SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'વિકાસ અને અસ્મિતા' બનશે 2027નો મુખ્ય મુદ્દો? વાંસદાના મંચ પરથી દક્ષિણ ગુજરાતના રાજકારણની નવી ચાલ

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આદિવાસી વોટ બેંક ખુબ મહત્વની છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા બિરસા મુંડાની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે નવસારીમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આગામી વિધાનસભા ચૂંટણીની ઝલક જોવા મળી હતી.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 05:27 PM IST | Updated: Nov 15, 2026, 05:31 PM IST
Join

ગુજરાતના રાજકારણમાં આદિવાસીઓને રીઝવવા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં આખી સરકાર આદિવાસીઓના રંગે રંગાઈ છે. અવસર છે ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતી એટલે કે ''જનજાતિ ગૌરવ દિવસ''નો, પરંતુ નવસારીના વાંસદામાં વન મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં થયેલી ઉજવણીમાં આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણો અત્યારથી જ બદલી નાખ્યા છે. એક તરફ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આદિવાસી ઇતિહાસના પુનરુત્થાન સાથે વિદેશી તાકાતોને લઈને લાલબતી ધરી છે. તો બીજી તરફ સાંસદ ધવલ પટેલે 2027 ની ચૂંટણી માટે અત્યારથી જ કિલ્લો સર કરવાના દાવા કરી દીધા છે.

રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી

માત્ર 23 વર્ષની નાની વયે ''ઉલ ગુલાન''ના નારા સાથે અંગ્રેજ સામ્રાજ્યને હચમચાવી નાખનાર અને 25 વર્ષની વયે શહીદી વહોરનાર ભગવાન બિરસા મુંડાના ગૌરવવંતા ઇતિહાસને આઝાદી પછીના દાયકાઓમાં ક્યાં તો દબાવી દેવાયો અથવા તો હાંસિયામાં ધકેલી દેવાયો. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિવાસી અસ્મિતાને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ જ પરંપરાને આગળ વધારતા વાંસદાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આદિવાસી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી અને જંગલ જમીનના પત્રો વિતરિત કરીને સરકારની સંવેદનશીલતા દર્શાવી હતી. એટલું જ નહીં, 51 કરોડના વિકાસકાર્યોની ભેટ આપતી વખતે મંત્રીએ શ્રીલંકા અને બાંગ્લાદેશનું ઉદાહરણ ટાંકીને આક્ષેપ કર્યો કે ભારતમાં PM નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને તોડવા માટે વિદેશી શક્તિઓ સક્રિય છે. ત્યારે આદિવાસી સમાજે આવી વિદેશી ચાલબાજીઓથી દૂર રહીને દેશની વિકાસયાત્રામાં જોડાવું પડશે.

 વિપક્ષના ગઢ પર ભાજપની નજર

વિપક્ષી ધારાસભ્યના ગઢ ગણાતા વાંસદામાં ભાજપના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે અઢી વર્ષમાં અબજો રૂપિયાના વિકાસકાર્યોનો હિસાબ આપીને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. પોતાના મોટાભાઈને સિકલ સેલ જેવી જીવલેણ બીમારીમાં ગુમાવ્યાનું અંગત દર્દ છલકાવતા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ બીમારી સામે ચાલી રહેલી રાષ્ટ્રીય અભિયાનની સરાહના કરી હતી. સાથે જ 2027 ની વિધાનસભા ચૂંટણીમાં વાંસદામાં કમળ ખિલવવાનો દાવો કરી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, હવે જનજાતિ સમાજ વિકાસ અને રાષ્ટ્રવાદ સિવાય કોઈ સમજૂતી કરવાના મૂડમાં નથી. આદિવાસી અસ્મિતા અને આક્રમક રાજનીતિના આ સંગમે ગુજરાતના રાજકારણમાં આગામી ટર્નિંગ પોઈન્ટના એંધાણ આપી દીધા છે. કાર્યક્રમ પૂરો થતાં જ દક્ષિણ ગુજરાતના જાણીતા ''ડીજે રોકી સ્ટાર''ના તાલે આદિવાસી યુવાનોના થનગનાટ વચ્ચે ગાંધી મેદાનથી ટાવર સુધી નીકળેલી ભવ્ય રેલીએ યુવાશક્તિનો અનોખો અંદાજ બતાવ્યો હતો.

 ચૂંટણીમાં જોવા મળી શકે છે નવો મુદ્દો

2027 ની ચૂંટણી પહેલા વાંસદાની આ ધરતી પરથી ફૂંકાયેલું આ રણશિંગુ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે, હવે માત્ર રાજકીય નારેબાજી નહીં પરંતુ ચુંટણમાં ''વિકાસ અને અસ્મિતા'' જ મુખ્ય મુદ્દો બનશે. એક તરફ દાયકાઓથી ઇતિહાસના હાંસિયામાં ધકેલાયેલા જનજાતીય નાયકોને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું છે. તો બીજી તરફ કરોડોના વિકાસકાર્યોના જોરે વિપક્ષના ગઢમાં ગાબડા પાડવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. વિદેશી તાકાતોને લાલબતી અને વિકાસની હરિફાઈ વચ્ચે વાંસદાનો આદિવાસી યુવાન હવે બદલાવના રંગે રંગાઈ ચૂક્યો છે. 2027 ના રાજકીય રણમેદાનમાં આ અસ્મિતાનો પવન કઈ દિશામાં વાય છે. એ સમય જતાવશે; પરંતુ અત્યારે ભાજપે પોતાની રાજકીય પિચ પર મજબૂત બેટિંગ શરૂ કરી દીધી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES