ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ, ત્રણ બાળકો સહિત 8 લોકો દાઝ્યા
Bhavnagar Spray Bottle Blast : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ભાવનગર મિલની ચાલી ખાતે ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Bhavnagar Spray Bottle Blast : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ભાવનગર મિલની ચાલી ખાતે સ્પ્રેની બોટલમાં અચાનક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્પ્રેની બોટલ તોડતી વખતે અચાનક બ્લાસ્ટ
મળતી માહિતી મુજબ, ભાવનગર મિલની ચાલી નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક લોકો ભંગારમાં આવેલી બોટલો તોડવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્પ્રેની એક બોટલ તોડતી વખતે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ આગ લાગી ગઈ હતી અને આસપાસ હાજર લોકોને આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા હતા.
ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝ્યા
આ ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકો દાઝી ગયા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.
બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી
પ્રાથમિક માહિતી અનુસાર, ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડતી વખતે તેમાં રહેલા દબાણ અથવા જ્વલનશીલ પદાર્થને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.