SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સૂરજેવાલાનો લંગડા ઘોડાઓને એક્ટિવ કરવાનો પ્રયાસ, મોરબીથી ભાજપ સામે લલકાર : સૌરાષ્ટ્ર રહેશે પ્રાયોરિટી

Morbi khedut aakrosh sabha : ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીઓને ભલે હજુ વાર હોય, પરંતુ વિપક્ષ કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી મોડમાં આવીને ખેડૂતોના મુદ્દે રણશિંગું ફૂંકી દીધું છે! મોરબી ખાતે કોંગ્રેસ દ્વારા 'ખેડૂત આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, વીજપોલનું પૂરતું વળતર આપવા અને સિંચાઈ તથા પીવાના પાણીની વિકટ સમસ્યા મુદ્દે યોજાયેલી આ સભાને કોંગ્રેસનું મોટું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ અહેવાલમાં જાણી લો સરકારને ઘેરવા કોંગ્રેસની કેવી છે તૈયારી..

Written By Karan Rajput
Published: Oct 23, 2026, 01:13 PM IST | Updated: Oct 23, 2026, 01:31 PM IST
Image Credit: Ai Image
Join

Gujarat Election 2027 : મોરબીની ધરતી પરથી કોંગ્રેસે ખેડૂતોના આક્રોશને વાચા આપવાના બહાને 2027ની વિધાનસભા ચૂંટણીનું મોરચો ખોલી દીધો છે! રાજપર રોડ પર યોજાયેલી આ વિશાળ સભામાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રણદીપ સૂરજેવાલા કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ કોંગ્રેસ એક્ટિવ બની છે. નેતાઓ એક મંચ પર દેખાઈ રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ 2027માં ગુજરાતમાં ભાજપનેે હરાવીશું એવો દાવો કરી ભાજપને પડકાર ફેંકયો હતો. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ખુદ ગુજરાતમાં મેદાને ઉતરે છે કે 2022ની ચૂંટણીની જેમ ગુજરાતથી અળઘા રહેશે. હાલમાં ગુજરાતમાં ધીમેધીમે ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ગુજરાતમાં લંગડા ઘોડાઓને રેસના ઘોડા બનાવવા માટે સૂરજેવાલાએ પ્રયાસ તો શરૂ કર્યા છે પણ આગામી સમય જ બતાવશે કે આ ઘોડાએ રેસ જીતે છે કે હારે છે.

કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે કે ભાજપને ગુજરાતમાં હરાવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે પણ જે સીટ પર કોંગ્રેસનું હજુ વર્ચસ્વ ધરાવે છે એ સીટો પર વધારે ફોક્સ કરી રહી છેે. કોંગ્રેસ શહેરી સીટોની અવગણના પણ કરી શકે છે પણ ગ્રામ્ય સ્તરે ટક્કર આપવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં કોંગ્રેસ ઓછા માર્જિન સાથે હારે છે એ સીટો પર સૂરજેવાલાની ટીમ કામ કરી રહી છે. 

સૂરજેવાલાના પ્રભારી બન્યા બાદ કોંગ્રેસ એક્ટિવ તો થઈ છે પણ ક્યાં સુધી નેતાઓ એક્ટિવ રહે છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ટોણો મારી ચૂક્યા છે કે અમે મૌસમી દેડકાઓ નથી કે ચૂંટણી સમયે જ દેખાઈએ...  

ગુજરાતમાં આદીવાસી અને ખેડૂતો આ ચૂંટણીમાં હોટ ટોપિક રહે તેવી સંભાવના છે. કોંગ્રેસને શહેરી મતદારો પાસે વોટની અપેક્ષા નથી કારણ કે આ ભાજપની કમીટેડ વોંટબેંક છે પણ શહેરોનો વિકાસ ગામડાઓ સુધી પહોંચ્યો ન હોવાનો ફાયદો કોંગ્રેસ લેવા માગે છે.

કોંગ્રેસે ખેડૂતો માટે ઉઠાવ્યા મુદ્દા

  1. મુખ્ય માગ ચોમાસાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છને તાત્કાલિક અસરથી 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરો
  2. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ સામે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવું. 
  3. શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ હલ કરો

ચોમાસાના છૂટાછવાયા વરસાદ બાદ પાક નિષ્ફળ જતાં અને હવે શિયાળુ વાવેતર માટે પણ સિંચાઈનું પાણી કે વીજળી ન મળતા ખેડૂતોમાં સરકારની નીતિઓ સામે ભારોભાર રોષ જોવા મળ્યો, હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસે 2027ના ચૂંટણી સમીકરણો માટે મોરબી અને સૌરાષ્ટ્રની જ પસંદગી કેમ કરી?

રાજકીય પંડિતોનું માનવું છે કે મોરબી અને સૌરાષ્ટ્ર હંમેશાંથી ખેડૂત આંદોલનો અને રાજકીય પરિવર્તનનું કેન્દ્ર રહ્યા છે. 2027ની વિધાનસભા ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસે અત્યારથી જ ખેડૂતોના મુદ્દાઓને ઢાલ બનાવીને પ્રચારનો પાયો નાખી દીધો છે. ખેડૂતોની હાડમારી, પાણીની અછત અને વીજપોલના વળતર જેવા સંવેદનશીલ મુદ્દાઓને આગળ ધરીને કોંગ્રેસ ગ્રામીણ મતદારોને પોતાની તરફ આકર્ષવાનો મોટો દાવ ખેલી નાંખ્યો છે.

રણદીપ સૂરજેવાલાના આરોપ

એક તરફ કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને હથિયાર બનાવીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવી રહી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે મોરબીની આ સભાથી 2027ની રાજકીય ગરમાગર્મીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસનો આ 'ખેડૂત દાવ' 2027માં તેમને કેટલો રાજકીય ફાયદો અપાવે છે. 

મોરબીમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ સભામાં રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ખેડૂતોના દુશ્મન બીજા કોઈ નથી પરંતુ જેને વોટ આપીને અમદાવાદ અને દિલ્હીમાં સરકારમાં બેસાડ્યા છે તે છે. આપણે જેમને વોટ આપ્યાં એ આપણું શોષણ કરી રહ્યાં છે. 2022 માં ખેડૂતની આવક બમણી કરવાની વાત કરી હતી પણ આજે દેશનો ખેડૂત એક દિવસે 27 રૂપિયા કમાય છે. 

ઓછા વરસાદથી મગફળી, કપાસ વિગેરે પાકમાં નુકશાન થયું છે, અને સરકારી ગોડાઉનમાં વારંવાર આગ લાગે અને મગફળી બળી જાય છે પછી કમિશન બેસાડે છે પણ કોઈને વળતર આપવામાં આવતું નથી. સરકાર ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ભલે નાખે, પણ વીજળી ઉત્પાદનના નફામાં ખેડૂતોને પણ ભાગીદાર બનાવે.

ભાજપે કર્યો વળતો પ્રહાર

ગુજરાતના પ્રભારી રણદીપ સુરજેવાલાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નર્મદાના પાણી મુદ્દે કરાયેલા નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. નર્મદાના પાણી મુદ્દે બોલતા પહેલાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ સમજવો જોઈએ. એક સમયે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો પાણી માટે તરસતા હતા. 

નર્મદા ડેમની ઊંચાઈ વધારી ગુજરાતના તરસ્યા વિસ્તારો સુધી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના શાસનકાળમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછતની સ્થિતિ હતી. નર્મદા યોજનાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES