સુરત: ઓલપાડ ભાજપમાં આંતરિક ડખો! ધારાસભ્ય મુકેશ પટેલે જાહેર મંચ પરથી ઠાલવ્યો આક્રોશ
MLA Mukesh Patel : ઓલપાડના સાયણ ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન સમારોહમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષમાં ચાલતા અંદરોઅંદરના ડખાને લઈને જાહેર મંચ પરથી જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મુકેશ પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો લાગતો નથી'
MLA Mukesh Patel : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભાજપનો આંતરિક વિખવાદ હવે જાહેર મંચ સુધી પહોંચી ગયો છે. ઓલપાડના સાયણ ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથબંધી સામે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
'ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો લાગતો નથી'
સમારોહ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષના જ કેટલાક લોકોની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો લાગતો નથી." તેમના આ નિવેદનને પક્ષની અંદર ચાલી રહેલા મતભેદો સાથે જોડવામાં આવી રહ્યું છે.
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો
આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ બનતા અટકાવવા માટે અંદરોઅંદર ચિઠ્ઠી લખવામાં આવી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. આ મુદ્દાનો ઉલ્લેખ થતાં પક્ષની આંતરિક ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં સામે આવી હતી.
'પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ટૂંકી ન કરવી જોઈએ'
ધારાસભ્ય મુકેશ પટેલે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી. તેમણે કાર્યકરો અને આગેવાનોને મેસેજ આપતાં કહ્યું હતું કે, આ બધું હવે બંધ થવું જોઈએ. પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ટૂંકી ન કરવી જોઈએ.
તેમના આ નિવેદનથી ઓલપાડ ભાજપમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અંગે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને સંગઠનના હોદ્દાઓ અને સ્થાનિક નેતૃત્વને લઈને પક્ષના જ કાર્યકરો તથા આગેવાનો વચ્ચે મતભેદ હોવાની ચર્ચા તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પક્ષની અંદરથી જ જાહેર મંચ પર આ પ્રકારની નારાજગી વ્યક્ત થવી રાજકીય દૃષ્ટિએ ચર્ચાનો વિષય બની છે. હવે ઓલપાડ ભાજપના સ્થાનિક નેતાઓ આ મતભેદોનું નિરાકરણ લાવવા શું પગલાં ભરે છે અને સંગઠનમાં એકતા જાળવવા કેવા પ્રયાસો કરે છે તેના પર સૌની નજર રહેશે.