જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે 1-1 કિલોમીટર લાંબી કતારો
આજે શંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વીરપુરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વીરપુર જલારામ મંદિરમાં ભક્તો સરળતાથી દર્શન કરી પ્રસાદ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના જીવનમંત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 227મી જન્મજયંતિ છે. બાપાની જન્મભૂમિ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે. પ્રથમ આરતીનો લાભ લેવા સાથે દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
વીરપુરમાં દિવાળી જેવો માહોલ
જલારામ જયંતિના પાવન અવસરે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા બાપાની સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. વીરપુરવાસીઓ દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે. દરવાજે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે અને ઘરો પર અને ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણમાં PM મોદીને શેનો ડર? સરકાર-સંગઠનને માપમાં રહેવાનો સંદેશ આપ્યો
ભવ્ય શોભાયાત્રાનું આયોજન
શહેરના મુખ્ય માર્ગો અને અલગ-અલગ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. જન્મજયંતિના અવસરે બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે,સાથે વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે 227 કિલો બુંદીના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવશે. સાથે જ જલારામ બાપાની જન્મજયંતિની ખુશીમાં કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે.
વીરપુરમાં લાખો ભક્તો ઉમટી પડ્યા
26 વર્ષથી જલારામ બાપાના મંદિરે એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી. છેલ્લા 200 વર્ષ કરતા વધુ સમયથી અવિરત પ્રમાણે અન્નક્ષેત્ર શરૂ છે. તેમજ સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સાથે સમગ્ર વીરપુર નગરી જલારામમય બની છે અને દેશ-વિદેશના લાખો ભક્તોની હાજરીથી વીરપુરમાં ભક્તિમય માહોલ છવાયો છે.