SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શેર માર્કેટમાં મોટું સ્કેમ! રોકાણકારોની મંજૂરી વગર વેચાઈ ગયા શેર, 100 કરોડનું નુકસાન!

Stock Market : અમેરિકી બજારમાં ભારતીયો દ્વારા ખરીદવામાં આવેલા એપલ, ટેસ્લા અને Nvidiaના શેર, તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા અને તેના બદલે કેટલીક ચીની કંપનીઓના શેર આપી દેવામાં આવ્યા, જેના પરિણામે આશરે ₹100 કરોડનું નુકસાન થયું છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Nov 04, 2026, 07:58 PM IST | Updated: Nov 04, 2026, 08:03 PM IST
Join

Stock Market : એક બ્રોકરેજ ફર્મની ભૂલને કારણે ભારતીય રોકાણકારોને ₹100 કરોડથી વધુનું નુકસાન થયું છે. ખાસ કરીને 30 ભારતીય રિટેલ રોકાણકારોનો આરોપ છે કે ફિનટેક પ્લેટફોર્મ સ્ટોકલ સિક્યોરિટીઝ દ્વારા તેમના યુએસ સ્ટોક પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા તમામ શેર તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા.

દિવાળી પહેલા અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો નવી રેટ લિસ્ટ

આ ઘટનાને કારણે રોકાણકારોને ₹100 કરોડથી વધુનું નુકસાન થયું છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, આ કથિત વ્યવહારો 15 ઓક્ટોબર, 2024ના રોજ થયા હતા, જ્યારે એપલ, ટેસ્લા, એમેઝોન, આલ્ફાબેટ, એનવિડિયા અને એએમડી જેવી મોટી યુએસ કંપનીઓના શેર રોકાણકારોની સંમતિ વિના વેચી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ઓછા જાણીતા શેર ખરીદવા માટે કરવામાં આવ્યો, જેના મૂલ્યમાં પાછળથી ભારે ઘટાડો જોવા મળ્યો. આ ઘટનાએ એકાઉન્ટની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે અને સ્ટોકલ તથા તેના યુએસ ક્લિયરિંગ બ્રોકર ડ્રાઈવવેલ્થ વચ્ચે વિવાદ ઉભો થયો છે કે આ ટ્રાન્ઝેક્શન માટે કોણ જવાબદાર છે.

રોકાણકારોએ કેવી રીતે પોતાના શેર ગુમાવ્યા

એક ભારતીય રોકાણકારે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે 3.35 લાખ ડોલર મૂલ્યના 10 લાર્જ-કેપ યુએસ સ્ટોક તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે આ રકમનો ઉપયોગ ચીની કંપની ઝીબાઓ ટેકનોલોજી ઇન્ક. (ZBAO)ના 3,00,000 શેર સરેરાશ 1.05 ડોલરના ભાવે ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ, ZBAOના શેર લગભગ 60% ઘટીને 23 ઓક્ટોબરના રોજ 0.42 ડોલર પર બંધ થયા. રોકાણકારને લગભગ ₹4.26 કરોડનું નુકસાન થયું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આ અનધિકૃત ટ્રાન્ઝેક્શન માટેના નિયમિત ટ્રેડ કન્ફર્મેશન મેઇલ્સ પણ ગાયબ હતા.

બે મિનિટમાં ₹29 કરોડના શેર વેચાઈ ગયા

બીજા રોકાણકારે જણાવ્યું હતું કે, લગભગ ₹29 કરોડના શેર ફક્ત બે મિનિટમાં જ વેચવામાં આવ્યા હતા. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે આ ફંડ પછી 15 મિનિટની અંદર ઓછા ટ્રેડિંગ વોલ્યુમવાળા સ્ટોકના 3.05 મિલિયન શેરમાં રોકાણ કરવામાં આવ્યું હતું. રોકાણકારનો દાવો છે કે ના તો પોર્ટફોલિયો કે ના તો લોસ કવર કરવામાં આવ્યો છે.

સ્ટોકલે આરોપોનો જવાબ આપ્યો

સ્ટોકલે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે. પ્રારંભિક તારણો અનુસાર, ફિશિંગ અથવા સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા ચેડા કરાયેલા ઇમેઇલ આઈડેન્ટિફિકેશન દ્વારા ખોટી રીતે ઓક્સેસ મેળવવામાં આવી હોઈ શકે છે. જો કે, સ્ટોકલે જણાવ્યું હતું કે તેની તપાસમાં તેના પોતાના પ્લેટફોર્મમાં ભૂલના કોઈ પુરાવા મળ્યા નથી.

ડ્રાઇવવેલ્થની જવાબદારીનો વિવાદ

ડ્રાઇવવેલ્થ કે જે ક્લિયરિંગ અને કસ્ટડી સર્વિસ આપે છે, તેણે આ ઘટનાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. 30 ઓક્ટોબરના રોજ ડ્રાઇવવેલ્થે દાવો કર્યો હતો કે અનધિકૃત ઍક્સેસ સ્ટોકલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને બદલે સ્ટોકલના ઇન્ટરફેસ દ્વારા થઈ હતી. તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે સ્ટોકલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને કારણે ચોક્કસ પગલાં લેવામાં વિલંબ થયો હતો. આ આરોપોનો વિરોધ કરવામાં આવે છે અને જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

એચડીએફસી સિક્યોરિટીઝ કનેક્શન

અસરગ્રસ્ત રોકાણકારોએ એચડીએફસી સિક્યોરિટીઝ સાથે વૈશ્વિક રોકાણ ભાગીદારી દ્વારા સ્ટોકલને એક્સેસ કર્યું હતું, જે 2019માં શરૂ થયું હતું. આ ઓપરેશનલ ભાગીદારી જુલાઈ 2024માં પૂર્ણ થઈ. બેંગલુરુમાં દાખલ કરાયેલી એફઆઈઆરમાં એચડીએફસી સિક્યોરિટીઝ સહિત ઘણી કંપનીઓના નામ છે. જોકે, મનીકંટ્રોલે સ્પષ્ટતા કરી છે કે બ્રોકરેજ ફર્મનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું નથી. એક રોકાણકારે SEBI અને યુ.એસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)નો પણ સંપર્ક કર્યો છે.

Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES