SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કચ્છમાં માલધારી બની પોલીસનું 'ઓપરેશન ખોજ', જંગલમાં છુપાયેલા બુટલેગરને ઝડપી પાડ્યો

ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે પોલીસની નજરથી ગમે તેટલો દૂર કેમ ન ભાગી જાય પણ જ્યારે ખાખી પોતાની અસલી તાકાત પર આવે છે, ત્યારે ગુનેગાર ગમે તે પાતાળમાં છુપાયો હોય, તેને શોધી જ કાઢે છે. કચ્છના આવા જ એક ભેદી અને ડુંગરાળ વિસ્તારના જંગલોમાંથી 6 વર્ષથી મોસ્ટ વોન્ટેડ શખ્સને ઝડપી પાડ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Sep 28, 2026, 08:10 PM IST | Updated: Sep 28, 2026, 08:16 PM IST
Join

રાજેન્દ્ર ઠક્કર,કચ્છ : દારૂની હેરાફેરી કરીને પોલીસને હાથતાળી આપતા પશ્ચિમ કચ્છના લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાના ગુનાહિત સામ્રાજ્યનો આખરે અંત આવ્યો છે. છેલ્લા 6 વર્ષથી પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓમાં નાસતા ફરતા આ આરોપીને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ LCB પોલીસે 'ઓપરેશન ખોજ' હાથ ધર્યું હતું. LCBની ટીમે માલધારીઓનો વેશ ધારણ કર્યો હતો જેથી આરોપીને સહેજ પણ શંકા ન જાય. પોલીસની ટીમે સતત 15 દિવસ સુધી જંગલોમાં વોચ ગોઠવી.

આરોપી સતત લોકેશન બદલતો હતો

શાતિર આરોપી પોલીસથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલતો રહેતો હતો અને જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને નેટવર્ક ઓપરેટ કરતો હતો. એલસીબીના જવાનો માલધારીના વેશમાં જંગલ ખૂંદી રહ્યા હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી જંગલ વિસ્તારના એક ખેતરમાં હાજર છે. પોલીસે મોકો જોઈને ત્રાટકતા, ખેતરમાં આરામથી સુઈ રહેલા રાસુભા સોઢાને દબોચી લીધો હતો. પોલીસને જોઈને મોસ્ટ વોન્ટેડ બુટલેગર પણ સ્તબ્ધ થઈ ગયો હતો.

દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

ઝડપાયેલો આરોપી રાસુભા કોઈ નાનો-મોટો ગુનેગાર નથી, પરંતુ કચ્છમાં દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે. તે છેલ્લા 12 વર્ષથી દારૂનું મસમોટું નેટવર્ક ચલાવતો હતો. આરોપી સામે પશ્ચિમ કચ્છના નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, પધ્ધર, દયાપર, નારાયણ સરોવર, પ્રાગપર, અંજાર, ભચાઉ અને વાયોર સહિતના વિવિધ પોલીસ મથકોમાં કુલ 37 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જેમાંથી 9 ગંભીર ગુનાઓમાં તે છેલ્લા 6 વર્ષથી મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો હતો.

છેલ્લા 6-6 વર્ષથી કાયદાના સકંજાથી દૂર ભાગતા આ લિસ્ટેડ બુટલેગરને પકડીને પશ્ચિમ કચ્છ પોલીસે મોટી સફળતા મેળવી છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ કરોડોના દારૂના નેટવર્કમાં તેની સાથે અન્ય કેટલા શખ્સો અને મોટા માથાઓ સંડોવાયેલા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

દારૂના નેટવર્ક પર પોલીસનો પ્રચંડ પ્રહાર

આરોપી રાસુભા સોઢાની ધરપકડ એ માત્ર એક ગુનેગારની ધરપકડ નથી, પરંતુ કચ્છ સરહદે ચાલતા ગેરકાયદેસર દારૂના નેટવર્ક પર પોલીસનો પ્રચંડ પ્રહાર છે. આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગુનેગાર ગમે તેટલો શાતિર હોય અને ગમે ત્યાં છુપાયો હોય, કાયદાના લાંબા હાથથી તે બચી શકશે નહીં. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ પૂછપરછમાં આ બુટલેગર કયા-કયા મોટા ગજાના માથાઓના નામ ઓકશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES