પત્નીને ફસાવવા ગયેલો પતિ જ નીકળ્યો સિરિયલ કિલર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો 4 વર્ષ જૂનો ભયાનક નરસંહાર!
Ahmedabad Crime Branch : ગુજરાતના ક્રાઈમ રેકોર્ડ્સમાં એક એવી ખૌફનાક ઘટના સામે આવી છે, જેને જોઈને સિરિયલ કે ફિલ્મી કહાનીઓ પણ ફીકી પડી જાય. હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે અપનાવાયેલી એવી ઘાતકી રીત, જેણે પોલીસ અધિકારીઓના પણ હોશ ઉડાડી દીધા!. જી હા વર્ષ 2022માં આચરેલા ભયાનક નરસંહારનું રહસ્ય બરાબર ચાર વર્ષ બાદ 2026માં ક્રાઈમ બ્રાન્ચે ખોલી નાખ્યું છે.
ઉદય રંજન / Dholka Triple Murder : પત્નીને જેલમાં ધકેલવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર ધોળકાનો માધવદાસ સાધુ જ આ આખા ત્રિપલ મર્ડરનો મુખ્ય માસ્ટરમાઇન્ડ નીકળ્યો. પત્ની રોકડ અને દાગીના લઈને અલગ રહેવા જતી રહેતા પતિએ તેને ફસાવવા પોલીસને કીધું કે પત્નીએ દાદી સાસુનું ખૂન કરી લાશ દાટી દીધી છે પણ ક્રાઈમ બ્રાન્ચની આગવી પૂછપરછ સામે આ જલ્લાદ પતિ ભાંગી પડ્યો અને પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સાથે મળીને કરેલા ત્રણ-ત્રણ કરપીણ ખૂનનો પર્દાફાશ થઈ ગયો.
- બાતમીદાર જ નીકળ્યો કાતિલ!
- દફનાવેલું રહસ્ય...ખુલ્યો ત્રણ હત્યાનો ભેદ!
- ખોટી કહાની... ખુલ્યું કાળું સત્ય!
કિલર દંપતીએ સૌથી પહેલો શિકાર ઘરની નાની દીકરીને બનાવી. 25 ફેબ્રુઆરી 2022ના રોજ માધવદાસ અને ઉર્મિલાએ પોતાની સગી સાળી ભારતી ઉર્ફે ભગવતીને મોતના ઘાટ ઉતારી દીધી. ભારતી ટીબીની ગંભીર બીમારીથી પીડાતી હોવાથી તેના દવાનો ખર્ચ અને સાર-સંભાળથી કંટાળી ગયેલા આ હેવાનોએ રાત્રીના સમયે ઓશીકા વડે શ્વાસ રૂંધી તેને પતાવી દીધી અને બીમારીનું બહાનું કાઢી લાશ દફનાવી દીધી.
ઓશીકું મોઢા પર દબાવી સગી માતાનો જીવ લઈ લીધો
લાલચમાં આંધળા બનેલા આ દંપતીની ક્રૂરતા અહીં જ ના અટકી. 16 જુલાઈ 2022ના રોજ આ કલિયુગી પુત્ર માધવદાસે પત્ની સાથે મળીને પોતાની સગી જનેતા 65 વર્ષના મંજુલાબેનની હત્યા કરી નાખી. માતા લકવાના કારણે પથારીવશ હોવાથી તેમની સેવા-ચાકરી કરવાથી મુક્તિ મેળવવા માટે રાત્રે ઓશીકું મોઢા પર દબાવી સગી માતાનો જીવ લઈ લીધો અને ધોળકા સ્મશાનમાં અગ્નિદાહ આપી પાપ છુપાવી દીધું.
લાશને એક પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી જમીનમાં દાટી દીધું
ઓક્ટોબર 2022માં 85 વર્ષના દાદી સાસુ શાન્તાબેનની કરોડોની મિલકત પચાવી પાડવા માટે ત્રીજું મર્ડર આચરવામાં આવ્યું. 7 ઓક્ટોબરે રાત્રે ખાટલામાં સુતેલા દાદી સાસુનું ઓશીકા વડે શ્વાસ ગૂંગળાવી ખૂન કર્યું. પુરાવા મિટાવવા લાશને એક પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી, ઉપર સિમેન્ટની ત્રણ થેલીઓ અને પાણી ભરીને ડ્રમ સીલ કરી દીધું. અને પાપ પકડાઈ ન જાય એટલે સાડા ત્રણ મહિના પછી એ ડ્રમ કાપીને સિમેન્ટની સાથે જ લાશને ઘરની ઓસરીમાં ખાડો ખોદી દાટી દીધી.
સગા સંબંધીઓને પણ જુઠ્ઠી કહાનીઓ કહી
પોતાના કાળા કરતૂતો છુપાવવા માટે આ શાતિર દંપતીએ એકબીજાના સગા સંબંધીઓને પણ જુઠ્ઠી કહાનીઓ કહી હતી. પરંતુ કહેવાય છે ને કે પાપ ગમે તેટલું ઊંડું દાટો, એક દિવસ તે જમીન ચીરીને પણ બહાર આવી જાય છે... બીજાને ફસાવવા ગયેલો માસ્ટરમાઇન્ડ પતિ આજે પોતાની કાતિલ પત્ની સાથે જેલના સળિયા ગણી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ જટિલ કેસ ઉકેલીને સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કુદરતની લાકડી અને કાયદાના હાથથી કોઈ બચી શકતું નથી...