અમદાવાદ પશ્ચિમના વાહનચાલકો સાવધાન: એક સાથે 3 બ્રિજનું કામ શરૂ થતા આ એરિયામાં 2 વર્ષ સુધી ટ્રાફિકજામ રહેશે
Ahmedabad Traffic: અમદાવાદમાં એક સાથે ત્રણ બિજની કામગીરી ચાલી રહી છે. ચીમનભાઈ પટેલ બિજ ઉપરાંત સુભાષબિજનું રિકન્સ્ટ્રકશન ઉપરાંત બંને તરફ ટુ-લેન બિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામા આવેલો છે. આ તમામ બ્રિજની કામગીરી માર્ચ-28માં પુરી થવાની સંભાવના છે. આ કામગીરી પુરી થાય ત્યાં સુધી સાબરમતી ઉપરાંત RTO સર્કલ, રાણીપ, નિર્ણયનગર તથા અખબારનગર સર્કલ સુધીના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળશે.
Ahmedabad Traffic: અમદાવાદમાં ટ્રાફિકની જોરદાર સમસ્યાઓ છે, જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. એવામાં પશ્ચિમમાં એકસાથે ત્રણ બ્રિજની કામગીરી ચાલી રહી હોવાના કારણે આગામી બે વર્ષ સુધી સાબરમતી, રાણીપ અને અખબારનગર સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવવાની શક્યતા દેખાઈ રહી છે. શહેરમાં ત્રણ બ્રિજની કામગીરી માર્ચ 2028 સુધી પૂર્ણ થવાની સંભાવના હોવાથી ત્યાં સુધી લોકોએ શાંતિ રાખવી આવશ્યક છે.
ચીમનભાઈ પટેલ બ્રિજનું વાઈડનિંગ અને સુભાષબ્રિજનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી
તમને જણાવી દઈએ કે હાલમાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં બે મોટા બ્રિજ આવેલા છે, જેના પરથી લાખો વાહનચાલકો આમથી તેમ કરે છે. પરંતુ હાલ બન્ને બ્રિજ એવા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજને પહોળો કરવા ઉપરાંત અગાઉ તોડી પાડવામાં આવેલા સુભાષબ્રિજના રિકન્સ્ટ્રક્શન અને તેની બંને તરફ ટુ-લેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પીક અવર્સ દરમિયાન RTO સર્કલથી સાબરમતી તરફ ટ્રાફિકનું ભારણ ઘટાડવા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજની સમાંતર નવી ૩-લેનની વધારાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.
ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફના ટ્રાફિકને રાહત મળશે
ચીમનભાઈ બ્રિજની બન્ને બાજુનું કામગીરી RTO સર્કલ અને સુભાષબ્રિજથી શરૂ થઈ સાબરમતી બુલેટ ટ્રેન ડેપો અને સાબરમતી રેલવે સ્ટેશન નજીક પૂર્ણ થશે. આ નવો ફ્લાયઓવર ઉત્તર ગુજરાત અને ગાંધીનગર તરફ જતાં ભારે વાહનો તથા ટ્રાફિકને સીધો રસ્તો પૂરો પાડશે. સાથે સુભાષબ્રિજ સર્કલ તરફ એક ડાઉન રેમ્પ પણ બનાવવામાં આવશે, જેનાથી કાળીગામ અને બુલેટ ટ્રેન ડેપો તરફ વધતાં ટ્રાફિકને મોટી રાહત મળશે.
બે વર્ષ સુધી આ 4 ચાર રસ્તાઓ પર રહેશે ટ્રાફિક જામ
ચિમનભાઈ બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ રહે ત્યાં સુધી સાબરમતી, રાણીપ, RTO સર્કલ, નિર્ણયનગર અને અખબારનગર સર્કલ સુધીના વિસ્તારોમાં વાહનચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડશે. મુખ્યત્વે આ ચાર જંક્શન પર સૌથી વધુ ટ્રાફિક સર્જાશે.
સાબરમતી ટોરેન્ટ પાવર ચાર રસ્તા
ટોરેન્ટ પાવર ચાર રસ્તાથી ચીમનભાઈ બ્રિજ સુધી રોજ 200 થી 500 મીટર કે તેથી વધુ લાંબો ટ્રાફિક જામ જોવા મળશે.
RTO સર્કલ જંક્શન
RTO સર્કલ અમદાવાદ પશ્ચિમને પૂર્વ અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતું મુખ્ય જંક્શન હોવાથી બ્રિજ પરથી આવતાં વાહનોને લીધે આખું સર્કલ અને આસપાસનો માર્ગ સતત ચોકઅપ થઈ જશે.
પ્રબોધ રાવલ બ્રિજ જંક્શન
ચીમનભાઈ બ્રિજનો એક ભાગ પ્રબોધ રાવલ બ્રિજ તરફ કનેક્ટ થતો હોવાથી, તેમજ નિર્ણયનગર તરફથી આવતો અને જતો ટ્રાફિક આ જંક્શન પર ભેગો થતો હોવાથી સવાર-સાંજના પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગશે.
અખબારનગર જંક્શન
ચીમનભાઈ બ્રિજ પર ટ્રાફિક જામથી બચવા માટે મોટાભાગના વાહનચાલકો વાડજ અને અખબારનગર તરફ ડાયવર્ટ થશે, જેના કારણે વૈકલ્પિક માર્ગ ગણાતા અખબારનગર ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ અતિશય વધી જશે.