અમદાવાદમાં મૈત્રી કરારમાં રહેતી યુવતીએ ટૂંકાવ્યું જીવન, ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલા પ્રેમસંબંધનો કરુણ અંજામ
Ahmedabad : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મૈત્રી કરારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર થતી મિત્રતા ક્યારે જિંદગીનો કરુણ અંત લાવે છે. તેનું વધુ એક દર્દનાક ઉદાહરણ સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રેમસંબંધ બંધાયા બાદ મૈત્રી કરાર પર રહેતી 24 વર્ષીય યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું છે.
ઉદય રંજન, અમદાવાદ : સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થતી પ્રેમ કહાનીઓ ઘણીવાર કેવા ખતરનાક અંજામ સુધી પહોંચે છે. તેની સાક્ષી પૂરતી એક ઘટના બાપુનગરમાં બની છે. બાપુનગરની ચાંદાભાઈની ચાલી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય દક્ષાએ ઘરકંકાસ અને રોજીંદા ઝઘડાઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. વર્ષ 2023માં ઇન્સ્ટાગ્રામ પર થયેલા પરિચય બાદ મૈત્રી કરાર કરીને સંસાર માંડનાર યુવતીને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા એટલો ત્રાસ આપવામાં આવ્યો કે તેણે મોતને વહાલું કરવું પડ્યું.
ભગવાનના દરબારમાં ભેદભાવ કેમ? ભક્તોના વિરોધ બાદ ડાકોર મંદિર ટ્રસ્ટની પીછેહઠ, VIP કલ્ચર બંધ!
ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલા પ્રેમસંબંધનો કરુણ અંજામ
ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ચાંદાભાઈની ચાલીમાં રહેતી 24 વર્ષીય દક્ષા રાઠોડે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2023માં મૃતક દક્ષા રાઠોડ અને મયુર પરમાર વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો.
આ પરિચય બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેમણે કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. આ સંબંધ દરમિયાન દક્ષા રાઠોડે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. પરંતુ સમય જતાં મામલો બગડ્યો અને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું.
મૃતક દક્ષા રાઠોડના પરિવારજનોએ નોંધાવી ફરિયાદ
મૃતક દક્ષા રાઠોડના પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી પતિ મયુર પરમાર અને તેના પરિવારજનો દ્વારા દક્ષા રાઠોડને નાની-નાની બાબતો પર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘરકંકાસ અને રોજીંદા ઝઘડા વધી જતા દક્ષા રાઠોડે આ બાબતે અગાઉ અનેકવાર પોતાના પરિવારજનોને પણ જાણ કરી હતી.
આ ત્રાસ એટલો હદ સુધી વધી ગયો કે યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે આ સતત ચાલતા ત્રાસ અને કલેશથી કંટાળીને દક્ષા રાઠોડે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટના બાદ મૃતક યુવતીની માતા નંદા રાઠોડે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પહોંચીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે પતિ મયુર પરમાર, સસરા પ્રવીણ પરમાર, સાસુ મંજુ પરમાર અને દિયર વિશાલ પરમાર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
બાપુનગર પોલીસે કાયદેસર કાર્યવાહી કરીને આ કેસમા 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર થતો પ્રેમ અને મૈત્રી કરાર બાદ વધતા પારિવારિક વિવાદો કેવી રીતે માસૂમ જિંદગીઓનો ભોગ લઈ રહ્યા છે. તેનું આ વધુ એક દુઃખદ ઉદાહરણ છે.