Diljit Dosanjh Concert Ahmedabad: અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્ટેડિયમની અંદર અને બહાર તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટની ઈવેન્ટ માટે દર્શકો માટે બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. સાંજે 7.30 વાગ્યે દિલજીત દોસાંજનો લાઈવ શો શરૂ થશે અને રાત્રે 9.55 વાગ્યે કોન્સર્ટ પૂર્ણ થશે. આ સમગ્ર ઇવેન્ટ અંદાજે 6 કલાક કરતા વધુ સમય સુધી ચાલશે. આ કોન્સર્ટની ટિકિટના દર રૂ. 5,999થી શરૂ થાય છે.
સ્ટેડિયમની બહાર બેરિકેડિંગ અને રેલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાસભાગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલગ-અલગ ગેટ પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા સ્ટેડિયમની ઇમરજન્સી સુવિધાઓ, ફાયર માસ્ટર પ્લાન, સ્ટેજ અને દર્શકોના ઉભા રહેવાની વ્યવસ્થા તેમજ સ્ટેડિયમના તમામ ૪૪ એક્ઝિટ ગેટની સઘન ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC)ની અપ્રૂવલ પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા રાત્રે 11.30 સુધી લંબાવાઈ
પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકથી બચવા માટે લોકોને મેટ્રો ટ્રેનનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. દર્શકોની સુવિધા માટે મેટ્રો તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. 21 નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો સેવા રાત્રે 11.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. લંબાવેલા સમયગાળા દરમિયાન પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મળશે. અમદાવાદ કોરિડોરમાં છેલ્લી ટ્રેન રાત્રે 11.30 વાગ્યે ઉપડશે, જ્યારે ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 10.30, 11.00 અને 11.30 વાગ્યે એમ કુલ ત્રણ વિશેષ ટ્રિપ દોડાવવામાં આવશે. પરત મુસાફરી માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે. સામાન્ય ટિકિટ અને સ્માર્ટ કાર્ડ રાત્રે 11.00 વાગ્યા સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ મુસાફરી કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે.
શું છે ટ્રાફિક પોલીસનું જાહેરનામું? બપોરે ૩ વાગ્યાથી આ રસ્તાઓ રહેશે બંધ, અપાયું છે ડાયવર્ઝન

સ્ટેડિયમ ખાતે સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
બોમ્બની ધમકીઓ વચ્ચે સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટમાં કેવો કરાયો છે પોલીસકર્મીઓનો મેગા બંદોબસ્ત?

સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટ પૂર્વે મળેલી બોમ્બની ધમકીઓને પગલે અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસ કમિશનર (CP)ના સીધા સુપરવિઝન હેઠળ રસ્તાથી લઈને સ્ટેજ સુધી મલ્ટિ-લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં ૧ JCP, ૫ DCP, ૯ ACP, ૨૨ PI અને ૭૪ PSI સહિત ૨,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ, SOG, સારથીની ૩ કંપની અને આયોજકોના ૧,૫૦૦ ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ પણ ફરજ બજાવશે.
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સ્ટેડિયમ, પાર્કિંગ અને એન્ટ્રી ગેટ પર સતત ચેકિંગ ચાલુ રહેશે. CCTV કેમેરા અને ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણ કરાશે. ધમકીભર્યા ઈમેલ અને સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમ સેલની બાજ નજર રહેશે. મોબાઈલ ચોરી, નકલી ટિકિટ અને કાળાબજારી રોકવા સાદા કપડામાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા અને ચેકિંગ માટે અલગ વ્યવસ્થા તેમજ સાદા વેશમાં 'SHE ટીમ' હાજર રહેશે. ગેટ પર નશાખોરોને પકડવા પણ ખાસ વોચ રખાશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા ૮ એમ્બ્યુલન્સ તૈનાત રખાઈ છે અને ૨ હોસ્પિટલોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને સતર્ક કરવા ૫૦ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ લગાવાઈ છે.
દિલજીત દોસાંજના કોન્સર્ટમાં જવા માટે દર્શકો માટે ખાસ સૂચના: સ્ટેડિયમમાં શું લઈ જઈ શકાશે નહીં?

