SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

PM Mudra Yojana News: ગુજરાતના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી દર્શાવતો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)નો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટમાં એક નવો ધડાકો થયો છે, એક તરફ ગુજરાતની બેન્ક ડિપોઝિટ અને NRI થાપણોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે, તો બીજી તરફ સરકારી યોજનાઓ હેઠળ અપાયેલી લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)નું વધતું પ્રમાણ અને ખેડૂતોને અપાતા ધિરાણમાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે.

Written By Kinjal Patel
Published: Nov 26, 2026, 11:49 IST | Updated: Nov 26, 2026, 12:13 IST
Join

PM Mudra Yojana News: ગુજરાતમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) હેઠળ આપવામાં આવેલી લોનમાંથી 1500 કરોડ રૂપિયાની લોન નોન પર્ફોર્મિંગ એસેટ થઈ ગઈ છે. SILBCના રિપોર્ટ મુજબ, આ રકમ ગુજરાતભરના 2.69 લાખ બેક એકાઉન્ટ ધારકોની છે. સરકારની આ યોજનામાં 50 હજારથી લઇ રૂ.20 લાખની લોન અપાય છે. બીજી બાજુ ગુજરાતમાં બેંકોમાં NRIને રસ પડ્યો હોય એમ ગુજરાતમાં બેન્ક ડિપોઝિટ 16 લાખ કરોડને પાર થઈ છે. રિપોર્ટની માનીએ તો છેલ્લા છ મહિનામાં 12,238 કરોડની પર્સનલ લોન લેવામાં આવી છે. એટલે કે મહિનામાં સરેરાશ 55 હજાર લોકો 2 હજાર કરોડની પર્સનલ લોન લે છે.

મુદ્રા યોજના અને મહિલા જૂથોની લોનમાં NPAનું ભારણ

નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ગુજરાતમાં 50 હજારથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જોકે, SLBCના આંકડા મુજબ રાજ્યના 2.69 લાખ ખાતાધારકોની અંદાજે ₹1,500 કરોડની મુદ્રા લોન NPA થઈ ગઈ છે. આ ઉપરાંત, નેશનલ રૂરલ લાઇવલીહુડ્સ મિશન (NRLM) બેન્ક લિન્કેજ હેઠળ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપને ગેરંટી વિના અપાતી લોનમાં પણ મોટું ગાબડું પડ્યું છે.

રાજ્યના 5,580 ખાતાઓમાં 4,592 કરોડની લોન ડૂબત (NPA) જાહેર થઈ છે, જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 426 કરોડ અને નવસારીમાં 323 કરોડની લોન બાકી છે. બીજી તરફ, નાણાકીય સમાવેશકતા હેઠળ ખોલાયેલા 14.57 લાખ જનધન ખાતાઓમાં હજુ પણ બેલેન્સ 'શૂન્ય' બોલી રહ્યું છે.

છેલ્લા છ મહિનામાં ગુજરાતીઓએ 12,238 કરોડની પર્સનલ લોન લીધી

રાજ્યના નાગરિકોમાં અંગત જરૂરિયાતો માટે લોન લેવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતીઓએ 12,238 કરોડની પર્સનલ લોન લીધી છે. સરેરાશ જોઈએ તો દર મહિને અંદાજે 55 હજાર લોકો ₹2,040 કરોડની પર્સનલ લોન મેળવી રહ્યા છે.

બેન્ક ડિપોઝિટ અને NRI થાપણોમાં રેકોર્ડબ્રેક ઉછાળો

ગુજરાતની આર્થિક સમૃદ્ધિનો પુરાવો આપતા આંકડા મુજબ, રાજ્યમાં કુલ બેન્ક ડિપોઝિટ પ્રથમ વખત ₹16 લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે. ખાસ કરીને NRIનો ગુજરાતની બેન્કો પરનો વિશ્વાસ વધ્યો છે. જૂન 2026માં 1.22 લાખ કરોડ રહેલી NRI ડિપોઝિટ માત્ર ચાર મહિનામાં 43% (₹53 હજાર કરોડ) વધીને સપ્ટેમ્બરમાં ₹1.75 લાખ કરોડને પાર પહોંચી છે. અમદાવાદમાં NRI ડિપોઝિટ ₹27 હજાર કરોડથી લગભગ બમણી થઈને ₹52 હજાર કરોડ થઈ છે. સુરતમાં 67%ના વધારા સાથે ₹15 હજાર કરોડ, વડોદરામાં 36% વધીને ₹26 હજાર કરોડ અને રાજકોટમાં 54% વધીને ₹14 હજાર કરોડ નોંધાઈ છે.

ખેડૂતોને ઓછી, ઉદ્યોગોને બમણી લોન... 

બેન્કો દ્વારા અપાતા ધિરાણમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે મોટી અસમાનતા જોવા મળી છે. નિયમ મુજબ કુલ લોનમાંથી 18% ખેતી ક્ષેત્રે અને 10% નાના તથા સીમાંત ખેડૂતોને આપવાનો બેન્ચમાર્ક છે, પરંતુ તેની સામે ખેતી ક્ષેત્રે માત્ર 13.51% અને નાના ખેડૂતોને 6.42% જ લોન મળી છે.

આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની સંખ્યામાં 2.20 લાખનો ઘટાડો થયો છે. ખાનગી બેન્કો ખેતી ક્ષેત્રે ધિરાણ આપવામાં ઘણી પાછળ રહી છે, જ્યારે ગ્રામીણ બેન્કો ખેડૂતોને ટેકો આપી રહી છે. તેનાથી વિપરીત, માઇક્રો એન્ટરપ્રાઇઝ (નાના ઉદ્યોગો) માટે 7.5%ના બેન્ચમાર્ક સામે બેન્કોએ બમણી એટલે કે 15.99% લોન ફાળવી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES