તહેવારો પહેલા મોંઘવારીનો માર: અનાજ, કઠોળ અને તેલના ભાવ ભડકે બળતા સામાન્ય માણસનું બજેટ ખોરવાયું
નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, હવે દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે. પરંતુ આ વચ્ચે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. તેલ, મસાલા, કઠોળ સહિત અનેક જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આટલી મોંઘવારીમાં તહેવારની ઉજવણી કઈ રીતે કરવી તે પ્રશ્ન સામાન્ય લોકોને સતાવી રહ્યો છે.
તહેવારો નજીક છે... ઘરમાં ખુશીઓની તૈયારી છે... પરંતુ આ ખુશીઓ વચ્ચે મોંઘવારીએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે...ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હોય, અનાજ હોય, કઠોળ હોય કે પછી ખાદ્યતેલ... જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય જનતાની ચિંતા વધારી છે. એક તરફ આવક મર્યાદિત છે, તો બીજી તરફ ઘરખર્ચ સતત વધી રહ્યો છે. સવાલ એ છે કે, તહેવારોની ખુશીઓ મનાવવી કે પછી મોંઘવારી સામે બે છેડા ભેગા કરવા?...જુઓ આ અહેવાલમાં...
તહેવારો આવે એટલે ઘરમાં ખરીદી વધે... પરંતુ આ વખતે ખરીદીની સાથે ચિંતા પણ વધી છે...અનાજ અને કઠોળ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. મગના ભાવમાં પ્રતિ કિલો આશરે 20 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ઘઉં પણ કિલોએ 15થી 20 રૂપિયા મોંઘા થયા છે....રાયના ભાવમાં પ્રતિ કિલો 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચણા અને ચણાના લોટના વધતા ભાવ પણ ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર કરી રહ્યા છે.
મગના ભાવમાં પ્રતિ કિલો આશરે 20 રૂપિયાનો વધારો
ઘઉં પણ કિલોએ 15થી 20 રૂપિયા મોંઘા થયા
રાયના ભાવમાં પ્રતિ કિલો 30 રૂપિયાનો વધારો
આ પણ વાંચોઃ એટીએમમાંથી કેશ ન નીકળે તો સાવધાન! UPની ગેંગની અનોખી ચોરીની મોડસ ઓપરેન્ડીનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
તેલનો ડબ્બો અગાઉ 2,800માં હતો, તે હવે 3,000 રૂપિયાએ પહોંચ્યો
મોંઘવારીની આ આગમાં ખાદ્યતેલ પણ મોંઘવારીનું મોટું કારણ બન્યું છે. જે તેલનો ડબ્બો અગાઉ 2,800 રૂપિયામાં મળતો હતો, તે હવે 3,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગ્રાહકોના કહેવા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષોમાં રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે, જે બજેટમાં પહેલાં આખા પરિવારની જરૂરિયાતો પૂરી થતી હતી, એ જ બજેટમાં હવે જરૂરી વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની રહી છે.
એક તરફ રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા સુધી પહોંચ્યાના અહેવાલો
એક તરફ રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા સુધી પહોંચ્યાના અહેવાલો છે, તો બીજી તરફ બજારમાં વધતા ભાવ સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો હવે ખરીદીમાં કાપ મૂકવા અને કરકસર કરવા મજબૂર બન્યા છે. તહેવારોમાં ખુશીઓ વહેંચવાની તૈયારી વચ્ચે મોંઘવારીનો માર તેમની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
હવે સવાલ એ છે કે, તહેવારો પહેલાં વધતી મોંઘવારીને કાબૂમાં લેવા સરકાર શું પગલાં ભરશે?...કારણ કે તહેવારોની રોનક ત્યારે જ સાચી લાગે, જ્યારે સામાન્ય માણસના ઘરમાં પણ ખુશીઓની સાથે પૂરતું રાશન હોય.