સુરક્ષાના કારણોસર પોલીસે દર્શકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સ્ટેડિયમની અંદર માત્ર મોબાઈલ ફોન જ લઈ જવાની છૂટ આપવામાં આવી છે. મોબાઈલ સિવાય બેગ, પાવર બેંક, પાણીની બોટલ, પોસ્ટર, બેનર કે કોઈપણ પ્રકારની સ્ટિક સ્ટેડિયમમાં લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ગેટ પર સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રવેશ કરવા સમયે ચેકિંગ કર્યા બાદ અંદર જવાની મંજૂરી આપશે. મહિલાઓ અને પુરૂષોના ચેકિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટ અગાઉનો શું હતો વિવાદ? આ ગીતોને લઈને પોલીસની સ્પષ્ટતા
કોન્સર્ટ અગાઉ ચંદીગઢથી એક પ્રોફેસરે અમદાવાદ આવીને ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર સમક્ષ દિલજીત દોસાંજના 4 ગીતો સામે વાંધો ઉઠાવી ફરિયાદ નોંધાવી હતી. પ્રોફેસરે ચીમકી ઉચ્ચારી છે કે જો કોન્સર્ટમાં આ ૪ ગીતો અને અન્ય નિયમોનું પાલન નહીં થાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરશે. આ ફરિયાદના આધારે મોટેરા પોલીસે પ્રોફેસરનું નિવેદન નોંધ્યું છે. આ મામલે પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાત અને અમદાવાદમાં અગાઉ પણ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક થયા છે અને આયોજકોને કોઈ અયોગ્ય બાબત ન બને તેનું ધ્યાન રાખવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, આ કોન્સર્ટ દરમિયાન આયોજકો દ્વારા નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓ પણ આપવામાં આવશે.
અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં અનેકગણો વધારો, હોટલના રૂમના ભાડા પણ બેથી ત્રણ ગણા વધી ગયા
અમદાવાદ હવે માત્ર રાજકીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું જ નહીં, પરંતુ ગ્લોબલ મ્યુઝિક ઇવેન્ટ્સનું પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. કોલ્ડપ્લેના શાનદાર કોન્સર્ટ બાદ અમદાવાદમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. 21 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન દિલજીત દોસાંઝ, પપોન અને દર્શન રાવલ જેવા કલાકારોના કોન્સર્ટ યોજાવાના છે. પરંતુ આ કોન્સર્ટનો ક્રેઝ હવે સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં અનેકગણો વધારો થયો છે, તો બીજી તરફ હોટલના રૂમના ભાડા પણ બેથી ત્રણ ગણા વધી ગયા છે.
દેશભરમાંથી સંગીતપ્રેમીઓ અમદાવાદ આવવા રવાના
21 નવેમ્બરથી 27 માર્ચ 2027 દરમિયાન પંજાબી અને બોલિવૂડ સિંગર્સના એક પછી એક લાઇવ કોન્સર્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના કારણે દેશભરમાંથી સંગીતપ્રેમીઓ અમદાવાદ તરફ આવી રહ્યા છે. પરંતુ આ મ્યુઝિક કોન્સર્ટનો ઉત્સાહ હવે મુસાફરોના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં સામાન્ય દિવસોની સરખામણીએ અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં મુંબઈથી અમદાવાદનું ભાડું અંદાજે 3,500 રૂપિયા હોય છે, જે 21 નવેમ્બરે વધીને 21 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. ચેન્નાઈથી ભાડું 8 હજારથી વધીને 25 હજાર રૂપિયા થયું છે. જ્યારે ઇન્દોરથી અમદાવાદનું ભાડું 40 હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે. દિલ્હી, બેંગલુરુ, પંજાબ અને હરિયાણા સહિતનાં શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં પણ મોટો ઉછાળો નોંધાયો છે.

