પબુભાની માત્ર લાગણી હતી કે 2027 પહેલાંનું રાજકીય દબાણ? કોળી સમાજના CMના નિવેદનથી રાજકારણમાં ભૂકંપ
ગુજરાતના રાજકારણમાં અત્યારે 'બિનરાજકીય'ના નામે 'રાજકીય' ખેલ શરૂ થઈ ગયો છે. 2027ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ કોળી સમાજના મંચ પરથી હવે સીધા મુખ્યમંત્રી પદની માંગણીઓ ઉઠવા લાગી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે એક એવું નિવેદન ફેંક્યું છે જેણે ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. કોણ સાચું, કોણ ચૂપ અને કોણ નારાજ? તેના વિશે આ લેખમાં જાણીશું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં છે, પરંતુ રાજકીય ગણિત અત્યારથી જ શરૂ થયું છે. ગુજરાતમાં કોળી સમાજના નેતાઓનાં નિવેદનો એક પછી એક સામે આવી રહ્યા છે. ક્યારેક કુંવરજી બાવળિયાના રાજકીય ભવિષ્યની વાત, તો ક્યારેક તળાજા બેઠક પર દિવ્યેશ સોલંકીની ટિકિટનો દાવો અને હવે દ્વારકાથી ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે એવો ધડાકો કર્યો કે ભલભલા નેતાઓ ચોંકી ગયા.
મુખ્યમંત્રી પદ કોળી સમાજ પાસે હોવું જોઈએ': પાટીદારોના દબદબા વચ્ચે ભાજપના જ ધારાસભ્યે નવો પલિતો ચાંપ્યો, જાણો શું છે વિવાદ
પબુભાની માત્ર લાગણી હતી કે પછી 2027 પહેલાનું કોઈ મોટું દબાણ?
દ્વારકામાં કોળી સમાજના કાર્યક્રમમાં ભાજપના જ ધારાસભ્ય પબુભા માણેકે આપેલા કોળી મુખ્યમંત્રીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પહેલા જ 'પાવર પોલિટિક્સ' શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અહીં સવાલ એ છે કે, આ માત્ર પબુભાની લાગણી હતી કે પછી 2027 પહેલાનું કોઈ મોટું રાજકીય દબાણ?
જ્ઞાતિના આધારે CMની વાત ન હોવી જોઈએ: દિનેશ બાંભણિયા
પબુભાના આ નિવેદનથી સૌથી વધુ અસહજ સ્થિતિ સ્ટેજ પર બેઠેલા ભાજપના જ ધારાસભ્ય હીરા સોલંકીની થઈ. ડેમેજ કંટ્રોલ કરતા હીરા સોલંકીએ તરત જ પબુભાના નિવેદનથી છેડો ફાડ્યો અને તેને વ્યક્તિગત વિચાર ગણાવી દીધો.
બીજી તરફ, પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આ મામલે સીધો વિરોધ નોંધાવતા કહ્યું કે જ્ઞાતિના આધારે CMની વાત ન હોવી જોઈએ, તેનાથી સામાજિક વિખવાદ વધે છે.
કુંવરજી બાવળિયાનું મૌન
સૌથી મોટું સસ્પેન્સ તો ત્યારે સર્જાયું જ્યારે ખુદ કોળી સમાજના દિગ્ગજ નેતા અને મંત્રી કુંવરજી બાવળિયાને આ અંગે પૂછાયું તો તેમણે જવાબ આપવાને બદલે 'નો કમેન્ટ' કહીને ચાલતી પકડી.
કુંવરજીનું મૌન, હીરા સોલંકીની સ્પષ્ટતા અને પબુભાનો હુંકાર ગુજરાતની અનેક બેઠકો પર નિર્ણાયક ગણાતા કોળી મતદારોને રીઝવવાની આ કવાયત 2027માં કયો નવો વળાંક લાવે છે અને કોળી સમાજની દાવેદારીને રાજકીય પક્ષો કેટલું મહત્વ આપે છે તેના પર સૌની નજર છે.