SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પૂર્વે ભૂપેન્દ્ર પટેલની આ જિલ્લાને રૂ. ૪૪૧ કરોડની ભેટ, ભાજપ સરકાર માટે હવે દક્ષિણ ગુજરાત પ્રાયોરિટી

Vapi Development Projects : દિવાળી પૂર્વે વાપી ખાતેથી વલસાડ જિલ્લાની જનસુખાકારીને વધુ સુદ્રઢ બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૪૪૧ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે વાપી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને રૂ. ૨૧ કરોડના ખર્ચે વલસાડ તાલુકાના નવેરા ગામે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિત કુલ રૂા.૧૬૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને રૂા.૨૭૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ- ખાતમુહૂર્ત મળી કુલ રૂ. ૪૪૧ કરોડના વિકાસ કામોની ભેટ વાપીના વી.આઈ.એ. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાવાસીઓને અર્પણ કરી હતી. આ પૂર્વે મુખ્યમંત્રીએ રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે વલસાડ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.

Written By Karan Rajput
Published: Nov 03, 2026, 05:59 PM IST | Updated: Nov 03, 2026, 06:00 PM IST
Image Credit: Ai Image
Join

Bhupendra Patel : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિકાસયાત્રા અને ગરીબી નાબૂદી માટે કરેલા પ્રયાસો અને તેની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંકના ઓક્ટોબર-૨૦૨૬ના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં 49.6 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યાં છે.  ૨૦૧૧માં ભારતમાં અત્યંત ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ ૨૭.૦૧ ટકા હતું તે ૨૦૨૩માં ઘટીને ૨.૬ ટકા થયું છે. 

આ આંકડા દર્શાવે છે કે દેશના સર્વાંગી વિકાસ અને ગરીબોના જીવનધોરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીબલક્ષી યોજનાના પરિણામે આવેલું સકારાત્મક પરિવર્તન છે. ગુજરાતની ભાજપ સરકાર માટે હવે દક્ષિણ ગુજરાત અને આદીવાસી પટ્ટો એ પ્રાયોરિટી બનતી જાય છે. આપનો અહીં પગપેસારો હોવાથી ભાજપ કોઈ પણ સંજોગોમાં આ પટ્ટામાંથી આપને ખદેડવા માગે છે. આ માટે સીએમ સાથે નાયબ સીએમ પણ સક્રિય થયા છે. 

 

 

આજે દીવાળી પૂર્વે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ અપાઈ હતી. આદીવાસી પટ્ટો હાલમાં ભાજપ માટે માથાનો દુખાવો બનતો જતો હોવાથી હવે ગાંધીનગરથી સીધું ધ્યાન રખાઈ રહ્યું છે. આજે સીએમે 150 બેડની એક અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું જે વાપી માટે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.

ગુજરાત દેશના વિકાસમાં અગ્રેસર 

ગુજરાતના વલસાડમાં વિકાસ કાર્યોને ભેટ આપતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે અને રોજગારીની તકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ગુજરાત દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.  આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. તે સમયે રાજ્યમાં ૧.૬૮ લાખ નાના ઉદ્યોગો હતા, તે વધીને આજે ૨૯ લાખ થયા છે. ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને ઉદ્યોગસાહસિકતાનું આ જીવંત પ્રમાણ છે.

મુખ્ય પ્રોજેક્ટ્સ:


નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં વિકાસ અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપનનો જે પાયો નાખ્યો હતો, તેને પરિમામે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર પાસે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન છે. આર્થિક શિસ્ત અને વિકાસલક્ષી આયોજનના કારણે ગુજરાત આજે નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રે પણ અગ્રેસર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આર્થિક પ્રગતિ સાથે જીએસટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આર્થિક સદ્ધરતા અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે રાજ્યમાં ઉત્તમ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, પાણી, માર્ગો અને જાહેર સુવિધાઓના નિર્માણ સાથે  ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ગુજરાત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે  વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને રાજ્યના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોની આરોગ્ય રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ ગણાવતા કહ્યું હતું કે આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓની દૃષ્ટિએ ખાનગી હોસ્પિટલને પણ ટક્કર આપે તેવી છે.

