SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાબરકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત: અંબાજીથી પરત ફરતા 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, અકસ્માતો રોકવા નવી ટ્રાફિક વ્યવસ્થા

Sabarkantha News: ફરી એકવાર ઈડર તાલુકાના મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. અંબાજીથી પરત ફરી રહેલા પદયાત્રીઓ છકડામાં સવાર હતા. તેઓ માતાના દર્શન કરીને અંબાજીથી પરત દાહોદ-લુણાવાડા તરફ વતન જઈ રહ્યા હતા. ત્યાં ખાનગી કારે છકડાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Written By Kinjal Patel
Published: Sep 23, 2026, 10:01 AM IST | Updated: Sep 23, 2026, 10:08 AM IST
Join

Sabarkantha News: હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાં મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને વતન દાહોદ અને લુણાવાડા પરત ફરી રહેલા પદયાત્રીઓ છકડામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણી ખાનગી કારના ચાલકે વાહનને બેફામ હંકારી છકડાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર વાગતા જ છકડો ફંગોળાઈને બાજુના ખાડામાં પલટી ખાઈ ગયો હતો. ઘટના બાદ કાર ચાલક ઊભા રહેવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં ભોગ બનેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાઈ
આ અકસ્માતમાં છકડામાં સવાર 8 જેટલા પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ 8 ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પદયાત્રીઓની સુરક્ષા સામે ઊભા થયા ગંભીર સવાલ
ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર ઉભરાઈ રહ્યું છે, ત્યારે રોડ પર બેફામ વાહનચાલનના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, જે અંબાજી જતા અને ત્યાંથી પરત ફરતા લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. અગાઉ પણ હિંમતનગર-ઇડર રોડ પર એક જ વાહને 12 જેટલા પદયાત્રીઓને કચડી નાખ્યા હોવાની ગોઝારી ઘટના બની ચૂકી છે. સાબરકાંઠામાં બનેલી આ વધુ એક અકસ્માતની ઘટનાએ વહીવટીતંત્ર અને વાહનચાલકોની બેદરકારીની પોલ ખોલી છે.

અકસ્માતોની વણથંભી વણઝાર રોકવા નવી ટ્રાફિક વ્યવસ્થા
હિંમતનગર-ઇડર રોડ પર એક જ વાહને 12 જેટલા પદયાત્રીઓને કચડી નાખવાની ગંભીર ઘટના બાદ બનાસકાંઠા પોલીસ પૂરી રીતે સતર્ક બની છે. મેળા દરમિયાન આવી કોઈ દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે પદયાત્રીઓ માત્ર ડાબી બાજુ જ ચાલશે, જ્યારે પાસ-પરમિટ વાળા અને સરકારી વાહનોએ જમણી બાજુ ચાલવાનું રહેશે.

જો કાયદા વિરુદ્ધ જઈને કોઈ પણ વાહન ડાબી બાજુ ચાલશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેળામાં આવતા લાખો પદયાત્રીઓની સુરક્ષા માટે અસામાજિક તત્વો પર પોલીસનું 'ત્રીજું નેત્ર' એટલે સીસીટીવી નેટવર્ક સતત કામ કરી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES