માયાભાઈ આહીરના પુત્રની જમીનને લઈને વિવાદ! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ
Mayabhai Ahir Land Case : સૌરાષ્ટ્રના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે માયાભાઈ આહીરના પુત્ર ભરત ભમર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Mayabhai Ahir Land Case : અમરેલી જિલ્લામાં જમીન પચાવી પાડવાની એક મોટી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્રના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની અંદાજે 4 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
4 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામ નજીક આવેલી જમીનને લઈને આ વિવાદ સામે આવ્યો છે. સર્વે નંબર 116 પૈકીની અને નંબર 537 તરીકે દર્શાવેલી અંદાજે 4 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
દાહોદના કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પણ પથ્થરમારો
માયાભાઈ આહીરના પુત્રએ નોંધાવી ફરિયાદ
આ મામલે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના રહેવાસી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર ભરત માયાભાઈ ભમર (આહીર) દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં આરોપી તરીકે જેતુ વીરા ધાખડાનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, વર્ષ 2024થી આરોપીએ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. પોતાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે ભરત ભમરે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
ફરિયાદના આધારે રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, 2020ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં જમીનના માલિકી હક્ક, કબજાની સ્થિતિ અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત સામે આવશે.