 નાગરિકોની સહભાગિતા પણ એટલી જ આવશ્યક

વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણ માટેનો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે અને આ રોડમેપના આધારે વિકાસલક્ષી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ગુજરાતને દેશના વિકાસમાં અગ્રેસર રાખવા માટે સરકાર સતત નવા આયોજનો અને પ્રજાલક્ષી યોજનાઓ સાથે કાર્યરત છે.

વિકાસના દરેક કાર્યમાં જનભાગીદારીનું મહત્વ સમજાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે દિવસ-રાત કાર્યરત છે, પરંતુ વિકાસની આ યાત્રાને વધુ વેગવંતી બનાવવા નાગરિકોની સહભાગિતા પણ એટલી જ આવશ્યક છે.

વલસાડે પૂરમાં હિંમતથી સામનો કર્યો

વલસાડ જિલ્લામાં તાજેતરના ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ, હિંમત અને એકતાથી સંકટનો સામનો કેવી રીતે કરવો તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડની પ્રજાએ પૂર દરમિયાન પૂરું પાડ્યું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે વલસાડવાસીઓની આ હિંમત અને સામૂહિક ભાવનાને બિરદાવી હતી અને વલસાડ જિલ્લાને મળેલી વિકાસની આ ભેટ માટે સૌને અભિનંદન તેમજ દિવાળી અને નૂતન વર્ષના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વલસાડ જિલ્લાની ધરતી પર વિકાસની નવી રોશની ઉમેરાઈ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, પ્રજાજનોની સુખાકારી અને આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સવલતો સુદ્રઢ કરવાના સનિષ્ઠ પ્રયાસરૂપે વાપીના બલીઠા ખાતે ૧૫૦ બેડની અત્યાધુનિક સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે વલસાડવાસીઓ માટે એક સીમાચિહ્નરૂપ ભેટ સાબિત થશે.

 

 સરકારી નવનિર્મિત હોસ્પિટલમાં ૧૮ થી વધુ મલ્ટી-સ્પેશિયાલિટી તબીબી સેવાઓ અને ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે તેવા વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટરો કાર્યરત કરાયા છે. હાઈવે પર થતા અકસ્માતોના કિસ્સામાં દર્દીઓને ગોલ્ડન અવરમાં તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે અને કિંમતી જીવ બચાવી શકાય તે હેતુથી આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આયુષ્માન ભારત યોજના તથા ગુજરાત સરકારના આરોગ્ય કાર્ડના માધ્યમથી સામાન્ય અને ગરીબ પરિવારના નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહી છે, જેનાથી અમીર અને ગરીબ તમામ દર્દીઓ માટે હોસ્પિટલમાં એકસરખી ઉત્તમ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થઈ છે.

અત્યાધુનિક સ્પોર્ટ્સ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું

જિલ્લાના યુવાધનને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે રૂ. સાડા એકવીસ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સ્પોર્ટ્સ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિષ્ણાત ટ્રેનર્સની દેખરેખ હેઠળ સ્થાનિક યુવા ખેલાડીઓ પોતાના સપના સાકાર કરી શકશે. 

અમદાવાદ ખાતે યોજાનાર 'કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦'ને ધ્યાનમાં રાખીને દરેક ગામમાંથી ઓછામાં ઓછા એક ખેલાડીને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ અને CSR ફંડના સહયોગથી આદિવાસી તથા સક્ષમ-અસમર્થ પરિવારના પ્રતિભાશાળી બાળકોને દત્તક લઈ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી તરીકે ઘડવા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવાળીના તહેવારોમાં સ્થાનિક રોજગાર અને પ્રોત્સાહનને બળ આપવા માટે માટીના દીવા તથા શણગારની ચીજવસ્તુઓ બનાવતા સ્થાનિક નાના કારીગરો અને બહેનો પાસેથી જ ખરીદી કરવા નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી. 

આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉત્સાહભેર સ્વાગત કરી જણાવ્યું કે, વાપી ખાતે ૧૮ મલ્ટી સ્પેશિયાલિટી સાથેની સુવિધા સભર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું છે, જે હાઇવે ટચ હોવાથી લોકોને ઉપયોગી થશે. આગામી વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાત કરી રહ્યું છે, ત્યારે નવેરા ખાતેનું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જિલ્લાના રમતવીરો માટે ઉપયોગી થશે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES