બનાસકાંઠાના ભાગળ ગામમાં બોલાચાલી બાદ ટોળાનો પરિવાર પર હુમલો; 6થી વધુ ઈજાગ્રસ્ત, 11ની ધરપકડ
બનાસકાંઠા જિલ્લાના ભાગળ ગામમાં એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ઘરમાં ઘૂસીને પરિવાર પર લાકડીઓ, દંડાથી હુમલો કરી માર મારવામાં આવ્યો છે. આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કાર્યવાહી કરી 11 લોકોની ધરપકડ કરી છે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે... બનાસકાંઠાના ભાગળ ગામમાં સામાન્ય બોલાચાલીએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે એક પરિવાર પર ટોળાએ હુમલો કરી દીધો... ઘરમાં ઘૂસીને મહિલાઓ અને પરિવારના સભ્યો પર લાકડીઓ, દંડા અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો... નવજાત બાળક પણ ઘરમાં હાજર હતું... ઘટનામાં છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે... સવાલ એ છે કે આખરે કાયદાનો ડર ક્યાં ગયો?
સામાન્ય બોલાચાલી બાદ ટોળું ઉશ્કેરાયું અને એક પરિવાર પર તૂટી પડ્યું. પીડિત પરિવારનો આરોપ છે કે, ઘરની અંદર સુધી ઘૂસીને થપ્પડો મારી, દંડા વરસાવ્યા અને પથ્થરોના ઘા કર્યા. ઘરમાં મહિલાઓ હતી, નવજાત શિશુ પણ હતું... છતાં હુમલાખોરો અટક્યા નહીં...
સદનસીબે નવજાત બાળક સુરક્ષિત છે. પરંતુ તેના પિતા, દાદા અને કાકા સહિત છથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારમાં ડર એટલો છે કે ઘરની બહાર નીકળતાં પણ ખચકાય છે. મહિલાઓ કહે છે, હવે ગામમાં રહેતાં પણ બીક લાગે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો. તેર નામજોગ અને સાત અજાણ્યા, એમ કુલ વીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અગિયારની ધરપકડ થઈ છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે..તથા ગામમાં સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ 1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો
13 સામે નામજોગ, 7 અજાણ્યા મળી કુલ 20 સામે ફરિયાદ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પીડિત પરિવાર અને કેટલાક ગ્રામજનોનો દાવો છે કે આરોપી પક્ષે અગાઉ પણ મારામારી કરી હતી. ત્યારે સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો તેના પર કાયમી રોક ક્યારે લાગશે?...
વારંવાર ઘટનાઓ બનતી હોય તો તેના પર કાયમી રોક ક્યારે?
એક તરફ પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે... તો બીજી તરફ ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની જવાબદારી પણ વધી ગઈ છે...કાયદો કોઈના હાથમાં નથી... અને ટોળાશાહીને કોઈ સ્થાન નથી... ભાગળની આ ઘટનામાં દોષિતો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થાય તે જ પીડિત પરિવારની ન્યાયની અપેક્ષા છે.