'બાપુ'નો મમરો, સૂરજેવાલાનો દાવ : ગુજરાતમાં 'વહેલી ચૂંટણી'ની હવા પાછળ કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, સાયકોલોજીકલ વોર
Gujarat early assembly election : ગુજરાતના રાજકારણમાં 'બાપુ' રાજકીય સમીકરણો અને ગણતરીઓના પક્કા ખેલાડી ગણાય છે. એમને ફેંકલો 'વહેલી ચૂંટણી'નો મમરો હવે કોંગ્રેસે બરાબરનો ઉપાડી લીધો છે. કોંગ્રેસના નેતાઓ જાણીજોઈને રાજ્યમાં "વહેલી ચૂંટણી આવી રહી છે" તેવી હવા ઊભી કરીને ભાજપના આંતરિક ખેમામાં ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આજે 21 જિલ્લાઓમાં નાયબ ચૂંટણી અધિકારીઓની બદલીના નોટિફિકેશનને પણ વહેલી ચૂંટણીના સંકેતો ગણીને માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાઈ રહયો છે પણ લોકો એ ભૂલે છે કે આગામી સમયમાં 10 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે સૂરજેવાલાએ બીડું ઝડપ્યું છે પણ આગામી સમય જ બતાવશે કે કોંગ્રેસના લંગડા ઘોડાઓ લગ્નના ઘોડા બને છે કે રેસના ઘોડાઓ....
Gujarat Congress : વર્ષ ૨૦૨૨માં ૧૫૬ બેઠકો મેળવ્યા બાદ, પક્ષપલટા અને પેટાચૂંટણીઓ જીતીને ભાજપનું સંખ્યાબળ આજે ૧૬૨ ધારાસભ્યો સુધી પહોંચી ગયું છે. આટલી પ્રચંડ બહુમતી હોવા છતાં, મંત્રીમંડળમાં કોઈ મોટું રિશફલ (ફેરબદલ) થયું નથી કે ના નિગમોમાં ચેરમેનની નિમણૂકો, જેથી મોટા ભાગના નેતાઓની ઈચ્છાઓ અધૂરી છે.
ઘણા ધારાસભ્યોની સરકારી ગાડીઓમાં ફરવાની ઈચ્છાઓ હતી. આ નેતાઓ જાહેરમાં કંઈ બોલતા નથી પણ ધારાસભ્ય બન્યા બાદ પણ કંઈ મળ્યું ન હોવાનો છૂપો અસંતોષ તો છે. રાજકીય વર્તુળોમાં અત્યારથી જ ચર્ચા છે કે ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપ અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપશે.
કોંગ્રેસ આ જ નબળી કડી પર ઘા કરી રહી છે. "જો વહેલી ચૂંટણી આવશે, તો તમારી ટિકિટ અત્યારથી જ સંકટમાં છે" – એવો ડર ભાજપના આંતરિક વર્ગમાં ઊભો કરીને કોંગ્રેસ અસંતોષની બળતરા જગાવી રહી છે. આ સાથે વહેલી ચૂંટણીની હવા ફેલાવી બિનએક્ટિવ કોંગ્રેસના કાર્યકરોને પણ વહેલા જગાડી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસમાં માનનારા કાર્યકરોની આજે પણ ફૌજ છે પણ નેતાઓના આંતરિક વિખવાદોમાં કાર્યકરો એક્ટિવ નથી. સૂરજેવાલા એ પ્રયાસ કરી રહ્યાં છે કે ફરી આ કાર્યકરો કોંગ્રેસ માટે વહેલા કામે લાગે....
વાસ્તવિકતા અને સાયકોલોજિકલ વોરફેર (માનસિક યુદ્ધ)
કોંગ્રેસના નેતાઓ પણ એ વાતથી અજાણ નથી કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશ સહિતના મહત્વના રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, જ્યાં ભાજપ પોતાની પૂરી તાકાત અને સંસાધનો ઝોંકી દેશે. આવા સમયે ભાજપ ગુજરાત જેવા મજબૂત ગઢમાં વગર કારણે વહેલી ચૂંટણી યોજીને કોઈ મોટું જોખમ લે જ નહીં.
ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાનું કોઈ કારણ પણ નથી. સરકાર હાલમાં અધૂરા કામો પૂરા કરવામાં વ્યસ્ત છે. આગામી સમયમાં ગુજરાતમાં 10 હજાર ગ્રામ પંયાચતોની ચૂંટણીઓ છે. આ માટે ગઈકાલે મહેસૂલમાંથી 21 જિલ્લામાં એઆરઓની નિમણુકને પણ કોંગ્રેસે વહેલી ચૂંટણી સાથે જોડી દીધા છે.
