જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?
Banaskantha Farmers Protest : બનાસકાંઠામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે મહાઆંદોલનનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા પહેલા મહાસભા ત્યારબાદ ત્રણ કિલોમીટર લાંબી રેલી અને અંતે રસ્તા પર ચક્કાજામ. ખેડૂતોના રોષનો સીધો સંદેશ સરકાર સુધી પહોંચાડાયો. જોકે કલેક્ટર કચેરીએ કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતો વધુ રોષે ભરાયા અને રસ્તો રોકી દીધો.
દર્શલ રાવલ : બનાસકાંઠાના પાલનપુરમાં એક તરફ ખેડૂતોની મહાસભા, બીજી તરફ હાથમાં બેનરો સાથે રેલી અને બાદમાં રસ્તા પર ચક્કાજામ. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે બનાસકાંઠાના હજારો ખેડૂતો આજે પાલનપુરમાં એકઠા થયા હતા.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાયેલી મહાસભામાં ખેડૂતોની 15થી વધુ માંગણીઓ રજૂ કરવામાં આવી. બટાકાના પાકમાં સબસિડી, પાક ધિરાણ માફી, પાંચ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની માંગ, ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરવાની માંગ અને સાંજે 7થી 9 વાગ્યા સુધી ખેતરોમાં વીજળી બંધ રહેતી હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ રેલી યોજી હતી.
શું છે ખેડૂતોની માગ?
- બટાકાના પાકમાં સબસિડી
- પાક ધિરાણ માફી
- 5 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે
- ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરવી
- સાંજે 7થી 9 વાગ્યા સુધી વીજળી ચાલુ રાખવા માગ
- બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે
- જમીન સંપાદનમાં બજાર ભાવ પ્રમાણે વળતર
મહાસભા બાદ ખેડૂતો ત્રણ કિલોમીટર સુધી પગપાળા રેલીમાં જોડાયા. સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો જોડનાપુરથી પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા. ખેડૂતોની માગ હતી કે બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે સાથે જ ખેતરોમાં જમીન સંપાદન થાય ત્યારે બજાર ભાવ પ્રમાણે વળતર આપવામાં આવે.
ખેડૂતોએ કર્યો ચક્કાજામ
કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ કલેક્ટર હાજર ન હોવાનું સામે આવતા ખેડૂતોનો પારો ચઢ્યો. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા ખેડૂતો રાહ જોતા રહ્યા અને આખરે રસ્તા પર જ બેસીને ચક્કાજામ કરી દીધો.
ખેડૂતોના ચક્કાજામના કારણે પાલનપુર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. લગભગ પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર, બસો અને ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા. જેના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો, સ્થાનિકો અને દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
ખેડૂતોના આક્રોશ બાદ તંત્ર દોડતું થયું
ખેડૂતોના આક્રોશ બાદ તંત્ર દોડતું થયું. કલેક્ટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકાર્યું. આંદોલનકારી ખેડૂતો હાલ આવેદનપત્ર આપીને પરત ફર્યા છે. પરંતુ ખેડૂતોનો માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
છેલ્લા છ મહિનાથી સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ છે. હવે સવાલ એ છે કે ખેડૂતોની આ 15થી વધુ માંગણીઓનો ઉકેલ ક્યારે આવશે? કારણ કે આજે પાલનપુરના રસ્તા પર ઉતરેલા ખેડૂતોનો આ આક્રોશ સરકાર માટે ચેતવણી સમાન છે.