SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિલજીતના કોન્સર્ટમાં ચોરી કરવા દિલ્હીથી આવી ગેંગ, પાઘડી બાંધીને ભીડમાં હાથ સાફ કર્યા, 2 પકડાયા ને 2 ફરાર

અમદાવાદમાં શનિવારે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાયો હતો. આ મેગા ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. પરંતુ લોકોની ભારે ભીડનો લાભ ઉઠાવવા માટે ચોર ગેંગ દિલ્લીથી અહીં પહોંચી હતી. પોલીસે આ કોન્સર્ટ દરમિયાન મોબાઈલની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી છે.

Written By Gokani Dhaval
Published: Nov 23, 2026, 15:23 IST | Updated: Nov 23, 2026, 15:29 IST
Join

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 21 નવેમ્બરે યોજાયેલા પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં સંગીતના માહોલ વચ્ચે લાખોના ફોનની ચોરી કરનાર દિલ્હી ગેંગનો મોટેરા અને ઝોન 2 એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી ૬ હજાર રૂપિયાની મોંઘી ગોલ્ડ ટિકિટ ખરીદીને આવેલા અને પોલીસથી બચવા માથે પાઘડી બાંધીને ફરતા ચોરો માત્ર આઈફોન અને ફોલ્ડ જેવા મોંઘા ફોનને જ નિશાન બનાવતા હતા. જોકે, ફરિયાદીઓના ફોનનું લાઈવ લોકેશન જ પોલીસ માટે સૌથી મોટું હથિયાર સાબિત થયું અને 2 ચોર પકડાય ગયા છે વધુ બે ફરાર ની શોધખોળ શરૂ કરી છે.

દિલ્હીથી ચોરી કરવા અમદાવાદ આવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે યુવાનો પોતાના સેલિબ્રેશનમાં મશગૂલ હતા, ત્યારે બીજી તરફ કુખ્યાત તસ્કરો પોતાના કાળા કારનામાને અંજામ આપી રહ્યા હતા. કોન્સર્ટ દરમિયાન અચાનક 70 જેટલા લોકોના મોંઘાદાટ ફોન ચોરાઈ જવાની બૂમો ઉઠી હતી. મોટેરા પોલીસ અને ઝોન-૨ એલસીબીની ટીમે ત્વરિત એક્શનમાં આવીને ટેકનિકલ એનાલિસીસ અને ટેક્નોલોજીના આધારે દિલ્હીથી આવેલી આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગના બે  મોહમદ અસદ ગુલજાર અને અશરફ હુસેન ઇદ્રીશી સાગરિતોને ઝડપી પાડ્યા છે.

શંકા ન જાય તે માટે પાઘડી પણ પહેરી

સ્ટેડિયમના મોટેરા પોલીસ કંટ્રોલરૂમમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે  ગત ૨૧ નવેમ્બરે યોજાયેલા કોન્સર્ટમાં સ્ટેડિયમમાં ઉભા કરાયેલા પોલીસ કંટ્રોલરૂમમાં એક પછી એક યુવાઓ પોતાના ૫૦ હજારથી લઈને ૧.૨૫ લાખ રૂપિયા સુધીના મોંઘા ફોન ચોરાયાની મૌખિક ફરિયાદો લઈને પહોંચવા લાગ્યા હતા. મામલાની ગંભીરતાને જોઈને મોટેરા પોલીસ અને ઝોન-૨ એલસીબીની સ્ક્વોડે તત્કાલિક વિગતો એકઠી કરી હતી. મોટેરા પોલીસ તપાસમાં એક ચોંકાવનારી બાબત સામે આવી હતી કે આરોપીઓ પોલીસ તેમને સરળતાથી ઓળખી ન શકે તે માટે માથે શીખ જેવી પાઘડી બાંધીને કોન્સર્ટમાં ફરતા હતા અને ભીડનો લાભ લઈને માત્ર આઈફોન અને ફોલ્ડ જેવા મોંઘા ફોન જ ચોરતા હતા. ઝડપાયેલા ચોર મોહમદ અસદ ગુલજાર અને અશરફ હુસેન ઇદ્રીશીની પૂછપરછમાં સામે આવ્યું છે કે  વાલિદ નામનો મુખ્ય શખ્સ ફોન ચોરી કરીને આ બંને આરોપીઓને સોંપતો હતો.

આ પણ વાંચોઃ ડિજિટલ મોતનો સ્ટેયરિંગ ટ્રેન્ડ! 2 સેકન્ડ મોબાઈલ સામે જોયું તો કાર 100 ફૂટ ફંટાઈ જશે

11 મોબાઈલ ફોન પોલીસે કર્યાં કબજે

આ ઓપરેશનનું સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ રહ્યો કે, જે ૧૧ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક ફોનમાં ફરિયાદીઓ દ્વારા અગાઉ જ વૉટ્સએપ પર પોતાના સબંધીઓને લાઈવ લોકેશન મોકલવામાં આવ્યા હતા. આ ટેકનિકલ લીડના આધારે મોટેરા પોલીસ અને ઝોન 2 એલસીબી પોલીસ માટે ચોરો સુધી પહોંચવું ખૂબ જ સરળ બની ગયું હતું. પકડાયેલા આરોપીઓ મોહમદ અસદ ગુલજાર અને અશરફ હુસેન ઇદ્રીશી કહેવા મુજબ દિલ્હીથી ૧૫ થી ૨૦ હજાર રૂપિયા ભાડે આપીને ઓલા કાર લઈને વાલીદ નામનો આરોપી લઈને આવ્યો હતા અને કોન્સર્ટના દિવસે સવારે 11 વાગ્યે જ અમદાવાદ પહોંચી ગયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી મોહમદ અસદ ગુલજારે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, જ્યારે અશરફ હુસેન ઇદ્રીશીએ ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. સ્ટેડિયમમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું ત્યારે આ શખ્સોએ મોકો ઝડપીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે પીછો કરીને દિલ્હીના મોહમદ અસદ ગુલજાર અને અશરફ હુસેન ઇદ્રીશીને દબોચી લીધા હતા અને ૪.૩૦ લાખની કિંમતના ૧૧ ફોન રિકવર કર્યા છે

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ ઓપરેશનમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર એવા વાલિદ સહિતના બે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. મોટેરા પોલીસે આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને બાકીના અન્ય ૫૯ મોબાઈલ ફોનની શોધખોળ પણ સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ મોટેરા પોલીસે નાગરિકો જોગ અપીલ કરી છે કે આ કોન્સર્ટમાં જે પણ અન્ય લોકોના મોબાઇલ ફોન ચોરાયા હોય, તેઓ મોટેરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની સત્તાવાર ફરિયાદ નોંધાવે ત્યારે આવા મ્યુઝિક કોન્સર્ટ અને ઉત્સવોમાં સેલિબ્રેશનના નામે ઘૂસીને માસૂમ નાગરિકોના કિંમતી સામાન પર હાથ સાફ કરતી આવી શાતિર આંતરરાજ્ય ગેંગો સામે અમદાવાદ પોલીસે સકંજો કસ્યો છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે દિલ્હી સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES