વામિત્રી નદી... 2024ના વિનાશક પૂરમાં હજારો પરિવારોને મુશ્કેલીમાં મૂક્યા બાદ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નદીને પૂરથી સુરક્ષિત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ અઢી વર્ષ બાદ પણ અનેક મહત્ત્વપૂર્ણ કામો અધૂરાં છે. ક્યાંક કામ શરૂ જ નથી થયું, તો ક્યાંક કરોડોના પ્રોજેક્ટ માત્ર કાગળ પર છે. સવાલ એ છે કે વિશ્વામિત્રીને પૂરમુક્ત બનાવવાનો પ્રોજેક્ટ ખરેખર રિવાઇવ થઈ રહ્યો છે કે પછી સરકારી દાવાઓમાં જ અટવાયો છે?... જોઈએ આ વિશેષ અહેવાલ...
ઓગસ્ટ 2024... વડોદરાના લોકો આ પૂર ભૂલ્યા નથી. હજારો પરિવારોએ ભારે હાલાકી વેઠી. ત્યારબાદ સરકારે 1200 કરોડની જાહેરાત કરી અને નવલવાલા કમિટી બનાવી. કમિટીએ ટૂંકા ગાળાના 11 સૂચનો 6 મહિનાથી એક વર્ષમાં પૂરા કરવા કહ્યું હતું. પણ અઢી વર્ષ વીત્યા છતાં 3 મહત્વના કામો હજી શરૂ જ નથી થયા, અને લાંબા ગાળાના 4 સૂચનો તો પ્રારંભિક તબક્કામાં પણ નથી પહોંચ્યા.
લોકોનો સીધો આક્ષેપ છે કે કોર્પોરેશન અને સરકારે જનતાને માત્ર મૂર્ખ બનાવી છે. નદી ઊંડી-પહોળી કરવાના નામે માટી વેચીને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ છે. વિપક્ષ પણ આ જ સવાલ ઉઠાવી રહ્યો છે.
તો હવે જોઈએ, કાગળ પર નહીં, હકીકતમાં શું થયું?...જે કામ થયું તેમાં...
- વિશ્વામિત્રી નદીનું ડી-સિલ્ટીંગ અને રી-સેક્સનિંગ પૂર્ણ
- નદીની ક્ષમતા 750 ક્યુમેકથી વધી 1100 ક્યુમેક થઈ
- શહેરમાં 180 કિલોમીટર કાંસની સફાઈ
- દેણા ખાતે સરોવર તૈયાર
- આજવા, પ્રતાપપુરા સરોવર ખોદવાનું 50 ટકા કામ
- બિયન વોલનું 70 કરોડનું કામ ચાલુ
હવે વાત જે કામ બાકી છે તેની કરીએ તો...
- ફ્લડ ફોરકાસ્ટિંગ સોફ્ટવેર
- કોટંબી અને ભણિયારા ખાતે તળાવ
- વડદલા, હરીપુરા, ધનોરા અને પ્રતાપપુરા ખાતે ગેટ સ્ટ્રક્ચર અને પાળો
- નદીમાં પ્લાન્ટેશન, ઢાઢર નદીમાં બેરેજ
- ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન
- અને 1215 કરોડનો રિવરફ્રન્ટ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ, જે હજી માત્ર કાગળ પર જ છે.
જોકે પાલિકાનો દાવો છે કે ટૂંકા ગાળાના 11 માંથી 8 સૂચનો પર કામ પૂર્ણ થઈ ગયું છે, અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે પ્રક્રિયા ચાલુ છે.
દર ચોમાસે વડોદરાવાસીઓ પાણી ભરાવાની દહેશતમાં જીવે છે. કરોડોના ખર્ચ છતાં જો કામો સમયસર પૂરા નહીં થાય, તો તંત્રના દાવાઓ કાગળ પર જ રહી જશે. હવે જોવું એ રહ્યું કે આ મંથર ગતિને વેગ આપીને વડોદરાને કાયમી સુરક્ષા ક્યારે મળે છે?