SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નવસારીમાં અનોખી ભક્તિ: આનંદ ભુવનની ચાલમાં 'બાળ ગણેશ'ને ધરાવાયો 45 કિલો મોહનથાળથી ભરેલો 75 કિલોનો મહાકાય સમોસો

Navsari News: કહેવાય છે કે, શ્રદ્ધા જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે ભક્તિનું રૂપ ધારણ કરે છે... પણ શ્રદ્ધા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે તે એક ઈતિહાસ રચે છે! ગણેશોત્સવ એટલે માત્ર ઉત્સવ નહીં, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના દિલથી દિલના જોડાણનું પર્વ. સામાન્ય રીતે આપણે બાપાના ચરણોમાં મોદક, ચૂરમા કે 56 ભોગ ધરાવાતા જોયા છે... પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, 75 કિલોના વિશાળકાય સમોસામાં જો 45 કિલો શુદ્ધ મોહનથાળ ભરીને દુંદાળા દેવને અર્પણ કરવામાં આવે, તો એ આસ્થાનું રૂપ કેવું હોય? નવસારીના જલાલપુરમાં આવેલી 'આનંદ ભુવનની ચાલ'માં શ્રી બાળ ગણેશ મંડળના 75મા અમૃત મહોત્સવે કંઈક આવો જ ચમત્કારિક અને આશ્ચર્યજનક પ્રસંગ આકાર પામ્યો છે.

Written By Kinjal Patel
Published: Sep 23, 2026, 01:21 PM IST | Updated: Sep 25, 2026, 12:15 PM IST
Join

Navsari News: નવસારીના જલાલપોર સ્થિત આનંદ ભુવનની ચાલ...એક એવી જગ્યા જ્યાં છેલ્લા સાત દાયકાથી ગણેશ ભક્તિની જ્યોત અખંડ પ્રજ્વલિત છે. આ વર્ષે મંડળ પોતાની સ્થાપનાનું 75મું અમૃત વર્ષ ઉજવી રહ્યું છે. આ નિમિત્તે પંડાળને દક્ષિણ ભારતના પાવન ધામ શ્રી વેંકટેશ સ્વામીની લીલાઓથી સજાવવામાં આવ્યો છે અને સ્વયં વિઘ્નહર્તા પણ વેંકટેશ સ્વામીના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન થયા છે. આ પાવન અવસરે, બાપાના અનન્ય શ્રદ્ધાળુ એવા પાંડે ભાઈઓ, સુરેશ પાંડે અને લક્ષ્મીકાંત પાંડેએ પોતાના ઈષ્ટદેવના ચરણોમાં એક અનોખો સંકલ્પ અર્પણ કર્યો. નવસારીના મેયર અશોક ધોરાજીયા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.કે. રાયની ગરિમામય ઉપસ્થિતિમાં જ્યારે દાદાની ભવ્ય આરતી ઉતારવામાં આવી, ત્યારે 75 કિલોનો આ મહાકાય સમોસો બાપાના શ્રીચરણોમાં 'આનંદ ભુવન ચા મહારાજા'ને ધરાવવામાં આવ્યો હતો

"વિઘ્ન આવે તો પણ જેનો માર્ગ ન બદલાય, એનું નામ શ્રદ્ધા... અને એ જ શ્રદ્ધા જ્યારે કડાઈમાં ઊતરે, ત્યારે પ્રસાદ પણ અમૃત બની જાય!" 11 કિલોથી શરુ થયેલી આ ભક્તિયાત્રા આજે 75 કિલોના સમોસા સુધી પહોંચી છે. પરંતુ આ પ્રસાદ પાછળનું સત્ય અને સમર્પણ કંપાવી દે તેવું છે. આ કોઈ સામાન્ય સમોસું નહોતું! આ સમોસાના પડામાં બટાકા કે વટાણાનો માવો નહીં, પણ ભરાયો હતો 45 કિલો શુદ્ધ, મોહનથાળ! 30 કિલો મેંદાના લોટના પડને વણીને આ સમોસું તૈયાર કરવા માટે પાંડે ભાઈઓએ સતત 10 થી 12 કલાક સુધી અથાક સાધના કરી હતી. બનાવટ દરમિયાન એક તબક્કે મેંદાનું પડ ફાટી ગયું, મોહનથાળ બહાર કાઢવો પડ્યો... પણ 'વિઘ્નહર્તા' પરનો વિશ્વાસ ડગ્યો નહીં!

બીજી વારના પ્રયાસમાં બાપાની કૃપાથી 22 તેલના ડબ્બા એટલે કે 300 લીટરથી વધુ ઉકળતા તેલમાં આ મહાસમોસો તળાઈને તૈયાર થયો. સમોસામાં મોહનથાળ ભરવા પાછળનો હેતુ માત્ર સ્વાદ નહોતો, પરંતુ એ ભાવ હતો કે આ પાવન પ્રસાદ બે થી ત્રણ દિવસ સુધી ખરાબ ન થાય અને હજારો ભક્તો દાદાના મોહનથાળ રૂપી આશીર્વાદ મેળવી શકે. પરંપરાઓ તો ઘણી હોય છે. પણ જ્યારે પરંપરામાં ભક્તિ અને ભાવનો રસ ભળે છે. ત્યારે તે યુગો સુધી યાદ રહી જાય છે. પાંડે ભાઈઓનો આ 75 કિલોનો મોહનથાળ સમોસો માત્ર એક પ્રસાદ નથી, પરંતુ ઈશ્વર પ્રત્યેના અવિચળ સમર્પણનું પ્રતીક છે... જે સાબિત કરે છે કે બાપાના દરબારમાં શ્રદ્ધાનું વજન જ સૌથી મોટું હોય છે!

Add Zee News as a Preferred Source

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES