SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વાવ-થરાદ : બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, બહેનના પ્રેમીની ભાઈએ કરી હત્યા

Vav Tharad : દુનિયામાં સદી ભલે એકવીસમી સદી ચાલતી હોય, પરંતુ પ્રેમના દુશ્મનો હજુ પણ ક્યાંકને ક્યાંક જોવા મળે જ છે. ત્યારે વાવ-થરાદથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમના દુશ્મને પ્રેમીનું ઠંડા કલેજે મર્ડર કરી નાખ્યું અને એટલું જ નહીં, પણ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મસમોટું ષડયંત્ર રચ્યું. જો કે, કાયદાના રક્ષકોએ આખરે સમગ્ર ઘટના પરથી ઉઠાવ્યો પડદો. ત્યારે કોણ છે આ પ્રેમના દુશ્મન અને કેવી રીતે કાયદાના સકંજામાં આવ્યા આરોપીઓ, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 24, 2026, 07:18 PM IST | Updated: Oct 24, 2026, 07:21 PM IST
Join

ભરત રાજપૂત, વાવ-થરાદ: કોઈ પણ વ્યક્તિ માટે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી છતાં પણ આજના જમાનામાં પ્રેમના દુશ્મનો તેનો વિરોધ જરૂર કરે છે. આવા જ એક પ્રેમના દુશ્મને હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટના વાવ-થરાદ જિલ્લામાં બની છે, જ્યાં પ્રેમ પ્રકરણની અદાવતમાં 18 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ તો કરાયો, પરંતુ કાયદાના રક્ષકોએ આખરે સમગ્ર મામલા પરથી પડદો ઉઠાવ્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા.

મહેસાણા: બોરની ઓરડીમાં ચાલતા નકલી શેરબજાર કોલ સેન્ટરનો પર્દાફાશ, 8 ઝડપાયા

21મી ઓક્ટોબરે શું બન્યું હતું ?

વાવ પોલીસે ઝડપેલા બંને લબરમુંછીયાએ એક એવા અપરાધને અંજામ આપ્યો છે. જે કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે. આ બંનેના નામ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર છે. આ બંને એ જ પ્રેમના દુશ્મનો છે જેણે અશોક નામના પ્રેમીની હત્યા કરી નાખી. પકડાયેલા બંને આરોપી આચરેલા ગુના અંગે વાત કરીએ તો...

ગત 21મી ઓક્ટોબરે સાંજે અશોકને મહેશ અને કિરણે બોલાવ્યો હતો. દારૂ પીવાના બહાને ત્રણેય ભેગા થયા હતા અને દારૂમાં નશાની ગોળી ભેળવીને અશોકને પીવડાવી હતી, ત્યારબાદ નશાની હાલતમાં અશોકને ખેતર પાસે લવાયો અને ગળે ટૂંપો આપીને અશોકની બંનેએ હત્યા કરી. ત્યારબાદ અશોકની લાશને તેના જ શર્ટ વડે લટકાવી દીધી.

હત્યા કરી બંને આરોપી ફરાર

જે બાદ બંને આરોપી ફરાર થઈ ગયા. બીજી તરફ અશોક ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી. જેમાં લટકતી હાલતમાં અશોક મળી આવતા તેને સરકારી હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં તબીબે અશોકને મૃત જાહેર કર્યો. જે મામલે મૃતકના ભાઈ મુકેશે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી હતી.

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત કરી. બીજી તરફ હ્યુમન સોર્સની મદદના આધારે સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો અને ગણતરીના સમયમાં જ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરને દબોચી લેવાયા. જેમની કડક પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી.

બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત

પોલીસે હત્યાના કારણ અંગે પૂછતા સામે આવ્યું છે કે મૃતક અશોક અને મહેશ ઠાકોરની બહેનને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેનું મનદુ:ખ રાખીને મહેશે કિરણ સાથે મળીને અશોકનું ઢીમ ઢાળી દીધું. હત્યાના ઈરાદે જ મહેશ અને કિરણે અશોકને દારૂમાં નશાની ગોળીઓ પણ આપી હતી. જે બાદ નશાની હાલતમાં સરી પડેલા અશોકને છેક મૃત્યુ શય્યા સુધી પહોંચાડી દીધો. ત્યારે આ કેસમાં હાલ તો બંને આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES