મોરબીમાં સાયબર ઠગાઈનું મોટું નેટવર્ક પકડાયું: દેશભરમાંથી આચરેલા 7.26 કરોડના ફ્રોડના કાળા નાણાં સગેવગે કરનાર ઝડપાયા
દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કરોડો રૂપિયાની ઠગાઈ...અને એ કાળી કમાણીને સગેવગે કરવા માટે મોરબીની ધરતીનો ઉપયોગ! જ્યારે દેશભરમાંથી એક પછી એક 41 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી, ત્યારે ખુદ સાયબર ક્રાઈમ પણ ચોંકી ઉઠી...
મોરબીમાં સાયબર ફ્રોડ અને ઠગાઈનું એક એવું મોટું નેટવર્ક સક્રિય હતું, જેણે આખા દેશની પોલીસને દોડતી કરી દીધી હતી...મોરબીમાં રહેતા કેટલાક શખ્સોના બેન્ક એકાઉન્ટમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી સાયબર ક્રાઈમની 1.34 કરોડથી વધુની રકમ જમા થઈ, જેને ગણતરીની મિનિટોમાં સગેવગે કરવામાં આવી...આ ડિજિટલ લૂંટનો મામલો જ્યારે સમન્વય અને NCCRT પોર્ટલ પર પહોંચ્યો, ત્યારે દેશભરમાં એક પછી એક 41 જેટલી ફરિયાદો નોંધાઈ હતી...જેના આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે કુલ 11 શખ્સો સામે ગુનો નોંધી મોટું ઓપરેશન શરૂ કર્યું.
UPIથી RTGS સુધી ઠગાઈનો ખેલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મોરબીના ચેતન પલાણ, રાજુભાઈ જોષી અને ભરતભાઈ બારડ નામના મુખ્ય સૂત્રધારોએ પોતાના મળતિયાઓની મદદથી આખું નેટવર્ક ઊભું કર્યું હતું...અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરીને મેળવેલા નાણાં કાયદાની નજરમાંથી બચાવવા માટે અન્ય લોકોને એજન્ટ બનાવવામાં આવ્યા હતા...આ એજન્ટોને માત્ર કમિશનની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટ મેળવી લેવાયા હતા...આ તમામ બેન્ક ખાતાઓમાં તારીખ 1/1/2023 થી 27/12/2025 દરમિયાન કુલ 7 કરોડ 26 લાખ 20 હજાર 266 રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી! આ કાળી કમાણી UPI, IMPS અને RTGS દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી રોકડમાં વિડ્રો કરી લેવાતી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં રૂ. 30 હજારની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા: ધડ કબ્રસ્તાનમાં ફેંક્યું અને માથું રેલવે ટ્રેક પર
સાયબર ઠગોના એજન્ટોનો પર્દાફાશ
આ કરોડોના કૌભાંડનો ગુનો નોંધાયા બાદ સાયબર ક્રાઈમ એક્શન મોડમાં આવી...પોલીસે ઓપરેશન હાથ ધરીને સાયબર ફ્રોડના આ ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી લીધી છે...હાલ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને ફરાર અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ ચાલુ છે...
પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ 7.26 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને આગળ કોના-કોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.
અગાઉ પણ મોરબીમાં સાયબર ફ્રોડના અનેક ગુના નોંધાયા છે, જેમાં સામાન્ય રીતે માત્ર બેન્ક એકાઉન્ટ ધારકો જ પકડાય છે, જેઓ કમિશનની લાલચમાં હોવાથી આ આખી ઠગાઈના માસ્ટરપ્લાનથી અજાણ હોય છે...પરંતુ આ વખતે સવાલ એ છે કે, શું પોલીસ આ મોટા સાયબર નેટવર્કના અસલી કિંગપિન અને વાસ્તવિક મુખ્ય ભેજાબાજો સુધી પહોંચવામાં સફળ રહેશે? હાલ તો પોલીસે 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.