બનાસકાંઠામાં બે ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોનાં કરુણ મોતથી પંથકમાં અરેરાટી
Banaskantha Accident : બનાસકાંઠામાં અકસ્માતની બે મોટી ઘટનાઓ સામે આવી છે. વડગામના મોરિયા નજીક ઈકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા હતા, જ્યારે ઓગડના તેરવાડા રોડ પર બાઈક અને કાર વચ્ચે ટક્કરમાં 2નાં મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
Banaskantha Accident : બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં કુલ 6 લોકોનાં મોત નીપજતાં પંથકમાં અરેરાટી ફેલાઈ છે. વડગામના મોરિયા નજીક ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
જ્યારે ઓગડના તેરવાડા રોડ પર બાઈક અને ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બંને અકસ્માતોને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરિયા નજીક ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોરિયા નજીક ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં વડગામ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
ઓગડના તેરવાડા રોડ પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત
બીજી તરફ, ઓગડના તેરવાડા રોડ પર નશતપુરાના પાટિયા નજીક બાઈક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 22 વર્ષીય ચંદ્રિકાબેન રઘુજી ઠાકોર અને ગાડી ચાલક 35 વર્ષીય દિલીપભાઈ પોપટજી સંબોસાનાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્મતમાં બાઈક ચાલક જયદીપભાઈ ધીરાજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં થરા પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી.