ગાંધીનગરના કાવાદાવા : ગુજરાતના રાજકારણમાં PM મોદીને શેનો ડર? સરકાર-સંગઠનને માપમાં રહેવાનો સંદેશ આપ્યો
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
ગુજરાતના રાજકારણમાં પ્રધાનમંત્રી મોદીને શેનો ડર?
ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા 30 વર્ષથી એકહથ્થુ શાસન ચાલે છે. જો કે 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોઈ ડર હોય એ પ્રમાણે ફોકસ વધાર્યું છે. પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાતો સતત વધી રહી છે. સરકાર અને સંગઠન સાથે બેઠકો પણ વધી છે. 13 નવેમ્બરે ડિનર ડિપ્લોમસી પણ પ્રધાનમંત્રીએ કરી. પ્રધાનમંત્રીએ ભૂતકાળ પણ આ ભોજન સમારંભમાં યાદ કર્યો. રાજકીય પંડિતોના મત પ્રમાણે પ્રધાનમંત્રીને ગુજરાતના રાજકારણનો ભૂતકાળ જ હવે સતાવી રહ્યો છે. ગુજરાતમાં ઇતિહાસનું પુનરાવર્તન ન થાય એ દિશામાં પ્રધાનમંત્રીએ કામગીરી શરૂ કરી છે. ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં 1985 નું વર્ષ કોંગ્રેસ માટે ઐતિહાસિક હતું. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 149 બેઠકો મેળવી રેકોર્ડ કર્યો હતો. જે રેકોર્ડ 2021મા ભાજપે તોડી ઇતિહાસ બનાવ્યો. હવે 2027 ની વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે. ભૂતકાળમાં કોંગ્રેસે 149 બેઠકોનું રેકોર્ડ બનાવ્યો, ત્યાર બાદના 1990 ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો અને માત્ર 33 બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ હતી. આ જ ભૂતકાળ ભાજપની સામે ન આવે તેની ચિંતા પ્રધાનમંત્રી મોદી અને ચાણક્ય ગણાતા અમિત શાહની હશે. તેના જ કારણે ગુજરાતના રાજકારણ ઉપર ફોકસ બંને નેતાઓએ વધાર્યું છે. 1985 માં ભાજપને માત્ર 11 બેઠક મળી હતી. આ વખતે કોંગ્રેસ પાસે માત્ર 12 બેઠક છે. 1990 માં ભાજપની 11 બેઠકોમાંથી 67 બેઠકો થઈ. ગુજરાતની સત્તામાં પહેલીવાર ભાગીદાર બની હતી. જનતા દળ 70 બેઠકો મેળવતા કોંગ્રેસને 116 બેઠકોનું સીધું નુકસાન થયું હતું, ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું. ભાજપનો સુવર્ણકાળ શરૂ થયો. તે આજે પણ ચાલે છે. ગુજરાતના રાજકારણનો ઈતિહાસ ફરી સામે ન આવે એટલે જ પ્રધાનમંત્રીએ આદિવાસી મતદારો પ્રભાવિત 55 વિધાનસભા બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર અને સંગઠનને મિશન આપ્યું છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પગ પેસારો ભાજપ માટે ચિંતાનું કારણ બન્યો છે. આ જ રીતે Gen-Z મતદારોનો એક નવો સમાજ ભાજપ સામે ઉભો થઈ રહ્યો હોવાનો અહેસાસ ભાજપને થઈ રહ્યો છે. હવે જોવાનું એ છે કે ભાજપ ગુજરાતના રાજકીય ઈતિહાસનું પુર્નાવતન અટકાવી પરિવર્તન કરી શકે છે કે કેમ?
સરકાર અને સંગઠનને માપમાં રહેવાનો સંદેશ મોદીએ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાત અનેક પ્રકારે મહત્વની બની. સરકાર અને સંગઠનને બિટવીન લાઈન સંદેશો પ્રધાનમંત્રીએ આપી દીધો. અમદાવાદ એરપોર્ટ પર આવકારવાથી માંડીને વિદાય સમયે અને ડિનરમાં ભાજપના જુના જોગીઓને હાજર રાખવાની સૂચના પ્રધાનમંત્રીએ જ આપી. જુના નેતાઓને પ્રધાનમંત્રીએ યાદ કરીને સંદેશો આપ્યો કે, ભાજપમાં હજુ તમારું એટલું જ મહત્વ છે. જ્યારે વર્તમાન સરકાર અને સંગઠનમાં બેઠેલા નેતાઓને પણ સંદેશ આપ્યો કે કામ કરો નહીં તો તમારા સિનિયર નેતાઓ હજુ રાજકારણમાં સક્રિય છે. પ્રધાનમંત્રીની ‘નો રિપીટ થિયરી’ને કારણે ભોગ બનેલા નેતાઓને ખાસ યાદ કર્યા. આ નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ ભૂતકાળ યાદ કરી નવો જોમ અને જુસ્સો ભર્યો. સરકાર અને સંગઠનના વર્તમાન નેતાઓને ‘જુના નેતાઓની સ્થિતિમાં ન આલવું હોય તો કામ કરો, નહીં તો તમે પણ ભૂતકાળ થશો’ તેવો સંદેશો આપ્યો.
મોદીને મળવા એક પૂર્વ મંત્રીએ ઈન્કાર કર્યો, તો બીજા બોલાયા વગર દોડી આવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાદ કરે એટલે ભાજપના કોઈપણ નેતા ગમે ત્યાંથી બધું કામ છોડી હાજર થઈ જાય. જોકે આ વખતે ગુજરાત મુલાકાત વખતે પ્રધાનમંત્રીએ એક પૂર્વ મંત્રીને એરપોર્ટ આવકારવા બોલાવ્યા હતા. જોકે આ પૂર્વ મંત્રી નહીં આવી શકે તેવો સંદેશ આપી દેવામાં આવ્યો. ભાજપના નેતાઓને પણ આશ્ચર્ય થયું કે પ્રધાનમંત્ ને એક મિનિટ મળવા નેતાઓ પડાપડી કરે છે ત્યારે આ પૂર્વ મંત્રીએ મળવાનો ઈન્કાર કેમ કર્યો. કેટલાક નેતાઓએ તપાસ પણ કરી ત્યારે ખબર પડી કે આ પૂર્વ મંત્રી ગુજરાત બહાર હોવાના કારણે પ્રધાનમંત્ ને મળવાની તક ચૂક્યા છે. આનાથી બિલકુલ વિરુદ્ધ ઘટના પણ બની. એક સમયે નરેન્દ્ર મોદીના ખુબ અંગત ગણાતા પૂર્વ મંત્રી બોલાવ્યા વગર પણ મળવા માટે પહોંચી ગયા હોવાની જાણકારી મળી. આ પૂર્વ મંત્રી અલગ કારણ આપી પહોંચ્યા. જો કે પ્રધાનમંત્ ની ઈચ્છા વિરુદ્ધ કોઈ મળી શકતું નથી. તેનો અહેસાસ આ પૂર્વ મંત્રીને પણ થયો. પ્રધાનમંત્ ને મળ્યા વગર જ તેમને પાછા ફરવાનો વારો આવ્યો. કદાચ આ પૂર્વ મંત્રીને હવે ખ્યાલ આવ્યો હશે કે તેઓ મોદીજીના અંગત લિસ્ટમાં રહ્યા નથી.
IAS લોબીમાં નારાજગી, કેપ્ટને જ વારો પાડ્યો
રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ તરફ કેટલાક સિનિયર આઈએએસ અધિકારીઓ નારાજ હોવાની વાત ચર્ચા રહી છે. વહીવટી પાંખના કેપ્ટન એમ. કે. દાસ હવે પોતાના સહ આઇએએસ અધિકારીઓ પાસે કડક હાથે કામગીરી લઈ રહ્યા છે. અનેક મુદ્દાઓ ઉપર મુખ્ય સચિવ રીતસરના ક્લાસ લેતા હોય તે રીતે અધિકારીઓની ભૂલો કાઢી રહ્યા છે. કેપ્ટનનો ઉદ્દેશ સારો છે. અત્યાર સુધી આ સરકારી બાબુઓ આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો વિકાસ બતાવતા હતા. હવે કેપ્ટન આ આંકડાઓ કાગળ ઉપરથી વાસ્તવિક ચિત્ર તરફ લઈ જવાનો આગ્રહ રાખી રહ્યા છે. તેના કારણે માત્ર કાગળ ઉપર જ ગુજરાતનો વિકાસ બતાવતા અધિકારીઓની મુશ્કેલી વધી છે. મુખ્ય સચિવ પણ એકવાર ટકોર કર્યા બાદ તે કામગીરીનું ફોલોઅપ સતત લેતા હોવાથી આ આઈએએસ અધિકારીઓ અકળાયા હોવાની જાણકારી મળી રહી છે. મુખ્ય સચિવે પણ સરકારી યોજનાના લાભાર્થીઓ કાગળ ઉપર જ નહીં પણ જમીન ઉપર દેખાય તેવી કામગીરી કરવી પડશે તેવો અહેસાસ કરાવી દીધો છે.
એક IPS અધિકારીની ટેવના કારણે ટેન્ડર બહારની ખરીદી
ગાંધીનગર-અમદાવાદમાં પોલીસ વિભાગ અંતર્ગત અનેક પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. અમદાવાદમાં એક પ્રોજેક્ટમાં તેની નિયત સમય મર્યાદા કરતા વધારે વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં વિલંબ થવા પાછળનું કારણ એક IPS અધિકારીની ટેવ હોવાનું જાણવા મળ્યું છે. આ IPS અધિકારી અંતર્ગત આવતા પ્રોજેક્ટનું ટેન્ડર અને કામગીરીમાં તફાવત જોવા મળે છે. ટેન્ડરમાં જે વસ્તુઓ મંજૂર થઈ હોય તે સિવાયની વસ્તુઓ જ નાંખવાનો આગ્રહ આ IPS અધિકારી રાખી રહ્યા છે. તેના કારણે દરેક નવી આઈટમ વખતે પોલીસ આવાસ નિગમ અને ગૃહ વિભાગ સુધી મંજૂરીઓ લેવી પડે છે. જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી નવી આઈટમ નાંખી શકાતી નથી. હવે IPS ની આ ટેવના કારણે પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા માંડ આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો. હવે આ IPS અધિકારી ઉદ્ઘાટનની તારીખ નક્કી થાય તેની રાહ જોવામાં આવી રહી છે. આ IPS અધિકારી પોતાના હોદ્દા અંતર્ગત આવતો પ્રોજેક્ટ શ્રેષ્ઠ બને એટલા જ માટે મથામણ કરે છે, પણ આ મથામણ પ્રોજેક્ટના વિલંબ માટે કારણભૂત બની રહી છે.