Gujarat top 6 news: વડોદરા નજીક AK-47 સાથે આતંકી ઝડપાયો, સીમાંકન બિલને કેબિનેટ મંજૂરી, પાટીદાર નેતાઓની સૂચક પોસ્ટ, આજના 6 મોટા સમાચાર
ગુજરાતમાં આજે બનેલા છ મોટા સમાચારો વિશે અમે તમને વિગતવાર જણાવીશું. રાજ્યમાં એટીએસની કાર્યવાહી, બીજીતરફ પરિસીમન બિલની ચર્ચા, આ સિવાય સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે.
ગુજરાતમાં દિવસભરમાં બનેલી છ મોટી ઘટનાઓ વિશે અમે તમને જણાવીશું. આ ઘટનાઓમાં ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની આશંકા વચ્ચે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. બીજીતરફ પરિસીમન કે સીમાંકન...આ મુદ્દો આજે આખા દેશમાં ચર્ચાને કેન્દ્રમાં છે. એમાં પણ ગુજરાત સહિતના એવા રાજ્યો, જેમાં ચૂંટણી આવી રહી છે. આ સિવાય અન્ય સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં અત્યારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી સૂચક પોસ્ટની ચર્ચા જોર પકડી રહી છે. આવો વિગતવાર આ સમાચાર વિશે જાણીએ.
1. ગુજરાત પર આતંકનો ઓછાયો!
ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની આશંકા વચ્ચે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. વડોદરા નજીકથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકી મહમદ સહરૂલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે. મૂળ આસામના કરીમગંજનો રહેવાસી આ 24 વર્ષીય શખ્સ પાસેથી એક ઓટોમેટિક AK-47 રાઇફલ, 23 જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ, મોબાઇલ ફોન અને જૈશનો ઝંડો મળી આવ્યો છે. ATSના જણાવ્યા અનુસાર, આરોપીના નિશાને વડોદરાનું એરફોર્સ સ્ટેશન હતું અને તેના ગેટ પર ફાયરિંગ કરવાની યોજના હતી. આ માટે તેણે એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી અને તેના મોબાઇલમાંથી સ્થળના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જૈશના પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો અને હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના ધરાવતો હતો. હેન્ડલર દ્વારા તેને મુસાફરી અને અન્ય ખર્ચ માટે 50 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. આરોપી આસામથી ટ્રેન અને બસ મારફતે ગુજરાત પહોંચ્યો હતો અને વડોદરામાં હોટેલમાં રોકાયો હતો. ATSએ ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી અને આખરે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ કાવતરામાં અન્ય કોણ સંડોવાયેલું છે, હથિયાર ક્યાંથી મળ્યું અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે તેનું નેટવર્ક કેટલું મોટું છે. ગુજરાત ATSની આ કાર્યવાહીએ ફરી એકવાર રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો સમયસર આ શખ્સ ઝડપાયો ન હોત તો શું વડોદરા એરફોર્સ સ્ટેશન પર મોટો હુમલો થઈ શક્યો હોત? ગુજરાતમાં અશાંતિ ફેલાવવાના આ કાવતરામાં અન્ય કોણ સામેલ છે અને રાજ્યમાં આતંકી નેટવર્કની કેટલી ઊંડી પહોંચ છે?
2. સીમાંકન બિલને કેબિનેટની મંજૂરી
પરિસીમન કે સીમાંકન...આ મુદ્દો આજે આખા દેશમાં ચર્ચાને કેન્દ્રમાં છે. એમાં પણ ગુજરાત સહિતના એવા રાજ્યો, જેમાં ચૂંટણી આવી રહી છે..તેમના માટે પરિસીમન બિલ ખૂબ જ મહત્વનું છે. મોદી કેબિનેટમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે. કેબિનેટમાં તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોમાં 50 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્તને પણ મંજૂરી મળી હોવાનું જણાવાયું છે. સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે ચર્ચા માટે 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ આ બિલને ષડયંત્રનો ભાગ ગણાવી તેના પર સવાલો ઉઠાવી રહ્યો છે, જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંને પક્ષો સમર્થનના રાજકીય ગણિતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે, આ વર્ષે એપ્રિલમાં પણ આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બે તૃતિયાંશ બહુમતિ ન મળતા તે પાસ નહોતું થયું. સીમાંકનનો આ સમગ્ર મુદ્દો ગુજરાત માટે પણ મહત્ત્વનો છે, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સીમાંકનમાં ફેરફાર થાય તો બેઠકોની સંખ્યા અને રાજકીય સમીકરણોમાં બદલાવ આવી શકે છે. નવા સીમાંકનથી ગુજરાતનો રાજકીય નકશો કેવો બદલાશે અને તેની ચૂંટણીનાં પરિણામો પર કેવી અસર પડશે, તેના પર સૌની નજર રહેશે.
3. હાર્દિક પટેલની સૂચક પોસ્ટ
ગુજરાતના રાજકારણમાં અત્યારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી સૂચક પોસ્ટની ચર્ચા જોર પકડી રહી છે. આ ચર્ચાની શરૂઆત ધારાસભ્ય હાર્દિક પટેલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થઈ હતી. હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા.” સાથે જ “દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી” તેવા કેપ્શનથી તેમણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. હાર્દિક પટેલની પોસ્ટ બાદ પાટીદાર આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની તસવીર શેર કરીને લખ્યું કે, “અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા.” આ ઉપરાંત ધાર્મિકે પણ અલ્પેશ અને હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને સ્વાભિમાન અને સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત હોવાનો સંદેશ આપ્યો છે. આમ, પાટીદાર આંદોલન સાથે જોડાયેલા આગેવાનોની એક પછી એક સૂચક પોસ્ટથી રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ વરુણ પટેલની પોસ્ટ બાદ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણું નવું થવાનું છે અને આ માત્ર હળવી વૉર્મ અપ એક્સરસાઇઝ છે. વરુણ પટેલે પોતે અને દિનેશ બાંભણિયા એક ટીમમાં હોવાનું જણાવ્યું હતું, જ્યારે હાર્દિક પટેલ અમારી ટીમમાં નથી અને ચિંતન શિબિરમાં પણ આવ્યા ન હતા તેમ કહ્યું હતું. આ મુદ્દે દિનેશ બાંભણિયાએ પણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલની પોસ્ટ ગુજરાતમાં રાજકીય અને ક્રાંતિના વિચાર સાથે મૂકવામાં આવી હતી. વિચારધારા અલગ હોઈ શકે, પરંતુ સમાજના હિતમાં પાટીદાર આંદોલનકારીઓ એકસાથે છે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. હવે આ તમામ પોસ્ટ અને નિવેદનો વચ્ચે સવાલ એ છે કે આ આગેવાનો કોને સંબોધીને સંકેત આપી રહ્યા છે? તેમની શાંતિ અને ખામોશી પાછળ કયો સંદેશ છુપાયેલો છે? શું પાટીદાર આંદોલન સાથે જોડાયેલા આગેવાનો ફરી કોઈ નવા રાજકીય મંચ કે સમીકરણની તૈયારી કરી રહ્યા છે? અને વરુણ પટેલે જે હળવી વૉર્મ અપ એક્સરસાઇઝની વાત કરી છે, તે આવનારા દિવસોમાં કયા નવા રાજકીય ઘટનાક્રમનો સંકેત આપે છે?
4. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી સિંચાઈ સંકટ
ગુજરાતમાં રવી પાકની સીઝન વચ્ચે હવે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ખેડૂતો સિંચાઈ અને વીજળીની સમસ્યાથી પરેશાન છે. એક તરફ સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ વીજળી વારંવાર ટ્રીપ થતાં સિંચાઈની કામગીરી ખોરવાઈ રહી છે. ઘઉં, ડુંગળી અને ચણાના પાકને પાણી આપતી વખતે વીજળી જતી રહેતાં ખેડૂતોને એક કલાકથી વધુ સમય રાહ જોવી પડે છે. પરિણામે ખેતરમાં પાણી અધૂરું પહોંચે છે અને ખેડૂતોને એક જ કામ માટે બેવડી મહેનત કરવી પડે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સિંચાઈનું સંકટ ઘેરું બન્યું છે. કાકરાપાર જમણા કાંઠાની નહેર 90 દિવસથી અને અન્ય નહેરો 35 દિવસથી બંધ રહેતાં ખેડૂતોને ખેતી માટે બોરવેલ અને ટ્યુબવેલ પર આધાર રાખવો પડી રહ્યો છે. નહેરનું પાણી બંધ થતાં ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. 1.55 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીન પર સિંચાઈની અસર પડી રહી છે. આ સ્થિતિમાં ખેડૂત આગેવાન જયેશ એન. પટેલે મુખ્યમંત્રી અને ઊર્જામંત્રીને પત્ર લખીને આઠ કલાકને બદલે 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે. નહેરમાં પાણી ફરી શરૂ ન થાય ત્યાં સુધી વધારાની ચાર કલાક વીજળી આપવા રજૂઆત કરવામાં આવી છે. આમ, સૌરાષ્ટ્રમાં વીજળીની અનિયમિતતા અને દક્ષિણ ગુજરાતમાં નહેરનું પાણી બંધ રહેવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. બંને વિસ્તારના ખેડૂતોની માંગ એક જ છે કે ખેતીના પાકને સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ત્યારે સવાલ એ છે કે રવી પાકની સિઝનમાં ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી ક્યારે મળશે? નહેરનું પાણી ફરી શરૂ ન થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વધારાની વીજળી આપવાની માંગ ક્યારે સંતોષાશે? અને સિંચાઈની આ મુશ્કેલી વચ્ચે ખેડૂતો પોતાના પાકને કેવી રીતે બચાવશે?
5. ગૌભક્તોની ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે. આ માંગના સમર્થનમાં આજે બનાસકાંઠાના થરાદમાં બજારો સજ્જડ બંધ જોવા મળી હતી, તો બીજી તરફ અડાલજ ખાતે ગૌસન્માન આહ્વાન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અને ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાય માતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યનો બંધારણીય દરજ્જો આપી રાષ્ટ્રીય સન્માન આપવાની રજૂઆત કરાઈ હતી. ગૌસેવા માટે કેન્દ્રીય કાયદો લાગુ કરવાની સાથે અલગ કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. . બીજી તરફ થરાદમાં વેપારી એસોસિએશન, થરાદ APMC સહિત વિવિધ વેપારી સંગઠનોના બંધના એલાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. અડાલજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગૌમાતા માટે સહિયારી યોજના બનાવવામાં આવશે તો સરકાર તેમની સાથે ઊભી રહેશે. આમ, એક તરફ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે થરાદમાં બંધ પાળવામાં આવ્યો, તો બીજી તરફ અડાલજથી ગૌસેવા અને ગૌસંરક્ષણ માટે સરકારના સહયોગનો સંદેશ આપવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે ગાયને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યનો બંધારણીય દરજ્જો આપવાની માંગ પર કેન્દ્ર સરકાર શું નિર્ણય લેશે? ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની માંગ ક્યારે સાકાર થશે? અને ગૌસંરક્ષણ માટે સહિયારી યોજના ક્યારે અમલમાં આવશે?
6. ભાજપે સંગઠનાત્મક સક્રિયતા વધારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપે અત્યારથી જ રાજકીય અને સંગઠનાત્મક સક્રિયતા વધારી દીધી છે. એક તરફ આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે સેવા દૂત અભિયાનના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના 15 મંત્રીઓ આજથી 29 નવેમ્બર સુધી આદિવાસી વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, રીવાબા જાડેજા અને પ્રવિણ માળી સહિતના મંત્રીઓ આ વિસ્તારોમાં સરકારી યોજનાઓની અમલવારી અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નવસારીની મુલાકાતે જવાના છે, જ્યાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. બીજી તરફ ભાજપે રાષ્ટ્રીય સ્તરે સેવા દૂત અભિયાન શરૂ કરીને સેવાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની તૈયારી કરી છે. આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ છે, જ્યારે પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજાવાની છે. પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોને આ અભિયાનમાં જોડવામાં આવશે. આગામી 30 દિવસ સુધી તેઓ વિધાનસભા ક્ષેત્રોમાં રહીને કાર્યકરો અને લોકો સુધી પહોંચશે. આ દરમિયાન સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે. આમ, એક તરફ આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓની હાજરી વધારી સ્થાનિક પ્રશ્નો અને યોજનાઓની સમીક્ષા થઈ રહી છે, તો બીજી તરફ સેવા દૂત અભિયાનથી સંગઠનને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની કવાયત શરૂ થઈ છે. ત્યારે સવાલ એ છે કે શું વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપે અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દીધી છે? આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓના બીજા રાઉન્ડથી કેટલો રાજકીય અને સામાજિક ફાયદો મેળવવાનો પ્રયાસ છે? અને 30 દિવસના સેવા દૂત અભિયાનથી ભાજપ પોતાના સંગઠનને કેટલું મજબૂત બનાવી શકશે?