Dumas Sea Face Fee : સુરતના જાણીતા પર્યટન સ્થળ ડુમસ પર ફરવા જવું હવે મોંઘું પડશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ડુમસ સી ફેસ ખાતે મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી અને વાહનોના પાર્કિંગ ચાર્જ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયના પગલે હવે ડુમસ સી ફેસની મુલાકાતે આવતા લોકોએ પ્રવેશ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે.
નક્કી કરાયેલા દર મુજબ, 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ દીઠ રૂપિયા 20 પ્રવેશ ફી વસૂલવામાં આવશે. જ્યારે 3થી 12 વર્ષના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે રૂપિયા 10 ફી નક્કી કરવામાં આવી છે. જોકે, 3 વર્ષ સુધીનાં બાળકોને પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવશે.
પ્રવેશ ફીની સાથે વાહનોના પાર્કિંગ ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ફોર વ્હીલર માટે રૂપિયા 30, થ્રી વ્હીલર માટે રૂપિયા 25 અને ટુ વ્હીલર માટે રૂપિયા 10 પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે બસ અને અન્ય હેવી વાહનો માટે રૂપિયા 90 પાર્કિંગ ફી નક્કી કરાઈ છે. ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક વાહનો માટે પાર્કિંગ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે.
મનપા દ્વારા આ નિર્ણય પાછળ ડુમસ સી ફેસ ખાતે થતા વીજળી બિલ, લેન્ડસ્કેપિંગ અને અન્ય જાળવણીના ખર્ચને પહોંચી વળવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. પર્યટન સ્થળની સુવિધાઓ અને જાળવણી માટે જરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રવેશ ફી તથા પાર્કિંગ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ આ નિર્ણયને અંતિમ સ્વરૂપ મળવાનું બાકી છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ જ પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જની વસૂલાત શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે.
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે પણ નિર્ણય પાછળના કારણો અને મનપાની વ્યવસ્થા અંગે વિગતો આપી હતી. આમ, સામાન્ય સભાની અંતિમ મંજૂરી બાદ ડુમસ સી ફેસની મુલાકાતે આવતા શહેરીજનો અને પ્રવાસીઓએ પ્રવેશ તેમજ વાહન પાર્કિંગ માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.