હોટલના રૂમ માટે હવે 15થી 35 હજાર રૂપિયા સુધી ચૂકવવા પડાપડી
માત્ર ફ્લાઇટ જ નહીં, હોટલના રૂમના ભાડામાં પણ જંગી વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 5થી 13 હજાર રૂપિયામાં મળતા હોટલના રૂમ માટે હવે 15થી 35 હજાર રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.અમદાવાદની તાજ હોટલમાં સામાન્ય દિવસોમાં 8થી 10 હજાર રૂપિયામાં મળતો રૂમ કોન્સર્ટ દરમિયાન 25થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. જ્યારે રામાડા હોટલના રૂમનું ભાડું 6 હજારથી વધીને 15થી 18 હજાર રૂપિયા અને ફોર્ચ્યુન સિલેક્ટમાં 18 હજાર રૂપિયા સુધી પહોંચી રહ્યું છે.
કોન્સર્ટને કારણે ફ્લાઇટની ટિકિટની માંગમાં ભારે વધારો

અમદાવાદમાં કોન્સર્ટને કારણે ફ્લાઇટની ટિકિટની માંગમાં ભારે વધારો થયો છે. કેટલીક જગ્યાએ સામાન્ય દિવસોની સરખામણીએ 6થી 7 ગણા સુધી ભાડાં વધી ગયાં છે. માત્ર કોન્સર્ટમાં જ નહીં, પરંતુ બિઝનેસ મીટિંગ માટે અમદાવાદ આવતા લોકો પણ આ વધારાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદની હોટલ ઇન્ડસ્ટ્રી માટે આ કોન્સર્ટ મોટી તક બની રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સહિતનાં રાજ્યોમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. જેના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો છે.હોટલના રેગ્યુલર ભાડામાં પણ બેથી ત્રણ ગણો વધારો થયો છે. કોન્સર્ટની સાથે સાથે પ્રવાસીઓ અમદાવાદનાં ફરવાલાયક સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. જેના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળી રહ્યો છે. એક તરફ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિક કોન્સર્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ફ્લાઇટ અને હોટલના ભાડામાં થયેલો વધારો ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં વધી રહેલા લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ શહેરના ટુરિઝમ અને હોટલ ઉદ્યોગને કેટલો ફાયદો કરાવે છે.
અમદાવાદમાં દિલજીત દોસાંઝની કોન્સર્ટનો ક્રેઝ: ₹2,128 થી લઈને ₹1.06 લાખ સુધીની ટિકિટ, શનિવારે જામશે મહેફિલ
અમદાવાદમાં સિંગર દિલજીત દોસાંઝની કોન્સર્ટમાં જવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી હજારો ટિકિટ બુક થઈ ગઈ છે. દિલજીત દોસાંઝની કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ માટે કુલ 71 પ્રકારની ટિકિટો છે. ટિકિટના ભાવની વાત કરવામાં આવે તો સસ્તામાં સસ્તી ટિકિટ 3000 રૂપિયાથી લઈને સૌથી મોંઘી ટિકિટ 106,383 રૂપિયાની છે.
ટિકિટ પ્રમાણે બેસવાની વ્યવસ્થા
દિલજીત દોસાંઝની કોન્સર્ટ માટે તમામ ટિકિટો ઓનલાઈન બુક કરાવી શકાય છે. આ માટે સૌથી સસ્તી ટિકિટ 2128 રૂપિયાની છે, ત્યારબાદ ટિકિટનો ભાવ વધી રહ્યો છે. બેસવાની જગ્યા, કેટેગરી પ્રમાણે ટિકિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. મોંઘી ટિકિટની વાત કરવામાં આવે તો 22000સ 44021 થી લઈને 106,384 રૂપિયાની સૌથી મોંઘી ટિકિટ છે. આ સિવાય કેટલીટ ટિકિટમાં ફૂડ-બ્રેવરેજની પણ વ્યવસ્થા છે.