અમદાવાદના હંસપુરામાં FP-119 ડમ્પિંગ સાઇટ સામે 30થી વધુ સોસાયટીનો ઉગ્ર વિરોધ, માગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી
અમદાવાદના હંસપુરામાં લોકો દ્વારા ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતર્યાં છે. તમામ લોકો ડમ્પિંગ સાઇટ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. લોકોએ કહ્યું કે જો એએમસી દ્વારા નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરશે.
દર્શલ રાવલ, અમદાવાદઃ અમદાવાદના હંસપુરામાં AMCના એક નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોયલ રિજોઇસ સ્કીમ નજીક મંજૂર કરવામાં આવેલી ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવા 30થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે. હાથમાં વિરોધના બેનરો અને મોઢે એક જ નારો... 'ડમ્પિંગ સાઇટ રદ કરો!' રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ડમ્પિંગ સાઇટનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો ભૂખ હડતાળ પર ઉતરશે.
FP-119 પર ડમ્પિંગ સાઇટ બનાવવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
અમદાવાદના હંસપુરાના... જ્યાં AMCના નિર્ણય સામે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે...રોયલ રિજોઇસ સ્કીમ નજીક FP-119 પર ડમ્પિંગ સાઇટ બનાવવાના નિર્ણયનો રહીશો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હંસપુરા, નરોડા, બિલાસિયા સહિત આસપાસના વિસ્તારોનો કચરો અહીં ઠાલવવામાં આવશે તેવી આશંકા વચ્ચે 30થી વધુ સોસાયટીના લોકો એકજૂથ થયા છે. રહીશોએ રેલી યોજી રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા અને AMC પાસે આ નિર્ણય તાત્કાલિક રદ કરવાની માગ કરી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે જે જગ્યા પર અગાઉ આવાસનાં મકાનો બનાવવાનું આયોજન હતું, ત્યાં હવે ડમ્પિંગ સાઇટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે...રહીશોને ભય છે કે ડમ્પિંગ સાઇટ શરૂ થતાં 24 કલાક અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડશે. કચરામાંથી નીકળતું ઝેરી અને કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરતાં બોરવેલનું પાણી પણ દૂષિત થઈ શકે છે.
શું છે સ્થાનિકોનો દાવો?
ડમ્પિંગ સાઇટ શરૂ થતાં 24 કલાક અસહ્ય દુર્ગંધ
કચરામાંથી નીકળતું ઝેરી અને કેમિકલયુક્ત પાણી
જમીનમાં ઉતરતાં બોરવેલનું પાણી દૂષિત થઈ શકે છે
આ પણ વાંચોઃ ગ્રીન ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં રાજ્ય મોખરે
કેન્સર, ચામડીના રોગો, શ્વાસની તકલીફો જેવી સમસ્યાઓ
સ્થાનિકોનો દાવો છે કે, માખી, મચ્છર અને ઉંદરોનો ઉપદ્રવ વધવાની સાથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના રોગો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે....કેન્સર, ચામડીના રોગો અને શ્વાસની તકલીફો જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે.
'FP-119 પરથી ડમ્પિંગ સાઇટનો પ્રસ્તાવ રદ કરવામાં આવે'
રહીશોની બીજી મોટી ચિંતા છે તેમની જીવનભરની મૂડી... ડમ્પિંગ સાઇટ બનવાથી આસપાસનાં લાખો-કરોડોનાં મકાનો અને દુકાનોની કિંમત ઘટી અડધી થઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળીના સમયે ડમ્પિંગ સાઇટ અંગે જાણ થતાં જ સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે. હવે રહીશોની એક જ માગ છે કે FP-119 પરથી ડમ્પિંગ સાઇટનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરવામાં આવે.
પરિવારની સુરક્ષા હોય કે બાળકોનું ભવિષ્ય... સ્થાનિકો કોઈપણ ભોગે અહીં ડમ્પિંગ સાઇટ બનવા દેવા તૈયાર નથી. 'AMC જાગો, FP-119 પરથી ડમ્પિંગ સાઇટ રદ કરો'ના નારા સાથે રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ભૂખ હડતાળનું આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોના આ ઉગ્ર વિરોધ બાદ AMC તંત્ર નિર્ણયમાં ફેરફાર કરે છે કે પછી રહીશોએ આંદોલનનું હથિયાર ઉગામવું પડશે.