આ નાયબ ચૂંટણી અધિકારીઓની નિમણુંક આગામી સમયમાં ચૂંટણીની કામગીરીને સરળતાથી કરવા માટે છે. જે બદલીઓનું લિસ્ટ પણ કોંગ્રેસના અને ભાજપના નેતાઓ સોશિયલ મીડિયામાં ફેરવી રહ્યાં છે અને વહેલી ચૂંટણીના સંકેતો હોવાના મેસેજો કરી રહ્યાં છે.
ભાજપે એકવાર ગુજરાતમાં કરી છે વિધાનસભા ભંગ
વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે નિર્ધારિત સમય કરતાં આશરે આઠ મહિના વહેલી વિધાનસભા ભંગ કરી દીધી હતી. એ માટે કારણ એવું હતું કે, વર્ષ ૨૦૦૨ની શરૂઆતમાં રાજ્યમાં ગોધરાકાંડ અને ત્યારબાદ થયેલાં તોફાનોની પરિસ્થિતિ હતી.
આ રાજકીય અને સામાજિક ઉથલપાથલ બાદ સ્થિતિ સામાન્ય થયાનો દાવો કરીને જુલાઈ ૨૦૦૨માં કેબિનેટે વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ કરી હતી અને ડિસેમ્બર ૨૦૦૨માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. ગુજરાતમાં ભાજપે આ પહેલીવાર વિધાનસભા ભંગ કરી હતી. હાલના પીએમ અને એ સમયના સીએમ નરેન્દ્ર મોદીને પૂરતો વિશ્વાસ હતો કે ભાજપ ફરી જીતીને સરકાર બનાવી લેશે.
ભાજપમાં આંતરિક અસંતોષ ઉભો કરવાનો પ્રયાસ
રાજ્યમાં 30 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે. ગુજરાતમાં કોંગ્રેસની ઘટતી જતી લોકપ્રિયતા વચ્ચે માંડ 17 ધારાસભ્યો જીત્યા હતા. હવે માંડ 12 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસને સજીવન કરવા માટે સૂરજેવાલાએ બીડુ ઉઠાવ્યું છે. ત્યારે કોંગ્રેસ વહેલી ચૂંટણી યોજવાની હવા ઉભી કરી કાર્યકરોમાં ફરી જોશ જગાડવાની અને ભાજપમાં આંતરિક અસંતોષ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે.
વહેલી ચૂંટણી ના યોજાઈ શકે તેનાં કારણો
ભારે બહુમતી અને મજબૂત સ્થાનિક સરકાર : ડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકો સાથે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી સ્પષ્ટ અને વિશાળ બહુમતી મેળવી છે. હાલમાં ભાજપ પાસે 162 ધારાસભ્યો છે. જ્યારે સરકાર પાસે પૂરતી બેઠકો અને પંચ વર્ષિય જનાદેશ હોય, ત્યારે મુદત પૂરી કર્યા વિના ચૂંટણીમાં જવાની રાજકીય જરૂરિયાત ઓછી રહે છે.
પ્રાકૃતિક કે આર્થિક પડકારો : રાજ્યમાં નબળા વરસાદ અને અલનીનોને કારણે સિંચાઈ અને પીવાના પાણીની અછતનો સામનો ગુજરાત કરી રહ્યું છે આ સમયે ચૂંટણી યોજવી એ સૌરાષ્ટ્રમાં સરકારને મોટાપાયે નુક્સાન કરાવે. આગામી સારા ચોમાસા બાદ સરકાર રિસ્ક લેશે.
યોજનાઓ અને બજેટ લક્ષ્યાંકો : પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરેલી મોટી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે સમય જરૂરી હોય છે. ચૂંટણી વહેલી યોજવાથી 'આચારસંહિતા' લાગુ થઈ જાય છે, જેનાથી ચાલુ વિકાસકાર્યો અટકી જાય. જો વહેલી ચૂંટણી યોજવાની હોત તો સરકારે વિકાસના કામોમાં તેજી દેખાડી હોત...
વહીવટી અને નાણાકીય બોજ : ચૂંટણી યોજવા માટે મોટા પાયે વહીવટી તંત્ર, સુરક્ષા દળો અને સરકારી તિજોરી પર આર્થિક બોજ પડે છે. વગર કારણે મુદત પહેલાં ચૂંટણી યોજવાથી ચૂંટણી પંચ અને સરકાર બંને માટે બિનજરૂરી વ્યવસ્થાપન ઊભું થાય છે. આ માટે મોટી વ્યવસ્થાઓ ઉભી કરવી પડે.